અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની રેસ્ટોરન્ટ અને ફૂડ સેન્ટરોમાં ખાવા-પીવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળતી હોવાની અનેક ફરિયાદો મળતી હોય છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા ચલાવવામાં આવતી પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલી મોરૈયાની ખીચડીમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ એક ગ્રાહક દ્વારા કરવામાં આવી છે. પ્રેમવતી રેસ્ટોરન્ટની ખીચડીમાંથી જીવડું નીકળ્યું હોવાનો વીડિયો પણ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાહીબાગની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી જીવડું નીકળ્યું હોવાની અમને ફરિયાદ મળી હતી. જેથી ફૂડ વિભાગના સ્ટાફને ત્યાં મોકલવામાં આવ્યો હતો. સ્ટાફ દ્વારા વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમજ રેસ્ટોરન્ટને દસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ફરાળી ખીચળીમાંથી જીવજંતુ નીકળ્યું હતું
આકાશ શુક્લા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરતાં જણાવ્યું હતું કે, મને ભૂખ લાગી હતી. જેથી શહેરના શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી એક ફરાળી ખીચળી અને ભેડનો ઓર્ડર કર્યો હતો. જ્યારે હું તેમાંથી ખાતો હતો ત્યારે મેં જોયું તો તેમાં એક મરેલું જીવજંતુ જોવા મળ્યું હતું. જીવજંતુ જોવા મળતા મેં તેનો ફોટો અને વીડિયો ઉતારી લીધો હતો અને ત્યાં હાજર વ્યક્તિને પણ આ મામલે મેં જાણ કરી હતી. મને લાગ્યું કે આ બાબતે મારે ફરિયાદ કરવી જોઇએ જેથી મેં ફરિયાદ કરી હતી. સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટ એક જાણીતી બ્રાન્ડ છે અને જો તેમાંથી આવું નીકળે તો ગ્રાહકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારણ છે જેથી લોકો સુધી માહિતી પહોંચે તે જરૂરી છે.
કોઈ વસ્તુ નહીં પરંતુ આ જીવડું આવ્યું કેમ?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. જેમાં સાબુદાણા અથવા મોરૈયાની ખીચડીમાંથી જીવજંતુ નીકળ્યું હોવાનો વીડિયો છે. જે શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પ્રેમવતી રેસ્ટોરન્ટનો છે. જેમાં ગ્રાહક હાજર સ્ટાફ સાથે વાત કરતા કહે છે કે, આ તમારા એ જ બાઉલમાં છે. આ જીવડું તો એમાં જ હશે ને. હજી તમે બીજી આપશો બધાને. જેથી અન્ય કોઈ વ્યક્તિ કહે છે કે, બીજી કોઈ વસ્તુ આપી દો. જેથી ગ્રાહક કહે છે કે, કોઈ વસ્તુ નહીં પરંતુ આ જીવડું આવ્યું કેમ? મોરૈયાની ખીચડીમાં જીવડું આવ્યું છે. હવે તમારી કોઈ વસ્તુ ભાવશે નહીં. આનું અમારે શું કરવાનું. પ્રેમવતી રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે ગ્રાહક દ્વારા ફરિયાદ કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.