ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફૂટબોલમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 5 સપ્ટેમ્બરે પોર્ટુગલ vs ક્રોએશિયા વચ્ચેની નેશન્સ લીગ મેચમાં ગોલ કર્યો હતો. આ સાથે તેણે પોતાની કારકિર્દીમાં 900 ગોલ પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ફૂટબોલર છે.
નેશન લીગ શરૂ થઈ ગઈ છે. 5 સપ્ટેમ્બરની મોડી રાત્રે પોર્ટુગલ અને ક્રોએશિયા વચ્ચે મેચ હતી. આ મેચમાં પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવ્યું હતું. પોર્ટુગલની આ જીતમાં કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું મહત્વનું યોગદાન હતું. તેની ટીમ પહેલાથી જ 1-0થી આગળ હતી, જ્યારે 34મી મિનિટે તેણે બીજો ગોલ કરીને લીડ મજબૂત કરી. રોનાલ્ડોએ આ એક ગોલ સાથે ફૂટબોલના ઈતિહાસમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ક્લબ અને તેના દેશ માટે રમતા, રોનાલ્ડોએ તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
900 ગોલ કરવાની સિદ્ધિ હાંસલ કરનાર રોનાલ્ડોએ આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેની ફૂટબોલ સફરની એક નાની ક્લિપ શેર કરી છે. આ વીડિયો શેર કરતા રોનાલ્ડોએ તમામ ફેન્સનો આભાર માન્યો છે. તેણે એમ પણ કહ્યું કે તેણે આ સપનું ઘણા સમયથી જોયું હતું, જે પૂરું થયું છે. હજુ કેટલાક સપના પૂરા કરવાના બાકી છે. એસોસિએટેડ પ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તે આ નંબર સુધી પહોંચી જશે. આ માઈલસ્ટોન એકદમ ઈમોશનલ છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ફૂટબોલમાં લાંબા સમયથી એકબીજાના હરીફ રહ્યા છે. ગોલ કરવામાં બંને ખેલાડીઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. જો કે આ મામલે 39 વર્ષીય રોનાલ્ડો મેસ્સી કરતા આગળ છે. ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તેના નામે છે. તે આંતરરાષ્ટ્રીય અને ક્લબ કારકિર્દીમાં 900 ગોલ સાથે ટોચ પર છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તે 131 ગોલ સાથે ટોચ પર છે.
રોનાલ્ડોની કારકિર્દી 2002માં શરૂ થઈ હતી. ત્યારથી, તેણે રિયલ મેડ્રિડ માટે 458 ગોલ, માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 145 ગોલ, જુવેન્ટસ માટે 101 ગોલ અને એએસ નાસાર માટે 68 ગોલ કર્યા છે. તેણે સ્પોર્ટિંગ લિસ્બન માટે 5 ગોલ કર્યા છે, જ્યાં તેની કારકિર્દી શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે લિયોનેલ મેસ્સી 859 ગોલ સાથે સૌથી વધુ ગોલ કરનાર વિશ્વનો બીજો ફૂટબોલર છે.