તાજેતરમાં મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા શહેરનાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરાવાળાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લીધેલ મીઠી ચટણીનાં નમૂનાઓને લેબોરેટરીમાં મોકલતા તેમાં કેન્સરને નોતરતા સિન્થેટીક ફૂડ કલરની ભેળસેળ સામે આવી છે. જેને લઈને હાલ ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા 37 વેપારીઓનું ચેકીંગ કરી 20 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. અને વધુ ત્રણ ડેરીમાંથી દુધના નમુના લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસો પહેલા ફૂડ વિભાગ દ્વારા હાથીખાના-13માં રામનાથ કૃપા મકાનમાં આવેલ જાણીતા ઇશ્ર્વરભાઇ ઘુઘરાવાળાના પ્રોડકશન યુનિટ ખાતેથી પ્રિપેર્ડ મીઠી ચટણીનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલ્યો હતો. તેનો રીપોર્ટ આવતા સિન્થેટીક ફૂડ કલર ટાર્ટ્રાઝીન તેમજ સનસેટ યલો કલરની ભેળસેળ ખુલી હતી. દુકાનદાર દ્વારા ચટણીમાં આ કલર સ્વાદ માટે ભેળવવામાં આવતો હતો. જેનાથી લોકોને આંતરડામાં ચાંદા સહિત કેન્સર જેવા રોગો થવાની શક્યતા રહેલી છે. આ નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજયુડિકેશન કાર્યવાહી માટે કલેકટર કચેરીમાં કેસ મૂકવામાં આવશે.
દરમિયાન આજે ફૂડ વિભાગની ટીમો શહેરના રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે -માંડા ડુંગર, વિમલનગર ચોક, એ.જી. ચોક- હોકર્સ ઝોન વિસ્તારમાં ત્રાટકી હતી. અને 37 ધંધાર્થીઓને ત્યાં 30 નમુનાનું પરીક્ષણ કરી કુલ 20ને લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી હતી. જેમાં (1) ધ્રુવ ફાસ્ટ ફૂડ (2)બાલાજી ચાઇનીઝ પંજાબી (3)માં ચામુંડા ફરસાણ (4)રોનક પાઉંભાજી (5)બાલાજી વડાપાઉં (6)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (7)મહાદેવ સ્પ્રિંગ પોટેટો (8)ગોકુલ ગાંઠિયા (9)શુભમ ડેરી (10)જય ભગીરથ ઘૂઘરા (11)મોગલ ગાંઠિયા (12)બાપા સીતારામ હોટલ (13)રુચિત ફેન્સી ઢોસા (14)સતનામ ફાસ્ટફૂડ (15)બાલાજી છોલે ભટુરે (16)જય બાલાજી કચ્છી દાબેલી (17)મોહિત ચાઇનીઝ પંજાબી (18)મહાદેવ ગુજરાતી થાળી (19)ઉસ્તાદ લાઈવ ચાઇનીઝ પંજાબી (20)ક્રિષ્ના દાળપકવાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પણ અન્ય 17 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. સાથે જ મનપાની ફૂડ શાખા દ્વારા આજે દૂધના વધુ ત્રણ નમુના લેવામાં આવ્યા હતા. જેમાં કોઠારીયા મેઇન રોડના ફાયર બ્રિગેડ બાજુમાં આવેલી ન્યુ કનૈયા ડેરી ફાર્મ, નંદા હોલ સામે જય કિસાન ડેરી ફાર્મ અને નાના મવા લક્ષ્મીનગર મેઇન રોડ પર ત્રિશુલ ચોકમાં આવેલ ન્યુ કૈલાસ ડેરી ફાર્મમાંથી મિકસ દુધના નમુના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ પ્રકારની ભેળસેળ હોવાનું સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.