News Updates
INTERNATIONAL

ઇઝરાયલે ગાઝાને ચારેય બાજુથી ઘેરી લીધુ:હમાસના 150 આતંકીઓ માર્યા ગયા; અમેરિકી ડ્રોન ટનલ પાસે બંધકોને શોધી રહ્યા છે

Spread the love

ઇઝરાયલ-હમાસ યુદ્ધના 28માં દિવસે ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેણે ગાઝા શહેરને ચારેય બાજુથી ઘેરી લીધું છે અને હવે તે હમાસના આતંકીઓ સાથે સીધી લડાઈ કરી રહ્યું છે. IDFના પ્રવક્તાએ કહ્યું- અમારા સૈનિકો હમાસના કમાન્ડ સેન્ટર, લોન્ચિંગ પોઝિશન, ટનલ અને અન્ય ટાર્ગેટ પર હથિયારો અને એરક્રાફ્ટથી હુમલો કરી રહ્યા છે.

IDFએ કહ્યું- અમે હમાસને ખતમ કરવાની તૈયારીમાં છીએ. આ સમયે યુદ્ધવિરામ પર વિચારણા પણ કરવામાં આવી રહી નથી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગુરુવારે ઇઝરાયલની સેનાએ હમાસના લગભગ 150 આતંકીઓને મારી નાખ્યા. હમાસ સાથેની લડાઈમાં લગભગ 23 IDF સૈનિકોએ જીવ ગુમાવ્યો.

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું- અમે ગાઝા શહેરમાં પ્રવેશી ચૂક્યા છીએ. હવે અમને કોઈ રોકી શકશે નહીં. યુદ્ધમાં પેલેસ્ટિનિયનો મૃત્યુ ન પામે તે માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ હમાસના આતંકીઓ તેમની વચ્ચે ઘૂસી ગયા છે. તેમના ઘરની નીચે ટનલ બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં કેટલીક જગ્યાએ પેલેસ્ટાઈનની હાજરી હોવા છતાં હુમલા કરવા જરૂરી બની ગયા છે.

હમાસે કહ્યું- કાળી બેગમાં ઇઝરાયલી સૈનિકોના શબ મોકલાશે આ દરમિયાન, હમાસની સૈન્ય પાંખ અલ-કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબેદાએ કહ્યું છે કે ગાઝા પર હુમલો કરનારા ઇઝરાયલી સૈનિકોને મારીને કાળી બેગમાં પાછા મોકલવામાં આવશે. ગાઝા ઇઝરાયલના ઈતિહાસનો અભિશાપ બની જશે.

બીજી તરફ, લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને કહ્યું કે તેઓએ ગુરુવારે 19 ઇઝરાયલની જગ્યાઓ પર હુમલો કર્યો. જવાબમાં, ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓએ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર વડે હમાસના સ્થાનો પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ આજે પ્રથમ વખત યુદ્ધ પર વાત કરશે.

અમેરિકન ડ્રોન ગાઝામાં બંધકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, અમેરિકન ડ્રોન બંધકોને શોધવા ગાઝા શહેર ઉપર ઉડી રહ્યા છે. બીજી બાજુ, ગુરુવારે, ઇઝરાયલના સંરક્ષણ દળોએ કહ્યું હતું કે તે ગાઝાની હોસ્પિટલો સુધી ફ્યૂલ પહોંચવા દેશે. પરંતુ બાદમાં પીએમ નેતન્યાહૂની ઓફિસે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે હાલમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ખરેખરમાં, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હેર્જી હલેવીએ કહ્યું હતું – અમે ગાઝાની હોસ્પિટલોને ફ્યૂલ ઉપલબ્ધ કરીશું. ગાઝાની સ્થિતિની દરરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે. એક અઠવાડિયાથી તેઓ કહી રહ્યા છે કે ગાઝાની હોસ્પિટલોમાં ફ્યૂલ નથી. ફ્યૂલ મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે હમાસ તેના નાપાક ઇરાદાઓને પૂર્ણ કરવા માટે આ ફ્યૂલનો ઉપયોગ કરી શકે નહીં.

ઇઝરાયલે ગાઝામાં બીજા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો
ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ઇઝરાયલના નાગરિકોએ ગુરુવારે વેસ્ટ બેંકના દીર શર્ફમાં રહેતા પેલેસ્ટિનિયનોના ઘર, કાર અને દુકાનોને સળગાવી દીધી હતી. તેમજ ઘરો પર પથ્થરમારો કર્યો હતો. ઇઝરાયલે ગુરુવારે ગાઝાના બીજા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- બુરેઝ રેફ્યુજી કેમ્પમાં 15 લોકોના મોત થયા છે. અહીં 46 હજાર પેલેસ્ટિનિયન શરણાર્થીઓ રહે છે. આ પહેલા 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ઇઝરાયલે ગાઝાના સૌથી મોટા જબાલિયા રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો.

વેસ્ટ બેંકમાં 1200થી વધુ પેલેસ્ટાઈનની ધરપકડ કરવામાં આવી છે
યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે. ઇઝરાયલની સેના પણ વેસ્ટ બેંકમાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં અહીં 1,220 પેલેસ્ટિનિયનની ધરપકડ કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે આમાંથી 740 હમાસ આતંકીઓ છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે વેસ્ટ બેંકમાં હમાસના આતંકીઓ પણ હાજર છે. અહીં સેના અને પેલેસ્ટિનિયનો વચ્ચે અથડામણ પણ થઈ રહી છે. યુદ્ધની શરૂઆતથી, વેસ્ટ બેંકમાં રહેતા 128 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. 1,900થી વધુ લોકો ઘાયલ થયા છે.

હમાસના આતંકીએ કહ્યું- બાળકોની ચીસો બંધ ન થાય ત્યાં સુધી ફાયરિંગ કર્યું
ઇઝરાયલની સેનાએ હમાસના એક ફાઈટરની ધરપકડનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે કબૂલાત કરી છે કે તેણે એક ઘરમાં બાળકોની હત્યા કરી છે. તે કહે છે- અમે એક ઘરમાં ઘુસ્યા. એક રૂમમાંથી બાળકો બુમો પાડી રહ્યા હતા. જ્યાં સુધી બાળકોએ બુમો પાડવાનું બંધ ન કર્યું ત્યાં સુધી મેં તે રૂમમાં ગોળીબાર કર્યો. તેણે કહ્યું- મારા માતા-પિતાને ખબર નથી કે હું હમાસમાં જોડાયો છું, તેઓ મને ક્યારેય માફ નહીં કરે.

હમાસ પાસે ઇઝરાયલના સૈન્ય અધિકારીઓના સરનામા છે
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ હમાસના આતંકીઓ પાસે ઇઝરાયલના સૈન્ય અધિકારીઓના સરનામા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મળેલા દસ્તાવેજો પરથી આ વાત સામે આવી છે. ચેનલ 13 અનુસાર, આતંકીઓ આ સરનામે એક અધિકારીના ઘરે પણ પહોંચ્યા હતા, પરંતુ સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

ઇઝરાયલે પેલેસ્ટાઈનની સારવાર માટે અન્ય દેશો પાસેથી મદદ માંગી હતી
જર્મનીમાં ઇઝરાયલના રાજદૂતે ઘાયલ પેલેસ્ટિનિયનોની સારવાર માટે અન્ય દેશો પાસે મદદ માંગી છે. તેમણે અપીલ કરી છે કે અન્ય દેશોએ જલ્દીથી ઇજિપ્તમાં હોસ્પિટલના જહાજો મોકલવા જોઈએ. રાફા બોર્ડરથી મોટી સંખ્યામાં ઘાયલ પેલેસ્ટાઈન અહીં પહોંચી રહ્યા છે.

ગાઝાની એકમાત્ર કેન્સર હોસ્પિટલ બંધ છે
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગાઝાની એકમાત્ર કેન્સર હોસ્પિટલ ફ્યૂલના અભાવે બંધ થઈ ગઈ છે. અહીં 70 દર્દીઓના જીવ જોખમમાં છે. જો કે, તુર્કીએ આ દર્દીઓની સારવારની જવાબદારી ઉપાડી છે. ગાઝામાં 35 હોસ્પિટલો છે. ફ્યૂલના અભાવે 16 હોસ્પિટલો બંધ કરવામાં આવી છે.

ઇઝરાયલની સેનાએ કહ્યું- ટનલ બની જશે આતંકવાદીઓની કબર
ઇઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝામાં હમાસની ટનલ તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ગાઝાના જે વિસ્તારોમાં ઇઝરાયેલના કબજા હેઠળ છે ત્યાં હાલમાં ટનલ તોડી પાડવામાં આવી રહી છે. ઇઝરાયેલના એન્જિનિયરો તેને તોડવા માટે વિસ્ફોટકો અને રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે.

IDFના સધર્ન કમાન્ડના વડાએ કહ્યું- શક્ય છે કે શરૂઆતમાં હમાસ આ સુરંગોથી અમારા પર હુમલો કરે. અમે ટનલનો પ્રવેશ બંધ કરીશું. હમાસના કમાન્ડરોને અંદર ગૂંગળાવીને મારી નાખવામાં આવશે. આ સુરંગો હવે આતંકવાદીઓની કબર બની જશે.

ભારતીય મૂળના સૈનિકનું મોત
હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ઇઝરાયલની સેના ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. આ દરમિયાન, બુધવારે હમાસના આતંકીઓ સાથે લડતી વખતે ભારતીય મૂળના ઇઝરાયલના સૈનિકનું મૃત્યુ થયું હતું. માર્યા ગયેલા સૈનિકનું નામ સ્ટાફ સાર્જન્ટ હલેલ સોલોમન હતું.

હલેલ ઇઝરાયલના ડિમોના વિસ્તારનો હતો. આ જગ્યાએ ભારતીય મૂળના ઘણા લોકો રહે છે, તેથી તેને લિટલ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. ડિમોનાના મેયર બેની બિટ્ટને ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં હલેલના મૃત્યુની જાહેરાત કરી હતી.

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે કેમ છે વિવાદ?
મધ્ય પૂર્વના આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઇઝરાયલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી.

ગાઝા પટ્ટી ઇઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. આ ઇઝરાયલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં, ઇઝરાયલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઇઝરાયલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યાં હતાં. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ.


Spread the love

Related posts

VIRUS:ચીનની લેબમાં કોરોના બાદ તૈયાર થયો બીજો ઘાતક વાયરસ,નામ અને કઈ રીતે થયો તૈયાર,જાણો

Team News Updates

17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના

Team News Updates

અમેરિકાએ પાકિસ્તાનમાં પોતાના નાગરિકોને કર્યા એલર્ટ, જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો કારણ

Team News Updates