એરપોર્ટથી ડફનાળા રોડ પર કેમ્પ હનુમાનથી રસ્તો નાનો હોવાથી ઘણીવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ રસ્તેથી VVIP તથા પ્રધાનમંત્રી સહિતના નેતાઓ પસાર થાય છે, ત્યારે રસ્તો નાનો હોવાથી સાવચેતી પૂર્વક જવું પડે છે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ પહોળો કરવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. પણ હવે ત્યાં આર્મી દ્વારા નોટિસ લગાવવામાં આવી છે કે, આ જગ્યા આર્મીની છે અને અહીં બાંધકામની પ્રતિબંધિત છે. જેથી હવે રસ્તો પહોળો કરવાનું કામ અટકાવવું પડ્યું છે.
ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો પ્રોજેક્ટ અટક્યો
ડફનાળા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર એરપોર્ટથી આવતા વાહનોને ત્રણ વખત સિગ્નલ ખુલવાની રાહ જોવી પડે એટલી લાંબી લાઇન લાગે છે. આ રસ્તે ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તે માટે કોર્પોરેશન અને પોલીસ દ્વારા રસ્તો પહોળો કરવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય વિદ્યાલય, ACB અને IPS મેસ દ્વારા બહારની દીવાલ તોડીને 3 ફુટ અંદર બીજી દીવાલ ઉભી કરવામાં આવી હતી, જેનાથી રસ્તો 3 ફુટ પહોળો થઈ શકે.
નોટિસથી કોર્પોરેશન મુશ્કેલીમાં મૂક્યું
છેલ્લા 3 મહિનાથી આ કામગીરી ચાલી રહી હતી, પરંતુ હવે તેના પર અચાનક જ રોક લાગી ગઈ છે. કારણ કે, આર્મી દ્વારા નોટિસ લગાવવામાં આવી છે કે આ જગ્યા આર્મીની છે, જેથી અહીંયા બાંધકામ કરવા પર પ્રતિબંધ છે. આ નોટિસથી હવે કોર્પોરેશન મુશ્કેલીમાં મૂક્યું છે. કારણ કે, કામ પૂરું થવાના આરે છે ત્યારે નોટિસ આવી છે.
આર્મીનો વિસ્તાર હોવાથી પરમિશન લેવામાં આવી છેઃ ભરત પટેલ
શાહીબાગ વોર્ડના ભાજપના કોર્પોરેટર ભરત પટેલે શાહીબાગ ડફનાળાથી કેન્ટોનમેન્ટ સુધીના વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કામગીરી ચાલું જ છે. કેન્દ્રીય વિદ્યાલયથી લઈ અને એસીબી ઓફિસ સુધીનો 50 મીટર સુધીના રોડ મામલે વિવાદ છે. આ જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી રહી છે. આર્મીનો વિસ્તાર હોવાથી તેની પરમિશન કોર્પોરેશન દ્વારા લેવામાં આવી છે અને કેન્ટોનમેન્ટ બોર્ડની દિલ્હી સુધી પરમિશન માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેને બે ચાર દિવસમાં મંજૂરી મળી જશે.
સર્કલ પાસે વળાંકના રોડ મામલે કોઈ વિવાદ નથી
ડફનાળા સર્કલ પાસે રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી. સર્કલ પાસે વળાંકના રોડ મામલે કોઈ વિવાદ નથી. રોડ પાસે વચ્ચે જે ઝાડ નડતરરૂપ હતું તેનું પણ નિકાલ કર્યો હતો. રોડ ઉપર આર્મી દ્વારા દિવાલ બનાવી દેવામાં આવી છે અને બોર્ડ મારી દેવામાં આવ્યું છે. આર્મી દ્વારા વળાંક પાસેના રોડનો હાલ કોઈ વિવાદ સામે આવ્યો નથી. સ્ટોર્મ વોટર લાઈન નાખવા અંગેની કામગીરી ચાલી રહી છે. કોઈપણ પ્રકારની કામગીરી બંધ હોય તેવી વાત નથી.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના Dymc મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ અંગે મને જાણ નથી, સીટી એન્જિનિયરને ખબર હશે.