જાપાનની અર્થવ્યવસ્થા સતત બે ક્વાર્ટરથી મંદીમાં સપડાઈ છે. આ કારણે તેની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા સ્થાનેથી ખસકીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જર્મની હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે.
જાપાન હાલમાં નબળા ચલણ, વધતી ઉંમર અને ઘટતી વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. અગાઉ 2010માં ચીનની અર્થવ્યવસ્થાના વિકાસને કારણે જાપાન બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયું હતું. અમેરિકાની અર્થવ્યવસ્થા વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
જાપાનની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં 0.4% વધુ સંકોચાઈ
જાપાનની કેબિનેટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશની જીડીપી એક વર્ષ અગાઉની સરખામણીમાં 2023ના છેલ્લા ત્રણ મહિનામાં અપેક્ષા કરતાં 0.4% વધુ સંકોચાઈ છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર 3.3% ઘટ્યું હતું.
બે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રનું સંકોચન એટલે મંદી
જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થા સતત બે ત્રિમાસિક ગાળા માટે સંકોચાય છે, તો તેને તકનીકી રીતે મંદી ગણવામાં આવે છે. ઓક્ટોબરમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આગાહી કરી હતી કે જર્મની વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
જાપાનની અર્થવ્યવસ્થા લગભગ 4.2 ટ્રિલિયન ડોલર છે
અર્થશાસ્ત્રી નીલ ન્યુમેનના જણાવ્યા અનુસાર, નવા આંકડા દર્શાવે છે કે 2023માં જાપાનનું અર્થતંત્ર $4.2 ટ્રિલિયનની આસપાસ રહેશે, જ્યારે જર્મનીની અર્થવ્યવસ્થા $4.5 ટ્રિલિયન હશે.
જાપાનમાં મંદીના કારણો
- ડોલર સામે જાપાનના ચલણ યેનમાં સતત નબળાઈ.
- નબળા યેનને કારણે નિકાસ નફામાં ઘટાડો.
- જાપાન પણ મજૂરોની અછત અને ઘટતા જન્મદર સાથે સંઘર્ષ કરી રહ્યું છે.
યેનની નબળાઈથી કેટલીક મોટી કંપનીઓને ફાયદો થાય છે
જો કે, યેનની નબળાઈએ જાપાનની કેટલીક મોટી કંપનીઓના શેરના ભાવને વધારવામાં મદદ કરી છે કારણ કે તે વિદેશી બજારોમાં દેશની નિકાસને સસ્તી બનાવે છે. સ્ટોક એક્સચેન્જ નિક્કીએ પણ 1990 બાદ 38,000નો આંકડો પાર કર્યો છે.