હૃતિક રોશનની સુપરહીરો થ્રિલર ફિલ્મ ‘ક્રિશ 4’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ત્રણ ફિલ્મો, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’, સુપરહિટ હતી, જેનું નિર્દેશન અને નિર્માણ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જો રિપોર્ટ્સનું માનીએ તો રાકેશ રોશને આ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે એડવાન્સ સ્ટેજ પર છે.
મિડ-ડેના તાજેતરના અહેવાલ મુજબ, હૃતિક રોશન આ ઉનાળામાં તેના પિતા રાકેશ રોશન સાથે મળીને કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ અને અન્ય સેગમેન્ટ્સ પર કામ કરવાનું શરૂ કરશે. હાલમાં, હૃતિક તેની આગામી સિક્વલ ફિલ્મ ‘વોર 2’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાંની સાથે જ તે ‘ક્રિશ 4’ની તૈયારી શરૂ કરી દેશે.
રિપોર્ટમાં સ્ત્રોતને ટાંકીને વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હૃતિક અને રાકેશ રોશન આ વર્ષે આઈડિયા અને સ્ક્રિપ્ટિંગ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પછી બંને આવતા વર્ષે તેનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ માટે ઘણી અલગ-અલગ સ્ક્રિપ્ટ અને આઈડિયા તૈયાર કરવામાં આવ્યા છે. હવે તેઓએ માત્ર યોગ્ય વાર્તા અને વિચાર પસંદ કરવાનો છે.
‘ક્રિશ’ ભારતની પ્રથમ સુપરહીરો ફ્રેન્ચાઇઝી છે
ક્રિશ ફ્રેન્ચાઈઝીની શરૂઆત 2003ની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’થી થઈ હતી, જેમાં પ્રીટિ ઝિન્ટા, હૃતિક રોશન, રેખાએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. ત્રણ વર્ષ પછી, ફિલ્મની સ્પિન-ઓફ સિક્વન્સ ‘ક્રિશ’ રિલીઝ થઈ. જેમાં ‘ક્રિશ’નો પરિચય થયો હતો. આ ફિલ્મમાં હૃતિકે રોહિત અને કૃષ્ણ (ક્રિશ)નો ડબલ રોલ કર્યો હતો. 7 વર્ષ બાદ 2013માં ક્રિશ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘ક્રિશ 3’ રીલિઝ થઈ હતી. હવે 11 વર્ષ બાદ ‘ક્રિશ-4’ની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.