- ગુજરાતમાંથી યુજી નીટ આપનારા 73,180 વિદ્યાર્થીમાંથી 49,915 ક્વૉલિફાય
- 18મા રેન્ક સાથે દેવ ભાટિયા ગુજરાતના ટોપર
એનટીએએ મેમાં લીધેલી યુજી નીટ 2023નું પરિણામ મંગળવારે રાત્રે જાહેર કરાયું હતું. ગુજરાતમાંથી યુજી નીટના નોંધાયેલા 79,040માંથી 73,180 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી 49,915 વિદ્યાર્થી ક્વોલિફાય થયા હોવાનું ગુજરાતમાં મેડિકલ શિક્ષણ ક્ષેત્રના તજ્જ્ઞ ડૉ. ઉમેશ ગુર્જરે જણાવ્યું હતું.
યુજી નીટ 2023નું પરિણામ મંગળવારે રાત્રે જાહેર કરાયું
આ પરિણામની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું કે,‘યુજી નીટ 2022ના પરિણામની તુલનામાં યુજી નીટ 2023ના પરિણામમાં આશરે 15% જેટલા વધુ વિદ્યાર્થીએ ક્વૉલિફાઇંગ માર્ક્સ મેળવ્યા છે. ટોપ 50માં 18મો રેન્ક દેવ ભાટિયાએ, 30મો રેન્ક નીલ લાઠિયાએ અને 47મો રેન્ક બાદલ તન્નાએ મેળવ્યો છે.
ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા
દેશભરમાંથી 20,87,462 વિદ્યાર્થીએ યુજી નીટ આપી હતી, જેમાંથી 11,45,976 વિદ્યાર્થી ક્વૉલિફાય થયા છે. ગુજરાતમાંથી 80,000 વિદ્યાર્થીએ યુજી નીટ આપી હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ગુજરાતના ક્વૉલિફાઈંગ વિદ્યાર્થીની ટકાવારી પણ 15% જેટલી વધુ છે. આશરે 60 ટકા વિદ્યાર્થી યુજી નીટ માટે ક્વૉલિફાય થયાનો હોવાનું મેડિકલ શિક્ષણના સૂત્રોએ જણાવ્યું હતું.
જનરલ શ્રેણીમાં MBBS 500+, BDS કટઑફ 450+
આ વર્ષે પણ નીટ હાઈ સ્કોરિંગ રહી. આ વર્ષે કેટલીક કોલેજ અને બેઠકો વધી છે. સામાન્ય શ્રેણી માટે એમબીબીએસમાં 500+ અને બીડીએસમાં 450+ રહેવાની શક્યતા છે. એઈમ્સના કટઑફ 620થી 650 વચ્ચે રહી શકે છે. ટોપર્સનો સ્કોર આવ્યા પછી આ વર્ષે એઈમ્સ દિલ્હી માટે સ્પર્ધા મુશ્કેલ રહેશે. સામાન્ય વર્ગમાં 720માંથી 710 અંક હાંસલ કરનારાને જ એઈમ્સ દિલ્હી એલોટ થશે. તેનું મોટું કારણ એ છે કે, બે ઉમેદવારે 720, એકે 716, 16એ 715, એકે 712, છએ 711 અને આશરે 24એ 710 અંક હાંસલ કર્યા છે.