ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ દેખા દીધી છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં બે કોરોનાના કેસ સામે આવ્યાં હતાં. જે બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓ કોવિડના અને અન્ય બે દર્દીઓ સ્વાઈન ફ્લૂના સારવાર લઈ રહ્યા છે. કોવિડના ત્રણ કેસ સામે આવતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. હાલમાં કોઈ પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી અને સારવાર ચાલી રહી છે. હાલમાં કોરોનાના ત્રણેય દર્દી સારવાર હેઠળ છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે કોવિડના કેસો અંગે અવારનવાર ટેસ્ટિંગ થતું હોય છે અને રૂટિન સામાન્ય કેસ આવતા હોય છે. પરંતુ હાલમાં સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ કેસ એકસાથે આવતા તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં 3 કેસ કોવિડ અને બે કેસ H1N1ના એટલે કે સ્વાઈન ફ્લૂના નોંધાયા છે. હાલમાં તમામ દર્દીઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓમાં સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાયા છે. જેમાં એક કેસ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધા છે. સાથે દોડકા ગામના 71 વર્ષીય વૃદ્ધાને આ વાઇરસની અસર થઈ છે. આ સાથે અન્ય ત્રણ દર્દીઓ કોવિડના નોંધાયા છે. જેમાં એક 41 વર્ષીય શહેરના છાણી જકાત નકાનો યુવક છે. સાથે શહેરના નવાયાર્ડ અને આજવા રોડના વૃદ્ધ કોવિડનો ભોગ બન્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં તમામ દર્દીઓ સારવાર હેઠળ છે અને સામાન્ય સ્થિતિમાં છે.
આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 24 કલાકમાં ત્રણ કેસ આવ્યા છે અને તમામ સારવાર હેઠળ છે. આમાં કોઈ ચિંતાનો વિષય નથી, હાલમાં સારવાર ચાલી રહી છે.