
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી. જેમાં શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં આવેલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતા 10 જેટલી ગાડીઓ સાથે અધિકારી તેમજ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કુલ 26 જેટલી દુકાનો આગમાં બળીને થાક થઈ ગઈ હતી. જ્યારે નાના-નાના થડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
આ અંગેની ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે, કાલુપુર શાકમાર્કેટમાં આવેલી દુકાનોમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ગાડીઓને રવાના કરવામાં આવી હતી. ટીમ ત્યાં પહોંચી ત્યારે દુકાનોમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. આસપાસમાં આવેલી દુકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. જેથી વધુ ગાડીઓને જાણ કરવામાં આવતા કુલ 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવવાનો શરૂ કરવામાં આવ્યો હતો અને છ જેટલી લાઈનો બનાવી હતી. એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
કાલુપુર શાકમાર્કેટમાં લાગેલી આગમાં શાકભાજીની દુકાનો અને ગોડાઉન મળી કુલ 26 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. જેના કારણે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત આસપાસમાં આવેલા શાકભાજીના થડા પણ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. પ્લાસ્ટિક અને લાકડાના વાંસ હોવાના કારણે આગ માર્કેટમાં વધુ ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતા આસપાસમાં રહેતા કેટલાક વેપારીઓ પણ તાત્કાલિક શાકમાર્કેટમાં પહોંચી ગયા હતા. આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આગના કારણે શાકમાર્કેટમાં મોટું નુકસાન થયું છે.