અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
બીજી તરફ પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર નવ નંબરનું અતિભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે તોફાનના કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા.
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી નજીક દરિયામાં ઉંચા મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વાવાઝોડું પોરબંદરથી હાલ 340 કિલોમીટર દૂર છે.
વાવાઝોડાંની શક્યતાને પગલે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ
અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિતના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયો ગાંડોતૂર થયો છે. જાફરાબાદના કિનારે 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી દરિયા કિનારે વસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ ‘બિપોરજોય’ વાવાઝોડાંની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આવા સમયે હવે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હિરા સોલંકીએ માછીમાર આગેવાનો સાથે દરિયા દેવને શાંત કરવા માટે વિધીવત પૂજા કરી હતી. ઘૂઘવાતા કરતા સમુદ્રની સામે ઉભા રહીને હિરા સોલંકીએ સમુદ્રમાં શ્રીફળ અને દુધ ચડાવી સમુદ્ર દેવને શાંત થવા માટે વિનંતી કરી હતી.
નવસારીના દરિયામાં 4-5 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે
નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારા પર 16 જેટલા ગામો વસેલા છે. જેમને બિપરજોય વાવાઝોડાની શક્યતાઓને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. દાંડી અને ઉભરાટના દરિયા કિનારે વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે. 4 ફૂટથી લઈને 5 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછડી રહ્યા છે. સમગ્ર દરિયાની સ્થિતિ પર જિલ્લા તંત્ર નજર રાખીને બેઠું છે અને દરિયાકાંઠા પર લાયઝનિંગ ઓફિસરોની નિમણૂક કરીને તંત્ર વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે. વહેલી સવારે ઉમરાટ દરિયા કિનારે પણ દરિયા કિનારા પર આવેલી દુકાને ઓના પત્રરા પણ દુકાનદારો દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. નવસારી જિલ્લા વહીવટી તંત્રે દરિયાકાંઠાનાં ગામોને અલર્ટ કર્યાં છે, સાથે જ સહેલાણીઓને પણ બીજ પર જવાની મનાઈ ફરમાવી છે.
લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી શરૂ
વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના કાંઠાળ પટ્ટીના 67 ગામોના 8300 લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આશ્રિત લોકો માટે માંડવી તાલુકાના મેરાઉ ગામે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સેવ બૂંદી અને ગાંઠિયાનો નાસ્તો પેક કરી મામતદાર કચેરી ખાતે આપવામાં આવશે. ગામનાં કાંતિલાલ રાજગોર દ્વારા વિનામૂલ્યે વાનગી બનાવી દેવામાં આવી હોવાનું કરછ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંચાલક અરવિંદ જોશીએ કહ્યું હતું.
ગુજરાતમાં વાવાઝોડાંની સ્થિતિનું PMOથી નિરીક્ષણ
બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સક્રિય બન્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છ જિલ્લામાં આવે તેવી સંભાવના છે. વાવાઝોડાંથી કચ્છના કાંઠાળ વિસ્તારોને ખતરો છે ત્યારે માંડવિયા કચ્છ પહોંચીને તંત્ર દ્વારા કરાયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાંનો ખતરો જોવા મળી રહ્યો છે. 7 જૂનના રોજ વાવાઝોડું બિપરજોય દ્વારકાથી આશરે 1200 કિલોમીટર દૂર હતું. જે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે હાલ આ વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર જ્યારે પોરબંદરથી માત્ર 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. દરિયાકાંઠાના તમામ ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે પણ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. ખાસ કરીને હર્ષદ અને માંગરોળના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો. હર્ષદમાં તો દરિયાના પાણી ભરબજારમાં પહોંચી ગયા હતા. જ્યારે માંગરોળમાં પણ દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યાં હતા.
સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ
ગીરનાર પર ભારે પવનના કારણે સતત ત્રીજા દિવસે રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાંને લઈ ગુજરાતભરના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ ગિરનાર પર ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે સતત ત્રીજા દિવસે બંધ રાખવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર સીડી ચડીને જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 6 દિવસમાં ગુજરાતમાં ‘બિપરજોય’ની ગતિ
તારીખ- 7 જૂન
- દ્વારકાથી આશરે 1200 કિમી દૂર હતું, અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિ તે સમયે 40 કિ.મી પ્રતિકલાક હતી
તારીખ- 8 જૂન
- ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર હતું
તારીખ-9 જૂન
- ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 830 કિલોમીટર દૂર હતું
તારીખ-10 જૂન
- વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર હતું
તારીખ-11 જૂન
- વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર હતું, જ્યારે દ્વારકાથી 440 કિલોમીટર દૂર હતું
તારીખ-12 જૂન
- આજે હાલ વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે
વિવિધ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મૂળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ જિલ્લામાં પુરુષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાંને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ મંત્રીને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવા આદેશ આપ્યો હતો. જેને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને કનુ દેસાઇ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા હાઇલેવલ બેઠક કરવામાં આવી છે.
માંગરોળના દરિયાકાંઠે પથ્થરો ઉછળીને બહાર આવ્યા
સંભવિત વાવાઝોડા પહેલા ગઈકાલે જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા દેખાયા હતા. દરિયામાં તોફાની મોજાના કારણે કાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા. કિનારા પર માછીમારોના દંગાઓમાં પાણી ફરી વળ્યા હતા. માંગરોળના શેરીયાજ બારા ગામમાં પણ દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયાકાંઠે રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જો કે, આ રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.
ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125 થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
NDRFની ટીમે તિથલ બિચની મુલાકાત કરી
‘બિપરજોય’ વાવાઝોડાંની શક્યતાને પગલે NDRFની ટીમ વલસાડ પહોંચી છે. વલસાડના તિથલ બીચની NDRFની ટીમે મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પહેલા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ તિથલ બીચ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. નાણામંત્રીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ ગુજરાત તરફ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે. વલસાડમાં પણ એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય નાણામંત્રીએ તિથલ બીચની મુલાકાત લઈને દરિયા કિનારે રહેતા લોકોને સતર્ક કર્યા હતા અને જરૂર જણાય તે જગ્યાએ સેલ્ટર હોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં વાવાઝોડાંની અસર શરૂ થઈ ગઈ છે. પવન સાથે જિલ્લાના વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
દ્વારકાની શાળાઓમાં બે દિવસની રજા જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાંના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાંની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને સોમવાર તારીખ 12 તથા મંગળવાર તારીખ 13 સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવાનું જણાવાયું છે. દ્વારકાની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ છે.
કચ્છમાં શાળા ચાલુ રાખવાનો નિર્ણય આચાર્યો પર છોડાયો
સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાંની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં વર્તાવાની સંભાવના છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 12 જૂનથી 15 જૂન દરમિયાન શાળાઓ ચાલુ રાખવી કે બંધ તેનો નિર્ણય લેવાની સત્તા શાળાના આચાર્યને આપી છે. શાળામાં રજા જાહેર કરવામાં આવી હોય તો પણ શાળાના આચાર્ય અને સ્ટાફે ફરજિયાત હેડક્વાર્ટરમાં હાજરી આપવા આદેશ કરાયો છે.
જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી
જૂનાગઢમાં ‘બીપરજોય’ વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. ગઈકાલે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ અનેક વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેને પગલે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લા કક્ષાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વાવાઝોડાંની જે પરિસ્થિતિ બદલાઈ છે તેમાં જૂનાગઢ જિલ્લામાં પણ આ વાવાઝોડાંની અસર રહેવાની છે. જેમાં 60 થી 80 પ્રતિ કી.મી ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ 14 અને 15 જૂન ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઇ દરિયાઈ કાંઠાના ગામડાઓમાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાંની પરિસ્થિતિને લઈ લોકોને સ્થળાંતર કરવાની નોબત આવે તો 25 જેટલા સાયક્લોન સેન્ટરો કરવામાં આવ્યા છે જ્યાં લોકોને રહેવાની, જમવાની, પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ નજીકની શાળાઓમાં પણ જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જામનગરનું તંત્ર સજ્જ
જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે, તેમજ વાવાઝોડાની થોડી અસરો જોવા મળી રહી છે. ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને લઈને જામનગરનાં બંદરો પર 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. જામનગરમાં ડિસ્ટ્રિક્ટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. તેમજ વાવાઝોડાંની સિસ્ટમ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલ વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાને લઈને એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જામનગર મનપા દ્વારા શહેરના રસ્તાઓ પર જોખમી હોર્ડિગ્ઝ અને ક્રિઓસ્ક દૂર કર્યા હતા.
દરિયા કિનારાના 6 જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર સેક્ટર 19 ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરિયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસે યોજાશે. આજે સીએમની કચ્છ મુલાકાત પણ વાવાઝોડાની શક્યતાને પગલે રદ કરવામાં આવી છે. ખાવડાના કુરન ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવમાં મુખ્યમંત્રી આવવાના હતા.
માંડવી બંદર ખાતે 9 નબરનું સિગ્નલ લગાવાયું
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છ પ્રશાસન સજ્જ થયું છે. જખૌ બંદર પર માછીમારોની તમામ બોટો પરત બોલાવી લેવાઈ છે. માછીમારોએ પોતાની બોટ કિનારે લાંગરી દીધી છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારનાં ગામોમાં જરૂર સૂચનો આપવામાં આવી છે. તેમજ માંડવી મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી દ્વારા વાવાઝોડા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. ‘બિપરજોય’ વાવાઝોડાંની માંડવી દરિયા કિનારે અસર વર્તાશે તેવી આગાહી વચ્ચે માંડવી પ્રાંત અધિકારી ચેતનભાઇ મિસળ દ્વારા સંભવિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સાવચેતીનાં પગલાં સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. માંડવી બંદર ખાતે પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ભાવનગરના બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ
‘બિપરજોય’ની આગાહીના પગલે કુડા, કોળિયાક, હાથબ અને ઘોઘાના બીચ પર લોકોની અવરજવર પર તંત્ર દ્રારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસ દ્વારા દરિયાકાંઠા તરફ જતા રસ્તા પર બેરિકેટ મૂકી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ કોળિયાક ગ્રામ પંચાયત દ્વારા બે સ્કૂલોમાં લોકોને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે સાવધાની રાખવા તથા દરિયાકાંઠે જવાનું ટાળવા જે લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તેઓ માટે આદર્શ પ્રાથમિક શાળા તથા કુમાર શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ કોળિયાક ગ્રામ પંચાયત કચેરીને જાણ કરવામાં આવે, તથા ઘોઘા ગામના લોકોએ દરિયા કિનારેથી દૂર રહેવું. તેમજ આજુબાજુ જર્જરિત મકાનની સાવચેતી રાખવા સ્થળાંતર જરૂર જણાય તો મચ્છીવાડા પ્રાથમિક શાળા તથા કેન્દ્રવતી પ્રાથમિક શાળા સ્થળાંતર કરવું. જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર જણાય તો ઘોઘા ગ્રામ પંચાયત તથા ઘોઘા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા લોકોને સૂચના આપવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રખાયાં
‘બિપરજોય’ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વળવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.
કોસ્ટગાર્ડે જખૌ દરિયા વિસ્તારમાં વિશેષ સૂચના આપી
નલિયાના જખૌ દરિયા વિસ્તારમાં આજે કોસ્ટગાર્ડ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને લઇ વિશેષ સૂચના જાહેર કરવામાં આવી રહી છે. ભયનો અંદેશો દર્શાવતા દિશાસૂચક પણ બતાવવામાં આવી રહ્યાં છે. જોકે, મોટા ભાગના માછીમારો હાલ ઓફ સિઝનને લઇ પોતાના વતન પહોંચી ગયા છે. તંત્ર તમામ મોરચે સતર્ક બન્યું છે. વાગડના રાપર વિસ્તારમાં ગત મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ એક સ્થળે વીજળી પડતા ઝૂંપડું સળગી ઊઠ્યું હતું. રાપર તાલુકાના પ્રાથળ વિસ્તારમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો. બાલાસરથી જાટાવાળા વચ્ચે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં હતાં. બાલાસરથી બેલાને જોડતો નેશનલ હાઇવે થોડાક કલાકો માટે બંધ પણ રહ્યો હતો. ગત રોજ રાત્રે 10 વાગ્યે જખૌ પોર્ટ પર ‘બિપરજોય’ વાવાઝોડાને ધ્યાનમાં લેતા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં જખૌ પોર્ટના PFSO વિનોદભાઈ જોષી દ્વારા પોર્ટ ઉપર આવેલા કર્મચારીઓ, સિક્યોરિટી તથા અન્ય સ્ટાફ ગણને ઈમર્જન્સી વખતે શું કરવું તથા વાવાઝોડા વખતે કયાં પ્રકારનાં પગલાં લેવા તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
માંગરોળમાં પવનની ગતિમાં વધારો
‘બિપરજોય’ વાવાઝોડાને લઈ જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક જ પવનની ગતિમાં વધારો થતા માંગરોળ શહેરમાં લગાવેલાં હોડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ માંગરોળ પંથકમાં અચાનક પવનની ગતિમાં વધારો થયો છે. આ ઉપરાંત જૂનાગઢના ગિરનારમાં પણ ભારે પવન ફૂંકાતાં રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ દૂર દૂરથી ભવનાથમાં આવતા હોય છે તેમજ રોપ-વેની સફર કરતા હોય છે. ત્યારે ભારે પવન ફૂંકાતા રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની શક્યતાઓને લઈ જિલ્લા કલેકટર દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી છે. તમામ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને સાથે રાખી ચર્ચા કરવામાં આવી છે. વંથલી નગરપાલિકા દ્વારા શહેરમાં લગાવેલાં હોડિંગ્સ અને બેનરો હટાવવામાં આવ્યાં છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક હોડિંગ્સ દૂર કરાયાં છે.
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો
અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પીપાવાવ પોર્ટ જેટી વિસ્તાર અને જાફરાબાદ બંદર વિસ્તારમાં દરિયો હાઈટાઈડ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર પોલીસ અને કોસ્ટગાર્ડ સીધી નજર રાખી રહ્યા છે. જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે, પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક જેટી વિસ્તારમાં ઉદ્યોગોને પણ તંત્ર દ્વારા એલર્ટ કર્યા છે, સાથે દરિયાકાંઠાનાં ગામડાઓને પણ એલર્ટ કરાયાં છે. જાફરાબાદના શિયાળ બેટ, પીપાવાવ પોર્ટ, બાબરકોટ, રોહિસા સરકેશ્વર બલાણા, ધારા બંદર રાજુલાના કોવાયા, ચાંચ બંદર, વિકટર, ખેરા, પટવા સહિત દરિયાકાંઠે આવેલાં ગામડાઓને એલર્ટ કરાયાં છે. તેમજ ગ્રામજનોને દરિયાકાંઠે અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
શિયાળ બેટની બોટ સેવા બંધ
શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલું છે અને દરિયાઈ માર્ગ હોવાને કારણે બોટ વ્યહાર ચાલતો હોય છે, જોકે, હાલ દરિયાની સ્થિતિ હાઈટાઇટ થતા બોટ વ્યવહાર બંધ કરાયો છે, જેથી શીયાળ બેટ ગામમાં અવર જવર બંધ થઈ છે.
રાજુલા માર્કેટીંગ યાર્ડ આજથી બંધ
રાજુલા માર્કેટીંગ યાર્ડ 11 જુનથી 14 જૂન સુધી બંધ રાખવામાં આવી છે. યાર્ડમાં વેચાણ માટે જણસી લાવતા દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જણસી વેચાણ માટે લાવવી નહી.
ઈન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને સાવચેત કર્યા
વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે તેમજ ઉત્તરપશ્ચિમ અને ગુજરાત, દમણ અને દીવના માછીમારોને જરૂરી સાવચેતી અને સલામતીનાં પગલાં લેવાની સલાહ આપવા માટે આઉટરીચ શરૂ કર્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાંને લઇ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન આપી દીધી છે. હાલ વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે. આ સાથે જ વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર રાખી રહ્યા છીએ.
માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ કરાયો
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનાં તમામ નાનાં-મોટાં સાતેય બંદર પર બહાર લોકોની અવરજવર બંધ કરાવી છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે.
વલસાડનો તિથલ બીચ સહેલાણી માટે બંધ, 28 ગામને એલર્ટ
વાવાઝોડાંને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા શુક્રવાર વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને તિથલ બીચ ઉપર પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
દમણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દમણના દરિયાકિનારે પણ 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી છે. વાવાઝોડાંમાં વધુ કરંટ જોવા મળે તો દરિયાકિનારાનાં ગામોમાં બનાવેલા સેલ્ટર હોમ પર પહોંચી જવા જાગૃતિ શાળાઓમાંથી શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.