મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઈલમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન લોન્ચ કરાઇ

0
153

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન રાજ્યમાં શરુ કરીને મહિલા સુરક્ષાની દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હેલ્પલાઇનનો હેતુ મહિલાઓની ઘરની બહાર થતી હેરાનગતિ ઘરેલું હિંસા, મહિલા પર હુમલો કે હુમલાનો ભય તથા અન્ય પ્રકારની મુસીબત માંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. ત્યારે આ સેવાને વધુ મહિલાઓ સુધી પહોંચાડીને સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ’ લોન્ચ કરવામાં આવી છે.

“સખી” વન સ્ટોપ સેન્ટર, જામનગર તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા શ્રી શ્રમજીવી મહિલા ઔધોગિક મંડળીના કર્મચારીઓને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઈપણ ખૂણામાં રહેતી મહિલાઓને મુશ્કેલીના સમયમાં આ એપ્લીકેશન મદદરૂપ થશે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ડેમો આપેલ તેમજ આ એપ્લીકેશન મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપેલ હતી.

આ એપ ગુગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપમાં દર્શાવેલ પ્રાથમિક માહિતી ઉમેરવામાં આવશે. હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુવાન કે પોલીસની ટીમ મદદએ આવશે.

મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી ન આપી શકે તો પેનીક બટન દબાવતા જ ઘટનાસ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઈન સેન્ટરને પહોંચી જશે. મોબાઈલ જોરથી હલાવવાથી ફોન કર્યા વગર મદદ મળી શકે છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન બટન દબાવવાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાના પાંચ જેટલા સગાસંબંધી,મિત્રોને મેસેજથી જાણ થશે. જામનગર જીલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ આ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લીકેશન મોબાઈલ એપ કાર્યક્રમનું આયોજન “સખી” વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારી કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં કર્મચારી સરલાબેન એમ.ભોવા દ્વારા શ્રી શ્રમજીવી મહિલા ઔધોગિક મંડળીનાં ૧૫ થી વધુ કર્મચારીઓને એપ્લીકેશનની વિસ્તૃત માહિતી આપી કરાયું હતું.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here