કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા સામખીયાળી રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં રાજસ્થાન પાસીંગની ટ્રક આડેસર તરફથી મુન્દ્રા બાજુ જઈ રહી હતી. ત્યારે ગાગોદર પાસેના મેવાસા નજીક અકસ્માતે પલટી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલકને ઢોળાયેલા ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર કારગત નીવડે તે પહેલાજ તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ અંગે ગાગોદર પોલીસ મથકનો સંપર્ક કરતા હાજર કર્મીએ જણાવ્યું હતું કે આજે સવારે રાધનપુર સામખીયાળી ધોરીમાર્ગ પરના મેવાસા થી 1 કિમિ દૂર અકસ્માતે ઘઉં ભરેલી ટ્રક ન. RJ GA 8560 પલટી ગઈ હતી. ઘઉંના જથ્થા તળે મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક સુખવિંદર સિંગ જશવંતસિંગનું મરણ થયું હતું. વધુ તપાસ ગાગોદર એએસઆઈ હિંમતભાઈ પુનિયા ચલાવી રહ્યા છે, જોકે વધુ વિગત માટે હિમતભાઈનો ફોન ઉપર સંપર્ક થઈ શક્યો ના હતો. અલબત્ત અકસ્માતની આ ઘટનામાં ટ્રક પલટી ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. જેન પસાર થતા અન્ય ટ્રક ચાલકોએ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.