મુંબઈ બાદ સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતના જ્વેલરે ગણપતિ દાદા માટે 9 ફૂટનો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર બનાવ્યો છે. જેમાં 250 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગોલ્ડન હાર આવતીકાલે મુંબઈમાં લાલ બાગના રાજાને અર્પણ કરવામાં આવશે. જોકે એક વર્ષ અગાઉ ગોલ્ડન કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની હતી. ત્યારે સુરતના જ્વેલર્સ દીપક ચોકસીએ ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે ગિફ્ટમાં મોકલ્યો હતો.
જ્વેલરે લાખોનો ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કર્યો
સુરતમાં દરેક તહેવાર ખૂબ યુનિક રીતે ઉજવવામાં આવતો હોય છે. હાલ ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગણપતિ દાદા પ્રત્યેની પોતાની આસ્થા સાથે જ્વેલરે લાખોનો ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કર્યો છે. જેમાં ગોલ્ડ પ્લેટેડ 250 ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હારની લંબાઈ 9 ફૂટ છે.
હાર બનાવવામાં ચાર દિવસ થયા
જ્વેલર દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, દર વર્ષે કઈક યુનિક કરીએ છીએ. ગણેશ ચતુર્થીએ એક હાર બનાવવાનો વિચાર હતો. આ હારને લાલબાગના રાજાને અર્પણ કરાશે. આ હાર બનાવવામાં વધારે સમય નથી લાગ્યો. ગોલ્ડન રોઝ તૈયાર હોય છે. કારીગરો તેને જોઇન્ટ કરી હારનો આકાર આપે છે. જેથી આ હાર બનાવવામાં ચાર દિવસ લાગ્યા છે.
વધુ એક 6 ફૂટનો હાર પણ તૈયાર કર્યો
વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે વધુ એક ગોલ્ડ પ્લેટેડ હાર બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ 6 ફૂટ છે અને 150 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પૂનાના દગડુ શેઠને અર્પણ કરવામાં આવશે. 9 ફૂટનો હાર આવતીકાલે લાલબાગના રાજાને અર્પણ કરાશે. જ્યારે તેના એક દિવસ પછી 6 ફૂટનો હાર દગડુ શેઠને અર્પણ કરવામાં આવશે.
અગાઉ રણબીર અને આલિયાને ગોલ્ડન બુકે આપ્યો હતો
એક વર્ષ પહેલાં બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની શરૂ થઇ હતી. ત્યારે સુરતના જ્વેલર્સ દીપક ચોકસી દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક 5 ફૂટનો બુકે ગિફ્ટમાં મોકલ્યો હતો. જેની કિંમત લાખોમાં થાય છે. જ્વેલર્સ એવા ચોકસી પરિવાર દ્વારા આ ગોલ્ડન ગિફ્ટ બનાવવામાં આવી હતી. આખો ચોકસી પરિવાર રણબીર અને આલિયાનો ડાઈ હાર્ડ ફેન છે.