News Updates
BUSINESS

મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી ધમકી:આ વખતે 400 કરોડની માગ, ઈ-મેઇલ મોકલનારે કહ્યું- રૂપિયા આપો નહિતર દેશના બેસ્ટ શૂટર દ્વારા મારી નાખીશું

Spread the love

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 27 અને 28 ઓક્ટોબરે ધમકીઓ મળ્યા બાદ મુકેશ અંબાણીને સોમવારે 30 ઓક્ટોબરે ફરી ધમકી મળી છે.

ગામદેવી પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે મુકેશ અંબાણીને તેમની કંપનીના મેઇલ આઈડી પર ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં 400 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

આ પહેલાં શુક્રવાર 27 ઓક્ટોબરે સાંજે આ જ મેઇલ પર 20 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી અને 28 ઓક્ટોબર શનિવારના રોજ 200 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે દેશના શ્રેષ્ઠ શૂટરો દ્વારા તેમને મારી નાખવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, તે જ એકાઉન્ટમાંથી મળેલા મેઇલમાં લખવામાં આવ્યું છે કે, ‘અમારા ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નથી, તેથી હવે રકમ 200 કરોડ રૂપિયા છે, જો આ નહીં મળે તો ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા હોવાનું ધ્યાનમાં રાખશો.’

આ પહેલાં 27 ઓક્ટોબરે મોકલવામાં આવેલા પહેલા ધમકીભર્યા ઈ-મેઇલમાં લખ્યું હતું કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’.

ગામદેવી પોલીસ મથકે તપાસ હાથ ધરી
27 ઓક્ટોબરે પહેલો ઈ-મેઇલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પહેલાં પણ અંબાણી અને તેમના પરિવારને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કારણે ગયા વર્ષે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા Z કેટેગરીમાંથી Z+ કરી દીધી હતી. મુકેશ અંબાણી જ સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે. આ ખર્ચ દર મહિને 40થી 45 લાખ રૂપિયા છે.

અગાઉ પણ અંબાણીને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે

  • 10 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.
  • 5 ઓક્ટોબર, 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બની ધમકી મળી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણ્યા વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલો કોલ લગભગ 1 વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે 5 વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘર)ની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
  • 15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેનો આખો પરિવાર નાશ પામશે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી
ફેબ્રુઆરી 2021માં એન્ટિલિયાની બહારથી વિસ્ફોટક ભરેલી SUV મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટિક અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેનું નામ સામે આવ્યું હતું. હાલમાં NIA આ કેસની તપાસ કરી રહી છે.


Spread the love

Related posts

બર્થ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાઇસન્સ-આધાર બનાવવા જેવા કામ થશે:1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, ચોમાસુ સત્રમાં બિલ પાસ થયું

Team News Updates

12000 કરોડમાં થઈ શકે છે ડીલ,ડાબર ખરીદશે કોકા-કોલામાં હિસ્સેદારી

Team News Updates

JSW Infrastructure IPO : 25 સપ્ટેમ્બરે વધુ એક IPO ખુલશે, જાણો પ્રાઈસબેન્ડ સહિતની વિગતવાર માહિતી

Team News Updates