જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર બોલિંગનો લાભ મળ્યો હતો. તો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 2 સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો કાગીસો રબાડા બીજા સ્થાને છે.
હવે ટોપ-5 ટેસ્ટ ઓલરાઉન્ડરોમાં 3 ભારતીય છે. જ્યારે 2 ટેસ્ટ ન રમી હોવા છતાં ટોપ-10 બેટર્સ સામેલ વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે.
બુમરાહે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા
જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચમાં 15 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં 6 અને બીજી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં પણ તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હવે બુધવારે તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.
બુમરાહને 3 સ્થાનનો ફાયદો થયો છે. તે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, અશ્વિન અને રબાડાને પાછળ છોડીને ટોચ પર પહોંચ્યો હતો. બુમરાહના હાલમાં 881 રેટિંગ પોઈન્ટ છે, જે તેની કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ છે.
ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર પ્રથમ ભારતીય બોલર
બુમરાહ હાલમાં ODI બોલરોમાં છઠ્ઠા અને T20 બોલરોની રેન્કિંગમાં 100મા સ્થાને છે. પરંતુ તે અન્ય બે ફોર્મેટમાં પણ નંબર વન પર યથાવત છે. બુમરાહ પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો છે. આ સાથે, તે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.
30 વર્ષીય બુમરાહે 34 ટેસ્ટમાં 155 વિકેટ લીધી છે. તેના નામે 10 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે 89 વન-ડેમાં 149 વિકેટ લીધી છે. તેના નામે 62 T20 મેચમાં 74 વિકેટ છે.
અશ્વિનને 12 પોઈન્ટનું નુકસાન થયું
બુમરાહ પહેલા ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન નંબર-1 ટેસ્ટ બોલર હતો. તે ગયા વર્ષે માર્ચથી આ નંબર પર હતો, તે 11 મહિના પછી ટોચ પર રહ્યા પછી ત્રીજા નંબરે આવી ગયો છે. અશ્વિન ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો હતો, તેથી તેણે 12 પોઈન્ટ ગુમાવ્યા. તે 841 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
અશ્વિન અને બુમરાહ સિવાય ભારત તરફથી માત્ર રવીન્દ્ર જાડેજા અને બિશન સિંહ બેદી જ ટેસ્ટ બોલર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી શક્યા છે.
યશસ્વીને બેટર રેન્કિંગમાં ફાયદો થયો
ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને યશસ્વી જયસ્વાલે 37 સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે. તે 29માં નંબરે પહોંચી ગયો છે. અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ ન રમી શકનાર વિરાટ કોહલી છઠ્ઠાથી સાતમા સ્થાને પહોંચી ગયો છે. ટોપ-10 બેટર્સમાં સામેલ તે એકમાત્ર ભારતીય છે.
બેટર્સમાં ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન પ્રથમ, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ બીજા અને ઇંગ્લેન્ડનો જો રૂટ ત્રીજા ક્રમે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ એક સ્થાન નીચે 13મા સ્થાને છે. શુભમન ગિલ 14 સ્થાનના ફાયદા સાથે 38માં સ્થાને પહોંચી ગયો છે.
ટોપ-5 ઓલરાઉન્ડર્સમાં 3 ભારતીય
બીજી ટેસ્ટમાં તેની સારી બેટિંગના કારણે ભારતના અક્ષર પટેલે ઓલરાઉન્ડર રેન્કિંગમાં વધારો કર્યો હતો. તે છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેની સાથે ભારતના રવીન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને અને અશ્વિન બીજા સ્થાને છે. આ રીતે, ટોપ-5 ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 3 ભારતીય છે.
ઓલરાઉન્ડરોમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ત્રીજા નંબરે અને ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ચોથા નંબરે છે. જો રૂટ 2 સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે.
ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા બીજા ક્રમે
ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજા સ્થાને છે. WTC ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હજુ પણ ટોચ પર છે. ટીમ ઈન્ડિયા ODI અને T-20માં નંબર વન ટીમ છે. ઓસ્ટ્રેલિયા વનડેમાં બીજા સ્થાને છે અને T20માં ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને છે.