અમદાવાદમાં પ્રોપર્ટી લે વેચમાં અનેક વખત છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે શહેરમાં મકાનના માલિકે પોતાનું મકાન વેચવાનું કહીને ત્રણ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદીને મકાન માલિકે પોતાનું મકાન વેચવાનું છે કહીને પાંચ લાખ બાનાખત માટે લીધા હતા. ત્યાર બાદ ફરિયાદીએ બેંકમાં લોન પ્રોસિજર કરતાં ખબર પડી કે આ મકાનનો બાનાખત એક મહિલાને કરી આપ્યો હતો. ત્યાર બાદ આ મકાનમાં માલિકે તેનુ મકાન અન્ય મહિલાને વેચાણ કર્યું હોવાનું ખુલ્યુ હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં સોના ચાંદીનું ટ્રેડિંગ કરતાં પંકજભાઈ શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિજય દેશવાલ તથા તેમની પત્ની નીકિતા દેશવાલને હું છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખુ છું. તેમણે મને 2022માં પોતાનું મકાન વેચવાનું છે એમ જણાવ્યું હતું. આ મકાન જોતા ફરિયાદી પંકજભાઈને ગમી ગયું હતું. તેમણે આ મકાન 45 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું અને તેમની પત્ની વિણાબેનના નામે રજિસ્ટર બાનાખાત કરવામાં આવ્યો હતો. જે પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. મકાન માલિકે આ મકાન પર બેંકની લોન લીધી હોવાથી તે લોન ચાલુ હતી. જેથી મકાન માલિકે લોનના હપ્તા ભરવા ફરિયાદી પાસે પૈસા માગ્યા હતા.
ફરિયાદીએ તેમને કહ્યું હતું કે, હું લોનના હપ્તા ભરીશ પણ તમારે એ મને મકાનની કિંમતમાં મજરે આપવા પડશે. ફરિયાદીએ 4.80 લાખ રૂપિયા હપ્તા પેટે ભર્યા હતા. ત્યાર બાદ ફરિયાદીએ મકાનમાં 3.70 લાખ રૂપિયા ખર્ચીને રિનોવેશનનું કામ કરાવ્યું હતું. ત્યાર બાદ મકાન માલિક તે ઘરમાં થોડા સમય માટે રહેવા ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીને પણ લોન કરવાની હોવાથી તેમણે બેંકમા લોન માટે પ્રોસિજર કરતાં આ મકાન કિંજલ આહુજાને વેચાણ આપી તેનું બાનાખત કરાવ્યું હોવાની જાણકારી મળી હતી. આ અંગે ફરિયાદીએ મકાન માલિકને વાત કરતાં મકાન માલિકે કહ્યું હતું કે, તમે મને 10 લાખ રૂપિયા આપો હું કિંજલબેનનો બાનાખત રદ કરાવી દઉં છું. ત્યાર બાદ ફરિયાદીએ તેમને 10 લાખ રૂપિયા આપ્યા હતા.
આમ મકાનનો કબજો આપવામાં પણ મકાન માલિક ગલ્લાતલ્લા કરતા હતા. તે ઉપરાંત આપેલા પૈસા પણ પાછા નહોતા આપતા. ત્યારે તેમને ફરીવાર જાણવા મળ્યું હતું કે, મકાન માલિકે વંદના બેન સંઘવીને મકાન વેચાણથી આપ્યું છે. આમ કુલ 23.50 લાખ રૂપિયા લઈને ફરિયાદીને મકાન નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.