ભારતની દિગ્ગજ ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)એ Q1FY24માં રૂ. 13,750 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે.
સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 13,750 કરોડનો નફો નોંધાવ્યો છે. જે અગાઉના ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ કરતાં 36.7% વધુ છે. અગાઉના ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 10,058.7 કરોડ હતો. જ્યારે કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં એટલે કે Q1FY23 માં રૂ. 1,992 કરોડની ખોટ કરી હતી.
જોકે, કંપનીની આવક પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ રૂ. 2.26 લાખ કરોડથી 2.4% ઘટીને રૂ. 2.21 લાખ કરોડ થઈ છે. કંપનીનો કુલ ખર્ચ 20% ઘટીને રૂ. 2.03 લાખ કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 2.55 લાખ કરોડ હતો. EBITDA રૂ. 15,340.42 કરોડથી 44.5% વધીને રૂ. 22,163 કરોડ થયો છે.
2.11 લાખ કરોડની આવક પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી થઈ
પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આવક રૂ. 2.11 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 2.42 લાખ કરોડની સરખામણીએ 13 ટકા ઘટી છે. પેટ્રોકેમિકલ સેગમેન્ટની આવકમાં પણ થોડો ઘટાડો થયો છે. તે રૂ. 6,728 કરોડ રહી છે. અન્ય બિઝનેસમાંથી આવક રૂ. 7,839 કરોડ રહી હતી. IOCનો શેર 3.50% ઘટીને રૂ. 95.45 પર બંધ થયો હતો.