મિયામીથી ચિલી જતી ફ્લાઈટના પાઈલટનું બાથરૂમમાં મોત થયું હતું. જેના કારણે રવિવારે રાત્રે ફ્લાઈટને પનામામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 271 મુસાફરો સવાર હતા. ન્યૂઝ વેબસાઈટ ‘ધ સન’ના રિપોર્ટ અનુસાર, પાઈલટનું નામ કેપ્ટન ઈવાન એન્ડોર છે, જે 56 વર્ષના હતા.
એન્ડોર LATAM એરલાઇનનું વિમાન ઉડાવી રહ્યા હતા, તે જ સમયે તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. તે બાથરૂમમાં પડી ગયા. રિપોર્ટ અનુસાર ફ્લાઈટમાં હાજર એક નર્સ અને બે ડોક્ટર પેસેન્જર્સે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ફ્લાઈટના બે કો-પાઈલટે પનામામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુ લેન્ડિંગ પહેલા થયું હતું
LATAM એરલાઇન ગ્રૂપે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મિયામીથી સેન્ટિયાગો જઈ રહેલી ફ્લાઈટ LA505ને સ્વાસ્થ્ય કટોકટીના કારણે પનામા સિટીના ટોક્યુમેન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે ઈમરજન્સી સર્વિસે તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પાઈલટનું મોત થઈ ગયું હતું.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જે બન્યું તેનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. એરલાઈને પાઈલટના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કહ્યું- અમે તેમની 25 વર્ષની કારકિર્દી અને મહત્વપૂર્ણ યોગદાન માટે આભારી છીએ જે તેમણે ખંતપૂર્વક અને વ્યવસાયિક રીતે કર્યું. ફ્લાઇટ દરમિયાન, પાઇલટને બચાવવા માટે તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.