News Updates
NATIONAL

એક દિવસમાં સુરતમાં બીજી હત્યા:બે મિત્રો યુવકને ચા પીવાનું કહી દારૂના અડ્ડા પર લઈ ગયા, આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

Spread the love

સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે હત્યાની બે ઘટના બની હતી. દિવસે કડોદરામાં એક પિતાએ જ દીકરીને છરીના 17 ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટના ભુલાઈ નહોતી ત્યાં સુરતના સચિનમાં રાત્રે 11.30 વાગ્યા આસપાસ બે મિત્રો યુવકને ચા પીવાનું કહી દારૂના અડ્ડા પર લઈ ગયા હતા. બાદમાં ત્યાં બન્ને મિત્રોએ યુવકને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

દારૂના અડ્ડા પર મિટિંગ કરી
સુરતના સચિન વિસ્તારમાં 21 વર્ષીય અક્રમ હાસમી રાત્રે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે બાઈક પર આવેલા બે મિત્રે ચા પીવા જવાનું કહીને તેને લઈ ગયા હતા. બાદમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે મૃતકની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે દારૂના અડ્ડા પર મિટિંગ બાદ હત્યા કરાઈ છે.

મૃતક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષથી રહેતો હતો
સુરતના સચિન વિસ્તારમાં અક્રમ વસીમ હાસમી છેલ્લાં પાંચ વર્ષથી રહેતો હતો. અક્રમનો પરિવાર વતન લખનઉમાં રહે છે. જ્યારે અક્રમ અહીં મિત્રો સાથે સચિન વિસ્તારમાં એકલો રહેતો હતો. આ સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે સોફા બનાવવાનું કામ કરતો હતો.

બે મિત્રો ચા પીવા જવાનું કહી લઈ ગયા
અક્રમના મિત્ર આલોક રામે જણાવ્યું હતું કે રાત્રે 11:30 વાગે પાંચ મિત્રો સાથે અક્રમ બેઠો હતો. ત્યારે અક્રમના બે મિત્રો જિતેન્દ્ર અને રાજુ બે બાઈક પર આવ્યા હતા અને ચા પીવા જવાનું કહેતાં બધા બાઈક પર ગયા હતા. અક્રમ અને તેના બે મિત્રો બધા જ નજીકમાં આવેલા દારૂના અડ્ડા પર ગયા હતા. જ્યાં અક્રમ અને તેના મિત્રો સહિતના વચ્ચે એક મિટિંગ થઈ હતી.

દારૂના અડ્ડા પર મિટિંગ બાદ હત્યા કરાઈ
તેણે વધુમાં જણાવ્યું હતું કે મિટિંગ બાદ બહાર આવેલા તમામ લોકોએ મને દૂર જતો રહેવા માટે કહ્યું હતું. ત્યાર બાદ જિતેન્દ્ર અને રાજુએ અક્રમને છરીના ઘા માર્યા હતા, જેમાં પેટના ભાગેથી માંસના લોચા પણ બહાર આવી ગયા હતા. હું દોડીને પહોંચ્યો તો મારા પર પણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓ ભાગી ગયા હતા.

અક્રમને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અક્રમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યાર બાદ જિતેન્દ્ર અને રાજુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.

બે આરોપીની અટકાયત કરાઈ
એસીપી આર.એલ. માવાણીએ જણાવ્યું હતું કે સચિન એપ્રલ પાર્કના ગેટ પાસે અક્રમની આરોપીઓ જિતેન્દ્ર અને રાજુ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. બંને આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ કોઈ નાનીમોટી તકરારને લઈને હત્યા કરવામાં આવી છે એવી શંકા છે.


Spread the love

Related posts

જીમેઈલ પર પણ હવે દેખાવા લાગ્યું બ્લુ ટિક, અસલી-નકલી મેઈલની આ રીતે થશે જાણ

Team News Updates

કુસ્તીબાજોએ કહ્યું – મેડલ પાછા આપી દઈશું:પોલીસે સ્વાતિ માલીવાલની પણ ધરપકડ કરી, મોડી રાત્રે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું; બોક્સર વિજેન્દરે કહ્યું- લડાઈ લાંબી ચાલશે

Team News Updates

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates