હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ સર્જાઈ રહી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ પડતી છે. આવનાર સમયમાં સૌરાષ્ટ્ર પર પણ વરસાદની મેઘ મહેર વરસી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની જો વાત કરીએ તો તેમાં છોટા ઉદેપુર યાદીમાં અગ્રેસર રહેશે. તેની સાથે જ અન્ય જિલ્લાઓ જેમ કે, ભરુચ, વડોદરા, પંચમહાલ, વલસાડ, દમણ-દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રુરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની સંભાવનાઓ છે.
કલેક્ટરે નાગરિકોને બહાર ન નીકળવા અપીલ કરી
હાલ સુરતની મિંઢોળા નદીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે અને તેના કારણે આસપાસના તમામ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. વ્યારા હાઈ-વેનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરનું બોડેલી પણ જળમગ્ન થઈ ચૂક્યું છે. અહીં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના 39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા
કલેક્ટર દ્વારા જણાવાયું છે કે, ભારતીય વેધશાળા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે. તેથી આ નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઉતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.
ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખવી
ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઉટીયા મેઢાદના ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખે એ હિતાવહ છે.
કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ
હવામાન ખાતાની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોડી રાતથી જિલ્લાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકા પંથકમાં કેટલાંક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે કરજણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા મેથી, સામરી, શામળ, કંથારીયા, રાનપુર, કોઠાવ, ગણપતપુરા અને ધનોરા ગામ સહિતના ગામોમાં પાણી ધસી આવ્યા હતા.
પાણી ઘૂસી આવતા લોકો ચોંક્યા
મેથી, સામરી, શામળ, કંથારીયા, રાનપુર, કોઠાવ, ગણપતપુરા અને ધનોરા ગામ સહિતના ગામોમાં પાણી ધસી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જેમાં મેથી ગામની નવીનગરીના 25 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સામાનને ભારે નુકશાન પહોંચ્યું હતું. નવી નગરી બેટમાં ફેરવાઇ ગયું હતું. નાના બાળકોએ ઘર પાસે ભરાયેલા પાણીમાંજ નાહી લીધું હતું. નવી નગરીના લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા હતા.
અનેક ગામોનો સંપર્ક તૂટ્યો
તો બીજી બાજુ સામરી ગામમાં આવવાના માર્ગ ઉપર પાણી ભરાઇ જતાં પાડોશી ગામો શામળ અને કંથારીયા ગામથી સંપર્ક વિહોણું થઇ ગયું હતું. ઉપરાંત મેથી અને કોઠાવ વચ્ચેના માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા સવારે નોકરી-ધંધાર્થે જનારા લોકો અટવાઇ પડ્યા હતા. તેજ રીતે સીમડી અને રાનપુર ગામની વચ્ચેના રસ્તા ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. ગણપતપુરાના રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં ગણપતપુરા અને ધનોરા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.