ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે આજે એક સાક્ષીનું નિવેદન લેવાયુ છે. જ્યારે જે ખાનગી ન્યૂઝ ચેનલે તેજસ્વી યાદવનો ઇન્ટરવ્યૂ લીધો હતો તેના એડિટરને આજે હાજર રહેવાનું ફરમાન હતું. જો કે, તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને તેના દ્વારા કોર્ટમાં સર્ટિફિકેટ સાથે ઓરીજનલ સીડી જમા કરવાઇ હતી. કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી આગામી 23 જૂનના રોજ હાથ ધરાશે.
‘દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે, જેમાં કોર્ટ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 20 મેના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવે રજૂ કરેલા નિવેદન મુદ્દે મેટ્રો કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે કોર્ટની સુનાવણી દરમિયાન ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરને નોટિસ ઈસ્યુ કરી હતી. આ નોટિસ મળ્યાથી તેજસ્વી યાદવે જે નિવેદન આપ્યા છે, તેની ઓરિજનલ કોપી, સીડી અને પેન ડ્રાઈવ સાથે હાજર રહેવા ફરમાન કર્યું હતું. કોર્ટે ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. જો કે, આજે હાથ ધરાયેલી સુનાવણીમાં ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર તરફથી તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
ત્રણ સાક્ષીનાં નિવેદન લેવાયાં હતાં
ગત સુનાવણીમાં મેટ્રો કોર્ટમાં ‘ગુજરાતી ઠગ હૈ’ મુદ્દે ફરિયાદી પક્ષે સાક્ષી અને પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટમાં ત્રણ સાક્ષીઓ રાજેન્દ્ર ટાંક, જતીન પટેલ અને પંકજ પટેલે કોર્ટ સમક્ષ નિવેદન રજૂ કર્યા હતા. સાક્ષીઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવના આ નિવેદનના કારણે ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે.
ગાંધીનગરના સાક્ષીએ નિવેદન આપ્યું હતું
20મેના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવે કરેલા ગુજરાતીઓ ઠગ વિશેના નિવેદન સંદર્ભે કોર્ટમાં હરેશ મહેતાએ એક અરજી દાખલ કરી હતી. જે અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટની અંદર અલગ અલગ સાક્ષીઓએ પોતાનાં નિવેદનો નોંધાવ્યાં હતાં. જેમાં ગાંધીનગરના પંકજકુમાર દ્વારકાભાઈ પટેલે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું કે, રાજકીય વ્યક્તિઓ પોતાની મનસા પૂરી કરવા માટે સમાજને બદનામ કરવાનું કામ કરે છે. મેં યુટ્યૂબ મારફતે ખાનગી ચેનલમાં તેજસ્વી યાદવનું નિવેદન સાંભળ્યું હતું. એમાં ગુજરાતીઓનું અપમાન થયું હોવાનું મને લાગે છે.
મહેસાણાના કડીના સાક્ષીએ નિવેદન આપ્યું હતું
બીજા એક નિવેદનમાં મહેસાણાના કડી તાલુકાના જતીનભાઈ પટેલ પોતાનું નિવેદન નોંધાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાનુભાવો થયા છે. ત્યારે અન્ય રાજ્યના ડેપ્યુટી સીએમ આ પ્રકારની ગુજરાતીઓ વિશે વાત કરે ત્યારે નીચું જોવાનો વારો આવે છે. અમે તેજસ્વી યાદવનું નિવેદન સોશિયલ મીડિયા મારફતે જોયું હતું, જે અંગેનું નિવેદન કોર્ટમાં લખાવ્યું છે.
ગુજરાતીઓના અપમાનથી આઘાત લાગે છે
ત્રીજા એક સાક્ષી એવા કચ્છના રાજેન્દ્ર ત્રિકમભાઈ ટાંકે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય ગુજરાતી સમાજને આવા નિવેદનથી ઘણું ખરાબ લાગ્યું છે, જેના કારણે મને ઘણા ફોન આવે છે અને ગુજરાતીનું અપમાન થયું હોય તેવું પણ સાંભળીને આઘાત લાગે છે. ગુજરાતીનું અપમાન થવાના કારણે આ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું હું કોર્ટ સમક્ષ જણાવું છું અને પોતાનું નિવેદન નોંધાવું છું.
તેજસ્વી યાદવ શું બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’
નરોડામાં રહેતા હરેશભાઈએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઈ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.
ફરિયાદી કોર્ટમાં પુરાવાઓ જમા કરી ચૂક્યા છે
1 મેએ મેટ્રો કોર્ટમાં આ મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનામી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. આ કેસમાં આજે વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એન્ટિ-કરપ્શનના ઉપપ્રમુખે તેજસ્વી સામે ફરિયાદ નોંધાવી
તેજસ્વી યાદવ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે, જેની સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં હુકમ રદ કરવા માટે પિટિશન કરી છે. સામાજિક કાર્યકર અને ઓલ ઇન્ડિયા એન્ટિ-કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે માનદ સેવા આપતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 499 અને 500 (બદનક્ષી)ની ફરિયાદ કરી છે.
કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવનો સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું. અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે એ યોગ્ય નથી. એ અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઈ છે.