જામનગર: ફૂટપાથ કે રસ્તા પર રેકડીઓ લઇને ધંધો કરતા ગરીબ લોકોની વહારે ભાજપ-કોંગ્રેસના બે મહિલા કોર્પોરેટર રચનાબેન અને જેનબબેન વ્હારે આવ્યા હતા. મનપા દ્વારા રસ્તા પરથી રેકડીઓ જપ્ત કરી કોર્પોરેશનના સ્ટેર રૂમમાં રાખે છે. ત્યારે આજે રચનાબેન અને જેનબબેન કોર્પોરેશનના સ્ટોર રૂમમાં ઘૂસી રેકડી બહાર લાવી ધંધાર્થીઓને પરત આપી હતી.
રેકડીઓને લઈને જામનગરમાં બહુ બધા પ્રશ્નો છેઃ ભાજપના મહિલા કોર્પોરેટર
ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેને જણાવ્યું હતું કે, રેકડીઓને લઈને જામનગરમાં બહુ બધા પ્રશ્નો છે. આજે ગરીબ માણસો માટે જેનબબેન અને મેં પક્ષપાત રાખ્યા વગર કોર્પોરેશન આવી પહોંચ્યા હતા. ઘણા દિવસથી રેકડીઓવાળા અમને ફોન કરે છે. પરંતુ આજે એક આંખે દેખાતુ નથી તે વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મનપાના કર્મચારીઓ રાજભા અને સુનિલભાઇએ અમારી રેકડી અને વજનકાંટા લઇ લીધા છે. આજે મનપા કચેરીની અંદર રહેલો તેનો વજનકાંટો અને રેકડી તે ભાઈને સોંપી છે.
ગરીબ માણસો માટે ભાજપ કે કોંગ્રેસ ક્યારેય ભેદભાવ રાખતું જ નથી
રચનાબેને વધુમાં જણાવ્યું હતું કે, રેકડીઓવાળાને રોજ સોશિયલ ડિસ્ટન્સના બહાને પોલીસ અને મનપા દ્વારા એકાતરા 200 રૂપિયા પડાવવામાં આવે છે. આ લોકો રોજનું 400 રૂપિયા પણ કમાતા નથી. એટલા માટે આજે રાજભાને વિનંતી કરી પણ જોઇએ એટલું અમારૂ માન ન રાખ્યું. આથી અમે અંદરથી રેકડીઓ કાઢી આ લોકોને સોંપી દીધી છે. જે રીતે ભાજપ સરકાર ગરીબોના કામ કરે છે ને તે રીતે મેં આજે દેખાડી દીધું છે. ગરીબ માણસો માટે ભાજપ કે કોંગ્રેસ ક્યારેય ભેદભાવ રાખતું જ નથી.
અહેવાલ:સાગર સંઘાણી,જામનગર