News Updates
AHMEDABAD

ઓફિસ ખોલી બોગસ આંગડિયા 1.60 કરોડનું સોનુ પડાવવા:વેપારી રૂપિયા ગણતા રહ્યા ને ગઠિયા 2100 ગ્રામ સોના સાથે છૂમંતર,અમદાવાદમાં બે ભેજાબાજે 1.30 કરોડની નકલી નોટો પધરાવી

Spread the love

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં એક આખે આખી આંગડિયા પેઢી ઊભી થઈ અને તે પણ કરોડો રૂપિયાનું સોનું લેવા માટે. આ પેઢી શરૂ કરવામાં આવી હતી એટલું જ નહીં અહીં 2100 ગ્રામ સોનું ખરીદવા માટે 1 કરોડ 60 લાખની ડીલ થઈ અને તે રૂપિયા લેવા માટે આ જગ્યા પર બોલાવવામાં આવ્યા હતા. સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઈને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉથી હાજર બે શખસે તેને બેંકના સ્ટેમ્પ વાળી 1 કરોડ 30 લાખની નોટ બતાવી હતી અને કહ્યું કે, તમે મને સોનુ આપો હું બાજુની દુકાનમાંથી બીજા 30 લાખ લઈને આવું ત્યાં સુધી. તમે આ મશીનમાં નોટો ગણી લો, ત્યારે કર્મચારીઓએ આ રૂપિયા લઈ લીધા અને સોનું આપી દીધું હતું. એ સમયે આ સોનાનું પડીકું લઈને એક ભેજાબાજ ત્યાંથી નીકળ્યો અને ત્યારબાદ તેનો માણસ પણ નીકળી ગયો. બીજી તરફ કર્મચારીઓ નોટો ગણતા રહ્યા પણ તે લોકો ભાગી ગયા. સોનું પણ ગયું અને જ્યારે તે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે તે લોકો જે નોટો ગણી રહ્યા છે તે નકલી છે. હવે કરોડો રૂપિયાની છેતરપિંડી થયા બાદ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પુષ્પકદીલ બંગલોમાં રહેતા મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. મેહુલ ઠક્કર માણેક ચોક ખાતે મેહુલ બુલિયન નામથી સોના-ચાંદીનો ધંધો કરે છે. મેહુલની દુકાનમાં 6 કર્મચારીઓ નોકરી કરે છે. જેમને કામનો સમય સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધીનો છે. 23 સપ્ટેમ્બરના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, 2100 ગ્રામ સોનું ખરીદવું છે તો ભાવ શું છે. મેહુલ ઠક્કરે 15 વર્ષથી લક્ષ્મી જ્વેલર્સના માલિક સાથે ધંધો કરતા હોવાથી તે પ્રશાંત પટેલને ઓળખતા હતા. મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલ પાસે 2100 ગ્રામ સોનાનો સોદો 1.60 કરોડમાં નક્કી કર્યો હતો અને બીજા દિવસે સોનુ મગાવી દેશે તેમ જણાવ્યું હતું.

24 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ પ્રશાંત પટેલે મેહુલ ઠક્કરને ફોન કરીને જણાવ્યું હતું કે, ગોલ્ડની ડિલિવરી લેનાર પાર્ટીને તાત્કાલિક ગોલ્ડ જોઇએ છે અને હાલમાં આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરી શકે તેમ નથી. જેથી તેઓ સિક્યોરિટી પેટે રોકડ રકમ આપશે અને બીજા દિવસે આરટીજીએસથી પૈસા મોકલી આપશે. ત્યારે સિક્યોરીટી પેટે આપેલી રકમ પરત આપી દેવાની. સાથે પ્રશાંત પટેલે વધુમાં મેહુલને જણાવ્યું હતું કે, ગોલ્ડ ખરીદનાર પાર્ટી સી.જી. રોડ ખાતે આવેલી પટેલ કાંતિલાક મદનલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં આવવાના છે. આંગડિયા પેઢીની ઓફિસમાં પાર્ટી પેમેન્ટ આપી દેશે અને ત્યાં જ તેમને 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપી દેવાની રહેશે. પાર્ટી આંગડિયા પેઢીની ઓફિસમાં જ બેઠી છે જેથી સોનાની ડિલિવરી પણ આંગડિયાની ઓફિસે કરવાની છે.

મેહુલ ઠક્કરે તુરંત જ તેમના સ્ટોકમાંથી 2100 ગ્રામ સોનાનું બિસ્કિટ કાઢ્યુ હતું અને તેમને ત્યાં કામ કરતા કર્મચારી ભરત જોશીને આપ્યુ હતું. મેહુલ ઠક્કરે ભરત જોશીને સોનાની ડિલિવરી લેવા માટે આવનાર ભાર્ગવ પટેલનો નંબર પણ આપ્યો હતો. ભરત જોશી ગોલ્ડ લઈને આંગડિયા પેઢીની ઓફિસમાં પહોચી ગયા હતા. જ્યાં ત્રણ વ્યક્તિ હાજર હતા. ભરત જોશીએ તુરંત જ મેહુલ ઠક્કરને ફોન કરી દીધો હતો અને કહ્યું હતું કે, જ્યારે આંગડિયા પેઢી પર પહોંચ્યા ત્યારે ત્રણ લોકો ત્યાં હાજર હતા. ભાર્ગવ પટેલ અને એક સરદાજીનો વેશ ધારણ કરી આવનાર શખસે સોનુ ખરીદનાર તરીકેની ઓળખ આપી હતી. જ્યારે એક વ્યક્તિને રોકડ રકમની ગણતરી કરવા માટે કાઉન્ટિંગ મશીન લઈને બોલાવ્યો હતો. ત્રીજો શખસ આંગડિયા પેઢીની ઓફિસની બહાર બેઠો હતો જેની પાસે ગણવાનું મશીન હતું.

સોનું ખરીદનાર બંન્ને ગઠિયાઓએ 500ની નોટના બંડલો લઈને ટેબલ પર મુક્યા હતાં. જેમાં પાંચ લાખનું એક એવા 26 બંડલો હતા. બંન્ને ગઠિયાઓએ 1.30 કરોડ રૂપિયા હોવાનું બન્ને ભરત જોશીને કહ્યું હતું. બાદમાં સરદાજીના વેશમાં આવેલા ગઠિયાએ ભરત જોશીને કહ્યું હતું કે, તમે ગોલ્ડની ડિલિવરી આપો એટલે હું તેમની બાજુની ઓફિસ જઈને બીજા 30 લાખ રૂપિયા લાવીને આપું છું. ગઠિયાએ ભરત જોશીને કહ્યું કે, હું રૂપિયા લઈને આવું ત્યાં સુધી તમે કાઉન્ટિંગ મશીનમાં રૂપિયા ગણી લેજો. ભરત જોશીએ પ્લાસ્ટિકની થેલીમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાનમાં ભાર્ગવ પટેલ પણ ચૂપચાપ આંગડિયા પેઢીની ઓફિસથી જતો રહ્યો હતો.

ભરત જોશીએ તુરંત જ મેહુલ ઠક્કરને સમગ્ર હકિકત જણાવી હતી. જેથી તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. મેહુલ ઠક્કરે તુરંત જ પ્રશાંત પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી પાર્ટી 30 લાખની રકમ લેવા જાય છે તેમ કહીને સોનાના બિસ્કિટ લઈને જતા રહ્યા છે અને હજુ સુધી આવ્યા નથી. ભરત જોશીએ આસપાસમાં તપાસ કરી પરંતુ બન્ને શખસ મળી આવ્યા નહી.

મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલને વધુમાં જણાવ્યુ હતું કે, બન્ને શખસે બનાવટી ચલણી નોટ આપીને જતા રહ્યા છે. મેહુલ ઠક્કર અને પ્રશાંત પટેલ બન્ને આંગડિયાની ઓફિસ ખાતે ગયા હતા. જ્યાં તેમને તપાસ કરી હતી. આજુબાજુની ઓફિસના કર્મચારીઓ દ્વારા મેહુલ ઠક્કરને જાણવા મળ્યું હતું કે, બન્ને શખસે બે દિવસ પહેલા આંગડિયા પેઢીની ઓફિસ ચાલુ કરી હતી. પ્રશાંત પટેલે તુરંત જ ભાર્ગવ પટેલને ફોન કર્યો હતો. જેમાં તેમનો ફોન બંધ હતો. મેહુલ ઠક્કરે તુરંત જ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સરદાજી અને ભાર્ગવ પટેલ 1.30 કરોડ રૂપિયા કાઉન્ટિંગ મશીનમાં ગણવાનું ભરત જોશીને કહીને રફ્ફુચક્કર થઈ ગયા હતા. ભરત જોશીએ જ્યારે બનાવટી નોટ જોઈ ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો અને કાઉન્ટિંગ મશીન પાસે ઉભેલા યુવકને પૂછ્યુ હતું. યુવકે જણાવ્યું કે, બન્ને શખસે કાઉન્ટિંગ મશીન ખરીદ્યું હતું જેની ડિલિવરી કરવા માટે તે આવ્યો હતો. બન્ને ગઠિયાએ પૂર્વ આયોજિત કાવતરૂ ઘડીને કાવતરૂ ઘડ્યું છે. બન્ને ગઠિયાએ પહેલા બોગસ આંગડિયા પેઢીની ઓફિસ ખોલી અને બાદમાં સોનુ ખરીદવાનું કહીન બુલીયનનો સંપર્ક કર્યો. જ્યા આંગડિયા પેઢીની ઓફિસ ખોલી ત્યાં જ સોનાની ડિલિવરી માટે બુલીયનના કર્મચારીને બોલાવીને બનાવટી ચલણી નોટ આપીને તેનો શિકાર કર્યો હતો.


Spread the love

Related posts

PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસ:13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન, કેજરીવાલના વકીલે લાંબી મુદત માંગતા કોર્ટની ટકોર- MP- MLA સામે ઝડપી ટ્રાયલનો પરિપત્ર છે

Team News Updates

એક જ દિવસમાં 148 રિક્ષા જમા:અમદાવાદમાં નંબર પ્લેટ ના હોય, સ્ટંટ બાજી કરતા હોય, બેફામ ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી

Team News Updates

મોબાઇલમાં લાઈવ સ્કોર પોલીસે પકડ્યો,અમદાવાદમાં IPLની મેચ પર સટ્ટો રમતાં બે શખસ ઝડપાયા

Team News Updates