ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે IS બિન્દ્રા સ્ટેડિયમ, પંજાબ ક્રિકેટ એસોસિયેશન (PCA), મોહાલીમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીન અને જોશ ઈંગ્લિસ ક્રિઝ પર છે.
મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતને સફળતા અપાવતા મિચેલ માર્શને આઉટ કર્યો હતો. ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાએ વોર્નરને 52 રને આઉટ કર્યો હતો. શમીએ સ્મિથને 41 રને આઉટ કરી કંગારુઓને ત્રીજો ઝટકો આપ્યો. અશ્વિને ભારતને ચોથી સફળતા અપાવી હતી. તેણે માર્નશ લાબુશેનને આઉટ કર્યો હતો.
ડેવિડ વોર્નરની 49 બોલમાં ફિફ્ટી
ઓપનર ડેવિડ વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
વોર્નર-સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી
4 રનમાં મિચેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.
પાવરપ્લે- ઓસ્ટ્રેલિયાની એવરેજ શરૂઆત
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એવરેજ રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી. તેણે ઓપનર મિચેલ માર્શને 4 રન પર આઉટ કર્યો હતો.
પહેલી: પહેલી ઓવરના ચોથા બોલે શમીએ ગુથ લેન્થ પર બોલ નાખ્યો, જેને માર્શ ડિફેન્ડ કરવા ગયો, પણ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ઊભેલા શુભમન ગિલે સરળ કેચ કર્યો હતો.
બીજી: 19મી ઓવરના બીજા બોલે જાડેજાએ થોડો સ્લો બોલ નાખ્યો, જેને વોર્નર સ્લોગ સ્વિપ મારવા જતા ટાઇમિંગ ના આવતા શુભમન ગિલે કેચ કર્યો હતો.
ત્રીજી: 22મી ઓવરના ત્રીજા બોલે શમીએ ગુડ લેન્થ બોલ નાખ્યો, જેને સ્ટીવ સ્મિથ સીધો શોટ રમવા ગયો, પણ એડ્જ વાગીને બોલ્ડ થયો હતો.
ચોથી: 33મી ઓવરના ચોથા બોલે અશ્વિનની બોલિંગ પર રિવર્સ સ્વિપ મારવા ગયો, પણ મિસ થઈ જતા કેએલ રાહુલના પેડ સાથે અથડાઈને સ્ટમ્પમાં વાગ્યો, જેનાથી લાબુશેન સ્ટમ્પ્ડ થયો હતો.
ટીમ ઈન્ડિયાએ પાંચ પ્લેયર્સનો સમાવેશ કર્યો, સિરાજ બહાર
ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થયો છે. તો એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.
વર્લ્ડ કપ પહેલા તૈયારીની છેલ્લી તક
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે તેની વર્લ્ડ કપ તૈયારીઓને અજમાવવાની છેલ્લી તક હશે. ભારતીય ટીમ આ મેદાન પર 4 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે રમશે. અહીં છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતું.
ભારતીય પસંદગીકારોએ વર્લ્ડ કપ પહેલા ટીમના 5 સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સિરીઝની પ્રથમ 2 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલને કાંડની ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે.
હેડ ટુ હેડ
ઓસ્ટ્રેલિયન ટીમ ODI ફોર્મેટમાં હેડ ટુ હેડ આંકડામાં મજબૂત છે. બંને વચ્ચે કુલ 14 સિરીઝ રમાઈ છે જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8 અને ભારતે 6 સિરીઝ જીતી છે. બંને વચ્ચે ભારતમાં 11 સિરીઝ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 6 અને ભારતે 5માં જીત મેળવી હતી.
બંને ટીમ વચ્ચે છેલ્લી શ્રેણી આ વર્ષે માર્ચમાં ભારતમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીત મેળવી હતી. મોહાલીમાં બંને ટીમ વચ્ચે 5 વન-ડે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 4 જીતી હતી અને ભારતે માત્ર એક જ જીત મેળવી હતી. ભારતની છેલ્લી જીત 1996ની ત્રિકોણીય શ્રેણીમાં થઈ હતી.
શુભમન ગિલ આ વર્ષે ભારતનો ટોપ સ્કોરર
કેએલ રાહુલ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે ભારતની કેપ્ટનશિપ કરશે. તેની આગેવાનીમાં ભારતે અત્યાર સુધીમાં 7 વન-ડે રમી છે, જેમાં ટીમ 4માં જીતી છે અને 3માં હાર છે. મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડે સૂર્યકુમાર યાદવ અને રવિચંદ્રન અશ્વિનનો બચાવ કર્યો હતો, બંને ખેલાડીઓ આજની મેચ રમશે. ઈજામાંથી પરત ફરી રહેલા શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ હશે.
શુભમન ગિલ વર્ષ 2023માં વન-ડે ક્રિકેટમાં ભારત માટે ટોપ સ્કોરર રહ્યો છે. જ્યારે કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે.
સ્ટાર્ક અને મેક્સવેલ નહીં રમે
ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 14 વર્લ્ડ કપ ખેલાડીઓ અને 6 વધારાના ખેલાડીઓ સાથે શ્રેણી રમી રહી છે. ઈજાગ્રસ્ત મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ પ્રથમ વન-ડેમાં રમી શકશે નહીં. ટીમ તેમના સ્થાને પ્લેઇંગ-11માં સ્પેન્સર જોન્સન અને માર્નસ લાબુશેનને સામેલ કરી શકે છે.
માર્નસ લાબુશેને વર્ષ 2023માં વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે એડમ ઝામ્પા સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે.
પિચ રિપોર્ટ
PCAની પિચ બેટિંગ માટે સારી છે. અહીં થોડો ઉછાળ છે, જેના કારણે ઝડપી બોલરોને પણ મદદ મળી શકે છે.