ભારત અને કેનેડા વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ભારત પર ત્યાંની ચૂંટણીમાં દખલગીરી કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. કેનેડાનું એક સ્વતંત્ર કમિશન આ મામલે તપાસ કરી રહ્યું છે. કમિશને આ મામલે ટ્રુડો સરકાર પાસેથી માહિતી માંગી છે.
ખરેખરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં 2019 અને 2021માં યોજાયેલી બે સંઘીય ચૂંટણીઓમાં ચીને હસ્તક્ષેપ કર્યો હતો. જેમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને જીતવામાં મદદ કરવામાં આવી હતી. જો કે ચીને આ આરોપોને ફગાવી દીધા હતા. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ મામલાની તપાસ માટે આ પંચની રચના કરી હતી.
કમિશને બુધવારે કહ્યું કે તેણે સરકારને આ ચૂંટણીઓમાં ભારતની કથિત દખલગીરી સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. આ ઉપરાંત કમિશન એ પણ તપાસ કરશે કે સમગ્ર મામલાની સરકાર પાસે કેટલી માહિતી હતી અને તેના પર શું પગલાં લેવામાં આવ્યા હતા.
કમિશન 3 મે સુધીમાં તેનો પ્રથમ રિપોર્ટ આપશે
આ કમિશનના અધ્યક્ષ ક્યૂબેકના જજ મેરી-હોસે હોગ છે. ચૂંટણીમાં દખલગીરીના મામલામાં ભારત અને ચીન ઉપરાંત રશિયાનું પણ નામ આવે છે. કેનેડિયન મીડિયા અનુસાર, આયોગ આ મામલે પોતાનો પહેલો રિપોર્ટ 3 મે સુધીમાં રજૂ કરી શકે છે. તેનો અંતિમ અહેવાલ વર્ષના અંત સુધીમાં સામે આવશે.
હાલમાં કેનેડામાં હાજર ભારતીય હાઈ કમિશન કે ભારત સરકારે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. ગયા વર્ષે કેનેડાની ચૂંટણીમાં દખલગીરી સંબંધિત રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીને 2019ની ચૂંટણીમાં 11 ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. એક કેસમાં 2.5 લાખ ડોલરથી વધુ આપવામાં આવ્યા હતા.
ચીને કેનેડાની નીતિઓને પ્રભાવિત કરવા અભિયાન ચલાવ્યું
2021ની ચૂંટણીમાં ચીનના રાજદ્વારીઓ અને પ્રોક્સી અભિયાનોને પણ અઘોષિત ભંડોળ આપવામાં આવ્યું હતું. ચૂંટણીમાં દખલગીરીની કામગીરી ટોરોન્ટોમાં ચીની કોન્સ્યુલેટમાંથી ચલાવવામાં આવી રહી હતી. તેની પાછળનો હેતુ સાંસદોની ઓફિસમાં પોતાના લોકોને રાખવાનો અને નીતિઓને પ્રભાવિત કરવાનો હતો.
અગાઉ ડિસેમ્બર એન્ડમાં, કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ નિજ્જર હત્યા કેસમાં બે આરોપીઓની ઓળખ કરવાનો દાવો કર્યો હતો. કેનેડિયન મીડિયા ગ્લોબ એન્ડ મેલે તેના અહેવાલમાં કહ્યું હતું કે બંને આરોપીઓની થોડા અઠવાડિયામાં ધરપકડ કરવામાં આવી શકે છે. બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયા બાદ હત્યાના કાવતરામાં ભારત સરકારની ભૂમિકાનો ખુલાસો કરવામાં આવશે.
ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો
આતંકવાદી નિજ્જરની કેનેડામાં 18 જૂન 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ પછી સપ્ટેમ્બરમાં પીએમ ટ્રુડોએ ભારત પર આનો આરોપ લગાવ્યો હતો. તેમની સરકારે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધતો ગયો. જો કે, બાદમાં ટ્રુડોએ પોતે ઘણી વખત ભારત સાથે સંબંધો જાળવી રાખવાની વાત કરી હતી.
કેનેડાના આરોપો સામે કાર્યવાહી કરતા ભારતે ત્યાંના લોકો માટે વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત, 41 કેનેડિયન રાજદ્વારીઓને પણ ભારતમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે, બાદમાં રાજદ્વારી સ્તરે ઘણી વાટાઘાટો થઈ અને થોડા મહિનાઓ પછી ફરીથી વિઝા સેવાઓ શરૂ કરવામાં આવી.
ભારતના વિદેશ મંત્રાલયે પણ નિજ્જર કેસમાં કેનેડા પાસેથી અનેક વખત પુરાવા માંગ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે ટ્રુડો સરકાર પર ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો.