નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના એક નાનકડા 5 વર્ષીય મીત મુકેશભાઈ બારીયા પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં તેને ઇજા થઇ હતી. જેથી તેની તાત્કાલિક તિલકવાડામાં સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામમાં ગતરોજ દીપડાએ 5 વર્ષીય બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળક પિતા સાથે ખેતર ગયો હતો. જ્યાં તે બાળક રમી રહ્યો હતો ત્યારે, કપાસના ખેતરમાં છુપાઈ રહેલા દીપડાએ આ પાંચ વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. જે જોઈ તેના પિતાએ દીપડાની પાછળ દોટ મુકી પોતાના દીકરાને બચાવી લીધો હતો.
આ બાબતે ઇજાગ્રસ્ત 5 વર્ષીય બાળકના પિતા બારીયા મુકેશ ગોપાલભાઈ જણાવ્યું હતું કે, અમે ખેતર પાણી વળવા ગયા હતા. ત્યારે આ દીપડાએ મારા બાળક પર હુમલો કર્યો હતો. જેથી હું દીપડા પાછળ ભાગ્યો અને બૂમાબૂમ કરી હતી. જેથી દીપડો બાળકને છોડી ત્યાંથી ભાગી ગયો હતો અને મારું બાળક બચી ગયું હતું. હાલ બાળક સારવાર હેઠળ છે.