જ્યોતપૂજન મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
પ્રવાસન અને વન મંત્રી મુળુભાઈ બેરા માસિક શિવરાત્રી ઉત્સવમાં જોડાયા
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ આરાધનાના વિશેષ પર્વ રૂપે પ્રત્યેક માસની વદ(કૃષ્ણ પક્ષની) તેરસને માસિક શિવરાત્રી સ્વરૂપે ઉજવવામાં આવે છે. ત્યારે વૈશાખ વદ તેરસ એટલે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ જ્યોતિર્લિંગ શિવ આરાધનાનું પરમધામ હોય હજારોની માત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા શિવરાત્રી પર્વે કરવામાં આવતું વિશેષ જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક ભક્તો તેમજ રાજ્ય અને દેશમાંથી આવનારા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની જ્યોત પૂજામાં જોડાયા હતા.
રાત્રિના 12:00 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા આરતી અને દર્શનમાં જોડાયા હતા. શિવદરબાર આશ્રમથી પૂજ્ય ઉષા મૈયા પણ શિવરાત્રીની મહાઆરતીના દર્શને પધાર્યા હતા. સોમનાથ મહાદેવની માસિક શિવરાત્રીની આ મધ્ય રાત્રિની મહાઆરતીના દર્શન કરવા દૂરદૂરથી આવતા હજારો શિવ ભક્તોથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. હર-હર ભોલે જય સોમનાથના નાદ સાથે માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)