ચોપાટી અને ઝાલેશ્વર સહિતના વિસ્તારો પાસે જવા પર પ્રતિબંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
બીપરજોય વાવાઝોડાના પગલે સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની ભારે પવન સાથે તોફાની બેટિંગ શરૂ થઈ હતી.સમગ્ર દિવસ દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં.બીજી તરફ વેરાવળ બંદરે ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું.દરિયાકાંઠે પણ 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા જેથી વેરાવળ ચોપાટી, જાલેશ્વર,સોમનાથ વોક વે સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પાસે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પવનની ગતિ પણ 45 થી 50 કિમી/કલાકની જોવા મળી હતી.જિલ્લામાં સમગ્ર પરિસ્થિતિની વોચ પણ એનડીઆરએફ દ્વારા રખાઈ રહી છે.હજુ પણ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે પોલીસ અને પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.
જિલ્લા પ્રભારી સચિવ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો
જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવાને જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત તાલુકાવાર નિમણૂક થયેલ લાઇઝન અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં કલેકટરે જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે આયોજનની માહિતી આપતા જણાવ્યુ હતુ કે જિલ્લામાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે તાલુકાવાર લાયઝન ઓફિસરોની નિમણૂક કરાઈ તેમજ જિલ્લા કંટ્રોલરૂમ ૨૪×૭ કલાક કાર્યરત છે તેમજ આશ્રયસ્થાનોની વ્યવસ્થા પણ કરાઈ છે.પ્રભારી સચિવ જેનુ દેવાને હોર્ડિંગ્સ તથા ભયજનક વૃક્ષો દૂર કરવા તેમજ કોમ્યુનિકેશન વ્યવહાર ખોરવાય નહી તે માટેની વ્યવસ્થા અને દરિયાકાંઠા વિસ્તારના સગર્ભા સ્ત્રીઓને સલામત સ્થળે ખસેડવા ,મેડિકલ ટીમ તથા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો તૈયાર રાખવા, આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર સહિતની વ્યવસ્થા ઊભી કરવી, નબળા પુલ-નાળા-કોઝવે પર લોકોની અવરજવર અટકાવવી, સહિતની બાબતો પર ઝીણવટભરી સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓના ભાગરુપે કરેલી કામગીરીની માહિતી મેળવી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)