News Updates
RAJKOT

 RAJKOT:માથે સળગતી ઇંઢોણી અને ગરબો લઈ રાસ રમી,20 મિનિટ સુધી આગ સાથે ગરબા,6 દીકરી હાથમાં મશાલ,હજારો લોકો જોવા ઊમટ્યા

Spread the love

રાજકોટમાં અર્વાચીન ગરબાની ઝાકમઝોળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. શહેરના મવડી વિસ્તારમાં ત્રીજા નોરતે 6 બાળા સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ સાથે 20 મિનિટ સુધી રાસ રમી હતી. જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ રાસ જોવા હજારોની સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ ગરબામાં ગીતના શબ્દો છે ‘જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય.. પવન ઝપાટા થાય તોય, માનો ગરબો જલતો જાય.. અંબે માનો ગરબો જલતો જાય..’

રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લાં 17 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.

શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે, તેમાં માત્ર 6 બાળા પોતાના હાથમાં મશાલ, માથે સળગતી ઇંઢોણી અને સળગતા ગરબા સાથે ગરબે ઘૂમે છે. આ સમયે મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઇ હોય તેવાં દૃશ્યો નિહાળવા મળે છે. કારણ કે, આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માનાં ચરણમાં આપોઆપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે, ભક્તિની શક્તિ વિના અને માના આશીર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી.

સળગતી ઇંઢોણીનો રાસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૌહાણ જયતી નામની બાળાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરતાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં બે વર્ષથી આ સળગતી ઈંઢોણી રાસમાં ભાગ લઉં છું. અમારા ઉપર અને અમારા આયોજકો ઉપર માતાજીની અસીમ કૃપા છે, હજુ સુધી કોઈપણ દુર્ઘટના સર્જાઈ નથી. સળગતી ઈંઢોણી રાસ માટે દોઢ મહિના અગાઉ ચારથી પાંચ વખત પ્રેક્ટિસ પણ અમે લોકો કરતા હોઈએ છીએ. 20 મિનિટનો આ સળગતી ઈંઢોણી રાસ પ્રખ્યાત છે અને લોકો દૂર દૂરથી અમારો આ રાસ જોવા આવે છે, માટે એ સમયની ખુશી અમારા માટે કંઈક અલગ હોય છે.

ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી ચોક વિસ્તારમાં બજરંગ ગરબી મંડળમાં છેલ્લાં 16 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 17માં વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળાઓ રાસ રમી રહી છે અને સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાય છે. કુલ 12 બાળાને તાલીમ અપાઇ છે. નવરાત્રિ દરમિયાન ત્રીજા, છઠ્ઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરાય છે. એક વખત રાસ રમનાર ટીમને બીજી વખત આરામ અપાય છે.

અહીં પ્રાચીન સંસ્કૃતિ જળવાઇ રહે તે માટે માત્ર ગુજરાતી ગરબાના જ કલાકારો દ્વારા ગવડાવામાં આવે છે. અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મંજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને ફાયર સેફ્ટી પણ રાખવામાં આવે છે.


Spread the love

Related posts

RAJKOT:સામૂહિક આપઘાતનો પ્રયાસ ગુંદાવાડી વિસ્તારમાં ,પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા

Team News Updates

RAJKOT:TRP ગેમ ઝોન 80 હજારથી 1.20 લાખ વીજબિલ આવતું,2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન માગ્યું હતું,PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું’તું

Team News Updates

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Team News Updates