સસરાના હાર્ટ એટેકથી મોત બાદ બાપુનગરમાં જમાઈએ પત્નીને કહ્યું, તારો બાપ મરી ગયો, હવે મને 10 લાખ કોણ આપશે?

0
564

પત્ની પાસે સતત દહેજની માંગ કરતા પતિ સામે ફરિયાદ

અમદાવાદ. પતિ પાસે સતત પિયરથી રૂપિયા લાવવા દબાણ કરતા પતિએ સસરાના હાર્ટ એટેકથી મોત બાદ પણ પત્ની પાસે પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતો હતો. એટલું જ નહીં સસરાના મોત બાદ પણ દહેજ ભૂખ્યો પતિ ધરાયો ન હતો. તેણે તેની પત્નીને કહ્યું કે તારો બાપ મરી ગયો હવે મને 10 લાખ રૂપિયા કોણ આપશે? પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. હાલ આ સંદર્ભે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરે છે.

સાસુ-સસરા વહુને કહેતા, અમારો દીકરો મજા કરવા જ આવ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર , બાપુનગરની પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે દહેજ માંગ્યાની ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદ જ પતિએ અને સાસુ-સસરાએ મહિલાને પિયરમાંથી 10 લાખ દહેજ માટે દબાણ કરતા હતા. દરમિયાન પરિણીતાના પિતાનું બીમારીથી અવસાન થયું હતું. પતિએ સસરાના મોતનો મલાજો પણ ન જાળવ્યો અને કહ્યું હતું કે, તારો બાપ તો મરી ગયો હવે મારા દસ લાખ કોણ આપશે?. એટલું જ નહીં મહિલા સાથે ઝગડો થતો ત્યારે તેના સાસુ-સસરા પણ કહેતા કે અમારો દીકરો માત્ર મજા કરવા જ આવ્યો છે. કંટાળીને યુવતીએ પોલીસને ફરિયાદ આપતા હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

કોર્ટ મેરેજ કરનાર યુવતીને પતિ તેના મા-બાપની વાત સાચી હોવાનું કહી મારતો
બાપુનગરમાં પિયર પક્ષના લોકો સાથે રહેતી 27 વર્ષીય યુવતીએ માર્ચ 2020માં જ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે રહેવા ગઈ હતી. ત્યારે તેના સાસુનો ફોન આવ્યો અને કહ્યું હતું કે, અમારા ઘરમાં રહેવા આવવું હોય તો દસ લાખ લઈને જ આવવું પડશે. જેથી યુવતીએ 10 લાખ ક્યાંથી લાવવા તેવું પતિને કહેતા પતિએ તેને માર મારી તેના માતા-પિતા સાચું જ કહે છે તેમ કહ્યું હતું.

પરિણીતાને ફોન પર સાસુએ રૂપિયા લઈને આવવા કહેલું
લોકડાઉન દરમિયાન યુવતી તેના પતિ સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી. ત્યારે પણ તેની સાસુ ફોન કરીને કહેતા કે, દસ લાખ લેતી આવજે અને અમારા કહેવાથી જ અમારો દીકરો તારી સાથે મજા કરવા જ આવ્યો છે,.

10 લાખ ન લાવે તો પિયર જતી રહેવા પરિણીતાને પતિની ધમકી
પતિ પણ પત્નીને કહેતો કે દસ લાખ નહીં લાવે તો બીજે લગ્ન કરી લેશે. ગત 23મી મેના રોજ પરિણીતાના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે સમયે યુવતીના પતિએ સસરાના મોતનો મલાજો ન જાળવી તારો બાપ તો ભગવાન પાસે જતો રહ્યો હવે મારા દસ લાખ કોણ આપશે? તેમ કહી માર માર્યો હતો. દસ લાખ નહીં લાવે તો પિયર જતી રહેજે તેવી ધમકી આપી હતી.

બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી
પરિણીતાએ પિયર જવાની ના પાડતા તેને અન્ય પુરુષ સાથે સબંધ હોવાનો આક્ષેપ મૂકી તેને ત્રાસ આપ્યો હતો. આખરે કંટાળીને આ મહિલાએ તેના પતિ, સાસુ, સસરા અને દિયર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here