News Updates
RAJKOT

નવા મેયરના પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષનું વોકઆઉટ:ભાજપનાં કોર્પોરેટરોએ જ દબાણ હટાવની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા, પ્રશ્નો પૂછવા ન દેતા હોવાનો આક્ષેપ કરી વિપક્ષે હોબાળો કર્યો

Spread the love

રાજકોટ મનપા કચેરીએ આજે નવનિયુક્ત મેયર નયના પેઢડીયાની અધ્યક્ષતામાં સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ખુદ શાસક પક્ષ ભાજપનાં કોર્પોરેટરો દ્વારા દબાણ હટાવ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. દબાણ હટાવ શાખાના અધિકારીઓ ચેકિંગ કરવા પહોંચે તે પૂર્વે દબાણકર્તાઓ ત્યાંથી હટી જતાં હોવાનો ગંભીર આરોપ પણ લગાવાયો હતો. બીજીતરફ પ્રશ્નો પૂછવા ન દેવાતા હોવાનો આક્ષેપ લગાવી વિપક્ષનાં કોર્પોરેટર ભાનુ સોરાણીએ ભારે હોબાળો કર્યા બાદ વોકઆઉટ કર્યું હતું.

હોકર્સ ઝોનને બદલે ફેરિયાઓ બહાર વેપાર કરતા હોય છે
વોર્ડ નંબર 10નાં નગરસેવક જ્યોત્સના ટીલાળાએ આ અંગેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં દબાણ હટાવ વિભાગ પહોંચે તે પહેલાં દબાણકર્તાઓને જાણ થઈ જતી હોવાથી તેઓ ત્યાંથી પલાયન થઈ જતા હોવાનું જણાવ્યું હતું. તેમજ હોકર્સ ઝોન બહાર ઉભા રહેતા ધંધાર્થીઓ પાસે જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ ઉઘરાણા કરતો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. શહેરના ગુંદાવાડીમાં દુકાનધારકો રસ્તા સુધી દબાણ કરીને ધંધો કરતા હોય છે. આ સાથે પુષ્કરધામ રોડ પર હોકર્સ ઝોન હોવા છતાં હોકર્સ ઝોનને બદલે ફેરિયાઓ બહાર વેપાર કરતા હોય છે અને હોકર્સ ઝોન ખાલીખમ જોવા મળતો હોવાનું પણ જણાવ્યું હતું.

મહિલાઓ માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવશે
બીજીતરફ જનરલ બોર્ડની આ બેઠકમાં શાસક પક્ષના એક બાદ એક પ્રશ્નો આવતા શાસક તેમજ વિપક્ષ વચ્ચે પ્રશ્ન પૂછવા બાબતે બઘડાટી બોલી હતી. કોંગ્રેસનાં કોર્પોરેટર ભાનુ સોરાણીએ રોગચાળા સહિતના પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં તેમના પ્રશ્નનો જવાબ લેખિતમાં અપાશે તેવું જણાવવામાં આવતા વોકઆઉટ કર્યું હતું. બોર્ડમાં ધારાસભ્ય ડો.દર્શીતા શાહે વન ડે વન વોર્ડની કામગીરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તો આ જનરલ બોર્ડમાં મહિલાઓ માટે ખાસ હોકર્સ ઝોન બનાવવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ફક્ત મહિલાઓ વેપાર ધંધો કરી શકશે.

ભાજપનાં કોર્પોરેટરોએ આડકતરું સમર્થન આપ્યું
​​​​​​​
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટ્રાફિક સમસ્યા પાછળના કારણોમાં એક મોટું કારણ રોડ પરના દબાણો છે. જેને કોઇને કોઇ રીતે મહાનગરપાલિકાની ભ્રષ્ટ ઓથ મળતી હોવાના અવારનવાર ઉઠતા આક્ષેપોને આજે મનપાની જનરલ બોર્ડની ભરી સભામાં ભાજપનાં કોર્પોરેટરોએ આડકતરું સમર્થન આપ્યું હતું. વિપક્ષના માત્ર બે કોર્પોરેટરો ધરાવતા જનરલ બોર્ડમાં પ્રથમ વખત લોકોને નડતરરૂપ દબાણ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ ચર્ચા બાદ આગામી દિવસોમાં શહેરમાંથી દબાણો દૂર થશે કે હપ્તારાજ ચાલુ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.


Spread the love

Related posts

ભીષણ ગરમીને લઈ એલર્ટ:રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર, બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ

Team News Updates

નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય

Team News Updates

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Team News Updates