નાઈજીરીયાના ક્વારામાં સોમવારે વહેલી સવારે નાઈજર નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 103 લોકોનાં મોત થયા અને 97 લોકો પાણીમાં ગુમ થયા હતા. તે જ સમયે 100 લોકોનો બચાવ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં 300 લોકો સવાર હતા. બધા લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા.
પોલીસે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.
ઝાડ સાથે અથડાયા બાદ બોટ પલટી ગઈ
સીએનએનના અહેવાલ મુજબ, સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે અગબોટી ગામમાં કેટલાક લોકો લગ્નમાં ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમાં, લગ્નના કેટલાક મહેમાનોએ ગામ છોડવા માટે બોટ દ્વારા નદી પાર કરવાનો આશરો લીધો હતો.
તેમણે કહ્યું કે બીજી તરફ કિનારા તરફ આવી રહી હતી ત્યારે તેની બોટ પાણીમાં છુપાયેલા ઝાડના થડ સાથે અથડાઈ અને તૂટી ગઈ. આ પછી તે બે ભાગમાં વહેંચાઈ ગઈ અને પાણીમાં ડૂબી ગઈ.
મે મહિનામાં નાઈજીરિયામાં બોટ પલટી જતાં 15 લોકોનાં મોત થયા
આ પહેલા મે મહિનામાં નાઈજીરિયાના સોકોટોમાં બોટ પલટી જતાં 15 લોકોનાં મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઈજીરિયાના આવા વિસ્તારોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. આ કારણ છે કે અહીંના લોકો સામાન્ય રીતે આવવા-જવા માટે સ્વ-નિર્મિત બોટનો ઉપયોગ કરે છે.