મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 1,66,371 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી સાવચેતીના ભાગરૂપે ડેમના 10 દરવાજા બપોરે ખોલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. આથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યે નર્મદા ડેમની સપાટી 135.42 મીટર નોંધાઈ છે.
સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટરનું છેટું
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે કે સંપૂર્ણ ડેમ ભરવામાં 3.26 મીટરનું છેટું છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તો પણ નવાઈ નહીં. બીજી તરફ ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા 10 મીટર ખોલવામાં આવ્યા છે. તેમજ પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતા નર્મદા ડેમમાં આવક વધી રહી છે.
ગુજરાતમાં આથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે. કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે
હવામાન વિભાગ મુજબ આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ આગાહી
બીજી તરફ દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.