રાજકોટમાં લોકસભાની ચૂંટણને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 28-29 માર્ચ અને 1લી એપ્રિલના રોજ જુદાં જુદાં પ્રકારની કામગીરી માટે શિક્ષકો અને કર્મચારીઓ સહિત 12,000 કર્મચારીને તાલીમ આપવામાં આવશે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા આગામી 30મી માર્ચે CET અને 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે. જેને લીધે મોટી સંખ્યામાં શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા રહેશે. લોકસભાની ચૂંટણીની તાલીમ દરમિયાન 2 પરીક્ષા પણ હોવાથી શિક્ષકોને મુશ્કેલી પડશે. જેને કારણે શિક્ષકોમાં આંતરિક રોષ પણ જોવા મળી રહ્યો છે.
રાજ્યની જુદાં જુદાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તાલીમની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોટી સંખ્યામાં શિક્ષકોને સામેલ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આગામી 28 અને 30 માર્ચ તેમજ તારીખ 1 એપ્રિલના રોજ ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવી છે. જેમાં શિક્ષકોને પણ તાલીમ માટે આવવાની સૂચના આપવામાં આવી છે. આ જ દિવસો દરમિયાન 30મી માર્ચે પ્રોજેક્ટ સ્કૂલમાં ધો.6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય ધો.8ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.
આ ઉપરાંત 31મી માર્ચે ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની ગુજકેટની પરીક્ષા પણ યોજાવાની છે. જેમાં રાજકોટ જિલ્લામાં 9,826 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમ માટે જવાનું છે તે પૈકી અનેક શિક્ષકોને આ પરીક્ષાની કામગીરી પણ કરવી પડે તેમ છે. પરીક્ષાની કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવી છે. તેઓને પરીક્ષાના એક દિવસ પહેલા વ્યવસ્થામાં રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં હવે શિક્ષકોએ બન્ને પૈકી કઇ કામગીરી કરવી તેની દ્વિધા ઉભી થઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા બાદ હાલમાં ઉત્તરવહી ચકાસણીની કામગીરીમાં પણ અનેક શિક્ષકો રોકાયેલા હોવાથી તમામ કામગીરીમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.