શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 9 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
સર્વ સમાજના ભાઈઓ-બહેનોને આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા અપીલ
વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો થશે
રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે 11 જુલાઈના રોજ શ્રી નરેશભાઈ પટેલના 58મા જન્મદિવસે દેશભરના 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને અન્ય સહયોગી સંસ્થાઓના સાથ-સહકારથી આગામી 11 જુલાઈ ને મંગળવારના રોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્ય અને દેશના કુલ 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત,
અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, મોરબી, વલસાડ, નવસારી, ખેડા, નર્મદા સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રથમ વખત રાજ્ય બહાર મધ્યપ્રદેશના ઝરખેડામાં અને ચેન્નાઈમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે 11 જુલાઈના રોજ રાજકોટ શહેરના બે સ્થળ સહિત રાજ્ય અને દેશના કુલ 58 સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે અને આપના નજીકના સ્થળે જઈ રક્તદાન કરવા માટે જવા વિનંતી કરવામાં આવી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 9 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં (1) સવારે 8 થી 12 સુધી શ્રી સરદાર પટેલ ભવન, રાજકોટ (2) સવારે 7 થી 12 સુધી પટેલવાડી, બેડીપરા, રાજકોટ (3) સવારે 8 થી 1 વાગ્યા સુધી પટેલવાડી, જેલ ચોક, ગોંડલ (4) સવારે 8 થી 12 સુધી શ્રી ગુરુદત્ત મંદિર, કોટડા સાંગાણી (5) સવારે 9 થી 1 સુધી પાટીદાર શૈક્ષણિક ભવન, જસદણ (6) સવારે 8 થી 12 સુધી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન, ધોરાજી (7) સવારે 9 થી 1 સુધી ડેકોરા ભવન, મેટોડા (8) સવારે 9 થી 1 સુધી કન્યા છાત્રાલય, ખામટા (9) સવારે 8 થી 12 સુધી કોટડીયાવાડી, જેતપુર ખાતે આયોજન કરાયું છે.
શ્રી નરેશભાઈ પટેલના 58મા જન્મદિવસ નિમિત્તે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું છે. સાથે જ વૃદ્ધાશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો પણ થશે.
બ્યૂરો રિપોર્ટ (રાજકોટ)