રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા ડો.યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકના નવા નિર્માણાધિન વોંકળાના કામે સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ સુધીના રોડ ઉપર વાહનોની અવર જવર આજે તા.૧૫-૪-૨૦૨૫ને મંગળવારે રાત્રે ૧૨ કલાકથી આગામી ચાર મહિના સુધી બંધ કરવામાં આવશે તેમ મહાપાલિકા તંત્રએ જાહેર કર્યું છે. આથી ડો.યાજ્ઞિક રોડ ઉપર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટેના ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. સર્વેશ્વર ચોકથી બંને સાઇડના રસ્તા ૫૦-૫૦ મીટર બંધ કરાશે.

યાજ્ઞિક રોડ ઉપરથી રેસકોર્સ તરફ જવા દસ્તુર માર્ગ ચાલવાનું
યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા તમામ પ્રકારના વાહનો ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક-જિલ્લા પંચાયત ચોક પર તથા રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ સ્વામી વિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં.૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી-ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ- કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.

રેસકોર્સથી માલવીયા ચોક જવા કસ્તુરબા માર્ગ ઉપરથી ચાલવાનું
રેસકોર્ષથી માલવિયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન ચોક- જવાહર રોડ ઉપરથી ત્રિકોણ બાગ સર્કલથી માલવીયા ચોક તથા રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક- મોટી ટાંકી ચોક- લીમડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડથી પસાર થઇ માલવીયા ચોક તરફ જઇ શકશે.

