મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચ માર્ક બાઉચરે કહ્યું કે રોહિત શર્મા તેની બેટિંગ પર ધ્યાન આપી શકે છે, તેથી તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. રોહિત છેલ્લી બે સિઝનમાં રન બનાવી શક્યો ન હતો, હવે તે દબાણ વગર બેટિંગ કરી શકશે.
MIએ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ કરીને તેની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારપછી ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓક્શન પહેલા રોહિતને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિકને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
માર્ક બાઉચરે ‘બેન્ટર વિથ ધ બોયઝ’ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે રોહિતને કેપ્ટનશિપથી હટાવવાનો નિર્ણય મેનેજમેન્ટનો હતો. જેથી તે બેટિંગ સાથે ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.
ભારતમાં ચાહકો ખૂબ જ ભાવુક છે
બાઉચરે કહ્યું, ‘ભારતમાં ક્રિકેટ ચાહકો ખૂબ જ ભાવુક છે. રોહિતને સુકાનીપદેથી હટાવવાના નિર્ણયથી તેઓ નારાજ થઈ ગયા હતા. પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તે એક સારો નિર્ણય હતો. મને લાગે છે કે રોહિત હવે એક ખેલાડી અને વ્યક્તિ તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકશે. તે દબાણ વિના બેટિંગનો આનંદ માણશે અને ટીમ માટે રન બનાવી શકશે.
હાર્દિકની કેપ્ટનશિપ શાનદાર
બાઉચરે કહ્યું, ‘અમે હાર્દિકને ટ્રેડિંગ વિન્ડોથી ટીમમાં પાછો સામેલ કર્યો. તે પોતે મુંબઈ ઈન્ડિયન્સનો છોકરો છે. તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો, જ્યાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી અને બીજી સિઝનમાં પણ તેને ફાઈનલમાં લઈ ગયો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેની લીડરશિપ સ્કિલ્સ ઉત્તમ છે.
MI મેનેજમેન્ટે 2023ની ઓક્શન પહેલા હાર્દિકને 15 કરોડ રૂપિયામાં ગુજરાત સાથે ટ્રેડ કર્યો હતો. આ માટે MIએ ગુજરાતને 15 કરોડ રૂપિયા આપ્યા અને અલગથી રકમ પણ આપી. ઓક્શન પહેલા જ મેનેજમેન્ટે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો.
રોહિત એક ખેલાડી તરીકે વધુ સારી રીતે રમશે
બાઉચરે કહ્યું, ‘છેલ્લી બે સિઝનમાં રોહિતનું ફોર્મ સારું રહ્યું નથી. તે બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ તેની કેપ્ટનશિપ શાનદાર હતી. તે વર્ષોથી સુકાની કરી રહ્યો છે, તેણે મુંબઈ અને ભારત માટે શાનદાર કેપ્ટનશિપ કરી છે. મેદાનમાં પ્રવેશતાની સાથે જ તે પોતાના ખેલાડીઓ અને વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મુંબઈ ઈન્ડિયન્સ ગ્રુપ સાથે વાત કર્યા બાદ અમે તેને કેપ્ટનશિપ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. અમને લાગે છે કે તેમનામાં શ્રેષ્ઠતા લાવવાનો આ યોગ્ય માર્ગ છે.
અમને એક ખેલાડી તરીકે રોહિતની જરૂર છે. અમને વિશ્વાસ છે કે તે કેપ્ટનશિપની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કરશે. રોહિત ચોક્કસપણે ભારતની કેપ્ટનશિપ કરશે પરંતુ હવે તે આ દબાણ વગર IPLમાં રમી શકશે. કદાચ આપણે હવે રોહિતની શ્રેષ્ઠતા જોવા મળશે.
રોહિતનું ફોર્મ છેલ્લી 2 સિઝનમાં બગડ્યું હતું
રોહિત છેલ્લી 2 IPL સિઝનમાં માત્ર 20ની એવરેજથી 600 રન બનાવી શક્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ પણ 126.84 હતો. તેની આગેવાનીમાં ટીમે છેલ્લી વખત 2020માં IPL જીતી હતી. ટીમ 2021 અને 2022માં પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી. 2023માં ટીમે ટોપ-4 ટીમમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ ક્વોલિફાયર-2માં ટીમને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.