News Updates
NATIONAL

નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી:વડોદરા નજીક વોક્સવેગન કાર ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ, ભીષણ આગ સમયે બાજુમાંથી જ ઈન્ડિયન ઓઈલનું ટેન્કર પસાર થયું

Spread the love

વડોદરા નજીક નેશનલ હાઇવે 8 ઉપર કપુરાઇ બ્રિજ પાસે વોક્સવેગન કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર યુવાન અને યુવતી સમય સુચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમારો ચલાવી કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. નોંધનીય છે કે, કાર ભડકે બળી રહી હતી તે જ સમયે ઈન્ડિયન ઓઇલનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

કારમાં ધુમાડા શરૂ થયા
મળેલી માહિતી પ્રમાણે કરજણના નારેશ્વર ખાતે રહેતા કપિલભાઇ દવે એક યુવતી સાથે નારેશ્વરથી વોક્સવેગન કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે કારમાંથી અચાનક ધૂમાડા નીકળવાનું શરૂ થતાં કારચાલકે પોતાની કાર રોડની સાઇડ ઉપર ઉભી રાખી દીધી હતી અને યુવતી સાથે કારમાંથી ઉતરી સલામત સ્થળે પહોંચી ગયા હતા.

આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
કાર ચાલક અને યુવતી કારમાંથી ઉતર્યા બાદ કારમાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલી કારને પગલે ભરૂચથી વડોદરા તરફના હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના ભરતભાઇ ડોડિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

કાર બળીને ખાખ
ફાયરબ્રિગેડના ભરતભાઇ ડોડિયાએ જણાવ્યું હતું કે, કાર નારેશ્વરથી વડોદરા તરફ આવી રહી હતી. કાર ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ કપિલભાઇ દવે હોવાનું કહ્યું હતું. તેમજ નારેશ્વર ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓની સાથે એક યુવતી હતી. બંને સમયસર કારમાંથી ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, વોક્સવેગન કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

કંઈ પણ કહેવાનો ઇન્કાર
આ બનાવ અંગેની વિગતો જાણવા માટે કપિલભાઇ દવેનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ, તેઓએ કારમાં લાગેલી આગ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. કારમાં લાગેલી આગ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. આગના આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.


Spread the love

Related posts

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Team News Updates

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ

Team News Updates

PM તેલંગાણા પહોંચ્યા, 6100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું:વારંગલમાં ભદ્રકાલી મંદિરની મુલાકાત લીધી, ગાયને ચારો ખવડાવ્યો; કહ્યું- યુવા ભારત ઊર્જાથી ભરેલું છે

Team News Updates