ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ પરિણામના કારણે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 92 વર્ષથી ચાલી રહેલી ખોટને પૂરી કરી દીધી છે.
ભારતે 1932માં ટેસ્ટ રમવાનું શરૂ કર્યું અને ધર્મશાલામાં રમાયેલી મેચ સુધી ભારતની હાર તેની જીત કરતાં વધુ હતી. હવે જીત અને હારનો હિસાબ સરખો થઈ ગયો છે. હવે ભારતની 178 જીત છે અને 579 ટેસ્ટ મેચમાં એટલી જ હાર છે. 1 ટેસ્ટ ટાઈ રહી છે અને 222 ડ્રો રહી છે.
ચાર ટીમની જીત વધુ અને હાર ઓછી
ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ચાર જ ટીમ એવી છે જેમણે હાર કરતાં વધુ જીત મેળવી છે. જેમાં ઓસ્ટ્રેલિયા (413 જીત, 232 હાર), ઇંગ્લેન્ડ (392 જીત, 324 હાર), દક્ષિણ આફ્રિકા (178 જીત, 161 હાર) અને પાકિસ્તાન (148 જીત, 142 હાર)નો સમાવેશ થાય છે. ભારતે હવે જીત અને હારના આંકડા બરાબર કરી લીધા છે. આ સમયે ભારતીય ટીમ જે રીતે રમી રહી છે તેનાથી આશા છે કે ટૂંક સમયમાં આપણી ટીમ પણ હાર કરતાં વધુ જીત હાંસલ કરશે.
આ સદીમાં ભારતનો ટ્રેન્ડ બદલાયો
ભારતને અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં રક્ષણાત્મક ટીમ કહેવામાં આવતી હતી. એટલે કે, એક ટીમ જેણે હારને કોઈક રીતે ટાળવાનો પ્રયાસ કરતા. આ પ્રયાસમાં, ઘણી ઓછી જીત હતી અને હાર અને ડ્રોની સંખ્યા ઝડપથી વધી હતી. 1932થી 2000 સુધી, ભારતે 336 ટેસ્ટ મેચ રમી. જેમાંથી ભારતે માત્ર 63માં જ જીત મેળવી હતી. 112 મેચ હારી હતી, જ્યારે 1 ટેસ્ટ મેચ ટાઈ થઈ હતી અને 160 ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
આ સદીમાં (1 જાન્યુઆરી, 2001થી) ભારતની રમવાની શૈલી વધુ આક્રમક બની છે. તેની શરૂઆત સૌરભ ગાંગુલીની કેપ્ટનશિપથી થઈ હતી અને બાદમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ તેની જાળવણી કરી હતી. આ સદીમાં ભારતે અત્યાર સુધીમાં 243 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમે 114માં જીત મેળવી હતી અને માત્ર 66માં હારનો સામનો કરવો પડ્યો હતો. 62 ટેસ્ટ ડ્રો થઈ હતી.
આવું વર્ચસ્વ કોઈ હોમ ટેસ્ટમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સફળતામાં ભારતના સ્થાનિક વર્ચસ્વે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભારત છેલ્લે 2012માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગયું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડે ભારત આવીને આપણી ટીમને 2-1થી હરાવ્યું. ત્યારથી ટીમે સતત 17 ટેસ્ટ શ્રેણી જીતી છે. ભારતને ઘરઆંગણે છેલ્લી 51 ટેસ્ટ મેચોમાંથી માત્ર 4માં જ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે 39માં જીત મેળવી છે અને 7 ટેસ્ટ ડ્રો રહી છે.
એકંદરે ઘરઆંગણે ભારતનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. ભારતે તેની ધરતી પર અત્યાર સુધીમાં 289 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમે 117માં જીત અને 55માં હારનો સામનો કરવો પડ્યો છે. 1 ટેસ્ટ ટાઈ રહી હતી અને 115 ડ્રો રહી હતી.
વિદેશમાં પણ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધારો થયો
છેલ્લી સદીમાં (1932 થી 2000 સુધી) ભારતના એકંદર નબળા રેકોર્ડ પાછળ વિદેશી ધરતી પર ભારતનું ખરાબ પ્રદર્શન મુખ્ય કારણ હતું. 1993 થી 2000 સુધી, ભારતે વિદેશમાં 157 ટેસ્ટ રમી. જેમાંથી ટીમ માત્ર 14માં જ જીતી હતી. 70માં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 73 ડ્રો રહ્યા હતા.
1 જાન્યુઆરી, 2001થી અત્યાર સુધીમાં ભારતે વિદેશમાં 131 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 46માં જીત અને 51માં હાર થઈ હતી. 34 ટેસ્ટ ડ્રો થઈ હતી. 2015ની શરૂઆતથી આ રેકોર્ડ વધુ સારો બન્યો છે. આ 9 વર્ષમાં ભારતે વિદેશમાં 46 ટેસ્ટ મેચમાંથી 22 જીતી અને 16માં હારનો સામનો કરવો પડ્યો. તો 8 ટેસ્ટ ડ્રો થઈ હતી.
વિરાટ સૌથી સફળ કેપ્ટન
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે. વિરાટની આગેવાનીમાં ભારતે 68માંથી 40 ટેસ્ટ જીતી હતી. 17માં પરાજય થયો હતો અને 11 ટેસ્ટ ડ્રો રહી હતી. આ પછી મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલીનો નંબર આવે છે. 16 ટેસ્ટમાં 10 જીત સાથે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો પાંચમો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે.