News Updates
GUJARAT

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Spread the love

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વાવાઝોડાએ દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સલામતરીતે ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે.

ઈતિહાસમાં પ્રથમવાર દ્વારકામાં સળંગ 5 દિવસ સુધી ધજા નહી ચઢાવાય
દ્વારકાના દરિયાકિનારે વાવાઝોડું ટકરાય શકે છે. જેને લઈ દ્વારકા મંદિરે ભગવાન દ્રારકાધીશને ઈતિહાસમાં પ્રથમ વખત સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહી આવે. મંદિરના વારાદાર પ્રણવ પૂજારી સાથે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે, વાવાઝોડાની આશંકા વચ્ચે આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે. આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે.

બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલ ખસેડાઈ
અમરેલીના જાફરાબાદમાં મોડી રાત્રે દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળબેટ ગામમાં સર્ગભાને પીપાવાવ પોર્ટ જેટી સુધી બોટ મારફતે પહોંચાડવામાં આવી હતી. 108ની ટીમ, પીપાવાવ મરીન પોલીસ સહિત તંત્ર જેટી પર દોડી ગયું હતું. 108 દ્વારા મહિલાને સલામત રીતે હોસ્પિટલમાં ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે, શિયાળ બેટ તરફ જવા માટે તમામ બોટ સેવા બંધ કરી છે માત્ર ઈમર્જન્સી બોટ સેવા જ શરૂ છે.

ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત, બે દિવસ વરસાદની શક્યતા
ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળ્યું હતું. ‘બિપરજોય’ વાવાઝોડાને કારણે દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં આગામી બે દિવસમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, ત્યારે શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હળવા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જિલ્લામાં આવેલા ચાર તાલુકામાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના 4 તાલુકા, જેમાં મહુવા, તળાજા, ભાવનગર ગ્રામ્ય અને ઘોઘાની શાળાઓ બંધ રાખવા તંત્રએ આદેશ કર્યો છે. આગામી તા.14 અને 15 જૂનના રોજ જિલ્લાના 4 તાલુકાની તમામ શાળાઓ બંધ રાખવા તંત્રએ આદેશ કર્યો છે.
​​​​​​​નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પણ પ્રવાસીઓ માટે બંધ
બીપરજોયને લઈને સુઈગામ રણમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સુઈગામના બોરું અને મસાલી રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરવા સૂચન કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે સરહદીય વિસ્તારોમાં સાયક્લોનની સંભવિત અસર થવાની છે. સુઇગામ, વાવ, ભાભર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.

શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ બમણા થયા
વાવાઝોડાંના સંભવિત સંકટ પહેલા જ લોકો અનેક પ્રકારના સંકટનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત ફૂંકાઈ રહેલા પવનના કારણે માંડવી મુન્દ્રા સહિતના વિસ્તારમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. તો શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ બમણાથી પણ ઉપર થઈ ગયા છે. ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે મજૂર ગુર્જરીના લોકોને કામ ના મળતા મુસીબતમાં મુકાયા છે. ખાસ કરીને બહાર ગામથી આવતા શ્રમજીવી લોકોને આવાગમનનું ભાડું પણ વેડફાઈ રહ્યું છે. તંત્ર, ફૂડ પેકેટની વ્યવસ્થા કરે એવી મજૂરોએ માંગ કરી છે.

સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા
કચ્છ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું છે અને તમામ આરોગ્ય કર્મચારીને સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી છે, જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. વાવાઝોડાની હાલની પરિસ્થિતિમાં નેત્રા-રસલીયા ગામની સગર્ભા માતાને 9 માસ પૂર્ણ થતાં ગઇકાલે તેમને આંગણવાડી વર્કર તથા આશા વર્કર દ્વારા સાથે મળીને ચાલુ વરસાદ અને પવન વચ્ચે 108 એમ્બ્યુલ્સની સેવાથી ભુજની જી.કે. હોસ્પિટલમાં રિફર કર્યા બાદ સગર્ભા માતાએ 9.30 વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો.

દ્વારકામાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા તંત્ર સજ્જ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કામગીરીનું નિરિક્ષણ કરી, સાથે નાગરિકો તેમજ વહીવટી તંત્રનો જુસ્સો વધારી રહ્યા છે. તેઓએ જિલ્લામાં આપદા પ્રબંધન તંત્ર અંતગર્ત કરાયેલી વિવિધ તૈયારીઓ, વ્યવસ્થાનું સૂક્ષ્મ અવલોકન કર્યું હતું અને વાવાઝોડા સામેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેઓએ ‘બિપરજોય’ વાવાઝોડાની સામે તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં સાત હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા છે. જિલ્લામાં 16 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ તહેનાત છે.

સંભવિત વાવાઝોડા સામે દ્વારકામાં નાગરિકો પણ તંત્ર સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. કેટલીક સંસ્થાઓએ ફૂડપેકેટ્સ સહિતની આગોતરી તૈયારી લીધી છે. દ્વારકામાં પક્ષીતીર્થ સંસ્થાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા 5100 ફૂડ પેકેટ્સની કામગીરીની સરાહના કરી હતી.

છેલ્લા 8 દિવસમાં ગુજરાતમાં ‘બિપરજોય’ની ગતિ

તારીખ- 7 જૂન

દ્વારકાથી આશરે 1200 કિમી દૂર હતું, અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિ તે સમયે 40 કિ.મી પ્રતિકલાક હતી

તારીખ- 8 જૂન

‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર હતું

તારીખ-9 જૂન

‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 830 કિલોમીટર દૂર હતું

તારીખ-10 જૂન

વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર હતું

તારીખ-11 જૂન

વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર હતું, જ્યારે દ્વારકાથી 440 કિલોમીટર દૂર હતું

તારીખ-12 જૂન

વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે

તારીખ-13 જૂન

વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 290 અને જખૌથી 310 કિલોમીટર દૂર છે

તારીખ-14 જૂન

વાવાઝોડું હાલ પોરબંદરથી 350 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 290 અને જથખૌથી 280 કિલોમીટર દૂર છે

નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પગલે નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વાવાઝોડાને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે. ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત અને પુનઃવ્યવસ્થાપન માટેનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે તેમજ કહ્યું હતું કે રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો. ખાસ કરીને ભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે ઘરમાં જ રહો, બહાર નીકળવાનું ટાળો, વૃક્ષ નીચે, થાંભલા નીચે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો, વીજ ઉપકરણોને અડવું નહીં, વીજ થાંભલાથી દૂર રહેવું, જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રને સહયોગ કરો તેમજ તંત્રની સૂચનાનું પાલન કરો.

જામનગરમાં બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય

‘બિપરજોય’ વાવાઝોડાના પગલે જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. ત્યારે જામનગર શહેરમાં 14 અને 15 જૂન એમ બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવાનો જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય કરાયો છે. તો બીજી તરફ જામનગરના અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસો જોખમી બન્યા હોય પોલીસ દ્વારા અત્યારે આ વિસ્તારમાં માઈક દ્વારા લોકોને તમામ આવાસ ખાલી કરી શેલ્ટર હોમમાં પહોંચી જવા અપીલ કરી હતી.

જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો દ્વારકા જવા રવાના

ચક્રવાત ‘બિપરજોય’ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યૂ ટીમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે. આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.

માછીમારોએ મહાકાય પથ્થરો મૂકી કામચલાઉ દીવાલ બનાવી

‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાત નજીક આવતા જ દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠે ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. માછીમારી સીઝન પૂર્ણ થતાં માછીમારો પહેલા જ પોતાની બોટને દરિયાકાંઠાથી દૂર લાંગરી ચૂક્યા છે, પરંતુ આજે દરિયો તોફાની બનતાં પાણી માછીમારોના દંગા અને બોટ સુધી પહોંચ્યાં હતાં. જો વધુ પાણી આવે તો માછીમારોની બોટ તણાઈ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ત્યારે આજે માછીમારો મહાકાય પથ્થરો લાવ્યા હતા અને ક્રેનની મદદથી દરિયાકાંઠા પર પથ્થરોની કામચલાઉ દીવાલ બનાવી હતી.

અરબ સાગરમાં સર્જાયેલું ‘બિપરજોય’ વાવાઝોડું 15 તારીખે બપોરના સમયે કચ્છ જિલ્લામાં ટકરાય એવી સંભાવના છે. કચ્છના જખૌ અને માંડવી વચ્ચે વાવાઝોડું ટકરાવાની શક્યતાના પગલે તંત્રએ અત્યારથી અહીંના ગ્રામ્ય વિસ્તારોમાંથી 9500 જેટલા લોકોનું સ્થળાંતર કરી દીધું છે. જખૌ બંદર પર સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જખૌ બંદર તરફ જતા રસ્તા પર પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. કોસ્ટગાર્ડની એક ટીમ પણ અહીં સ્ટેન્ડબાય છે.

બે દિવસ ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાની આગાહીના પગલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડનું ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 14 અને 15 જૂનના રોજ દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાન પર રાખી બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

અતિ જોખમી ઉદ્યોગોને બે દિવસ બંધ રાખવા સૂચના અપાઈ

રાજ્યમાં પ્રવર્તી રહેલા ’બિપરજોય વાવાઝોડા’ની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને સહાયરૂપ થવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ કાર્યરત કરાયો છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે હેલ્પ લાઇન નંબર ૦૭૯- ૨૩૨- ૫૮૩૮૫ પણ જાહેર કરાયો હતો. બળવંતસિંહ રાજપૂતે આ કંટ્રોલરૂમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ઉદ્યોગગૃહોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે અલાયદી રણનીતિ બનાવી કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. વેપારી એસોસિએશનને અને શ્રમ અને રોજગાર વિભાગને સાથે જોડી એક સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. અતિ જોખમી ઉદ્યોગો જેમ કે સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રોલિયમ, ચીમનીઓ ધરાવતા એકમો, બોઈલર ધરાવતા એકમો, રસાયણ, કેમિકલ કે ઝેરી તત્વો ધરાવતા ઉદ્યોગોને બે દિવસ બંધ રાખવાની સુચના પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ વાવાઝોડુ જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને કચ્છ જિલ્લામાં ઘણી માઠી અસર કરે તેવી સંભાવનાને ધ્યાને રાખી આ વિસ્તારના નાગરિકોને તથા ઉદ્યોગોને પણ શક્ય તેટલી મદદ કરી શકાય તે માટે જી.આઈ.ડી.સી.ની વડી કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આ ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર 079-23258385 રહેશે. સાથે સાથે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર 155372 જાહેર કરવામાં આવ્યો છે.

હાઈ ફ્રિકવન્સી સિગ્નલ સ્ટેશન ઊભાં કરવા મંજૂરી

સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી હાઈ ફ્રિકવન્સી સિગ્નલ સ્ટેશન ઊભાં કરવા મંજૂરી અપાઈ છે. સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લામાં આ સ્ટેશન ઊભાં કરાશે. આઈનોસફિયર (કાલ્પનિક લેયર) ઊભું કરી સંવાદ કરવા માટે આયોજન કરાશે. ઇમર્જન્સી સ્થિતિમાં કોમ્યુનિકેશન માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે. વીએચએફ કંટ્રોલ સિસ્ટમથી હાલ પોલીસ સંવાદ કરી રહી છે. એચએફ કંટ્રોલ સિસ્ટમથી સંવાદ ઊભો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તાઉતે, વાયુ, નીલોફર વાવાઝોડાં સમયે આ ફ્રિકવન્સીનો ગુજરાત સરકાર પ્રયોગ કર્યો હતો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થાની સરકાર દ્વારા મદદ લેવામાં આવી છે.

કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અમિત શાહે વાવાઝોડાને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં ફાયરબ્રિગેડનું આધુનિકીકરણ, પૂર નિયંત્રણ અને ભૂસ્ખલનની ઘટનાઓને રોકવાનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 કામદારનું રેસ્ક્યૂ કર્યું

અરબી સમુદ્રમાં ‘બિપરજોય’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે ગઈકાલે ઓખા નજીક ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર 50 કામદાર ફસાયા હોવાની ઈન્ડિયન કોસ્ટગાર્ડને માહિતી મળી હતી. જેથી કોસ્ટગાર્ડ દ્વારા ગઈકાલે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું અને ગઈકાલે જ 24 કામદારને એરલિફ્ટ કરાયા હતા. ત્યાર બાદ બાકી રહેલા 26 કામદારને એરલિફ્ટ કરવા માટે આજે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસમાં કોસ્ટગાર્ડ દ્વારા 50 કામદારને સફળ રીતે એરલિફ્ટ કરી તોફાન વચ્ચેથી ઉગારી લીધા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં

બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારના મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. વાવાઝોડાનો સૌથી વધુ ખતરો છે એવા કચ્છ અને દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના એક-એક મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરિયાને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દ્વારકામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે કચ્છમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જ્યારે દ્વારકામાં પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત છે જેઓ વાવાઝોડાની હલચલ પર સતત નજર રાખી રહ્યા છે.

મંત્રી રૂપાલાએ આશ્રયસ્થાનોની મુલાકાત લઈ લોકોના ખબરઅંતર પૂછ્યા

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલનમંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમણે સંભવિત વાવાઝોડા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરવાળામાં વિવિધ હેતુલક્ષી વાવાઝોડા આશ્રયસ્થાન તૈયાર કરાયું છે. અહીં આશરે 380 થી વધુ લોકોને આશ્રય અપાયો છે. નાનાં બાળકો માટે અહીં ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય પશુપાલનમંત્રી રૂપાલાએ દ્વારકા જિલ્લાના આશ્રયસ્થાનોની મુલાકાત લઈને સ્થળાંતરિત લોકોના ખબરઅંતર પૂછ્યા હતા. આશ્રયસ્થાનોમાં દવા, ભોજન સહિતની સુવિધાની કેન્દ્રીય મંત્રીએ જાતે ચકાસણી કરી હતી. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેઓએ ભુજ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આર્મીના ઓફિસરો જોડે પણ બેઠક કરી હતી. આ ઉપરાંત મંત્રી મનસુખ માંડવીયાએ કંડલા બંદરની મુલાકાત લીધી હતી.

શિયાળ બેટ પર દૂધ અને બટાટા મોકલાયા

અમરેલી જિલ્લાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ ગામમાં હાલ બોટ સેવા તકેદારીના ભાગરૂપે બંધ કરાય છે. ઇમર્જન્સી સેવા માત્ર ચાલુ છે. આજે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શિયાળ બેટ પર દૂધ અને બટેટાની કીટ મોકલવામાં આવી હતી. શિયાળ બેટમા ખાસ સગર્ભા મહિલાઓ માટે 288 દૂધના પાઉચ અને 5 બટેટાની બોરી મોકલાવાય ડીવાયએસપી હરેશ વોરાના સુપરવિઝનમા ખાસ બોટ રવાના કરાઈ હતી. શિયાળ બેટ ગામમાં સગર્ભા મહિલાઓ અને નાનકડા બાળકો ધરાવતી મહિલાઓ માટે ખાસ વિતરણ કરવામાં આવશે.

ખોડલધામ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા

બિપોરજોય વાવાઝોડાનો ખતરો રાજ્યના વિવિધ જિલ્લામાં મંડરાઈ રહ્યો છે ત્યારે હર હંમેશા આપત્તિ સમયે નાતજાત ભૂલીને છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવા માટે ખડેપગે રહેતું શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આ આપત્તિની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે સજ્જ છે. જે જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થવાની છે તે જિલ્લાઓમાં ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની કામગીરી શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા શરુ કરી દેવામાં આવી છે. ચેરમેન નરેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફૂડ પેકેટ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે અને 1 લાખ ફૂડ પેકેટ બને તેટલું મટીરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર જે પ્રમાણે સૂચના આપશે તે પ્રમાણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચતા કરવામાં આવશે.

પોરબંદરમાં દીવાલ ધરાશાયી થતાં એકનું મોત, 500થી વધુ લોકોનું સ્થળાંતર

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં કાચાં મકાનોમાં રહેતા 500થી વધુ લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશયી થતાં મકાનના કાટમાળમાં દટાઇ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જિલ્લામાં આ પ્રકારના કોઈ બનાવો ન બને એ માટે તંત્ર દ્વારા દરિયાકાંઠા નજીક વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. પોરબંદના અસ્માવતી રિવરફ્રન્ટ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં કાચાં મકાનોમાં રહેતા 150 જેટલા લોકોનું નજીકમાં આવેલી એમ.ડી.સાયન્સ કોલેજ ખાતે સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે.

લોકોને સુરક્ષિત બચાવવા જવાનો તહેનાત

1600 કિલોમીટરના દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત બચાવવા અલગ-અલગ જિલ્લામાં NDRF-SDRFની 29 ટીમ તહેનાત છે. ત્યારે દરિયાકાંઠે વસતા કચ્છવાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFના જવાનો એલર્ટ મોડમાં છે. 10 ટ્રક અને રેશનની કિટ સાથે જવાનો તહેનાત છે. કચ્છમાં જે બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે, એની ગંભીરતાને લઈને BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે, જેમાં 150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ સાથે તહેનાત છે. 10 દિવસ કરતાં પણ વધુ સમય સુધી ચાલે એટલું રાશન રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આર્મીના ઓફિસરો જોડે બેઠક કરી હતી. ‘બિપરજોય’ વાવાઝોડાનો સામનો કરવા આર્મીના જવાનો તૈયાર છે. પંજાબમાંથી પણ 5 NDRFની ટીમ એર લીફ્ટ કરાઈ છે. જ્યારે તામિલનાડુની 5 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે.

બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને બસના રૂટ રદ કરાયા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાના ખતરાને જોતાં બનાસકાંઠા એસટી અને રેલવે વિભાગ પણ સતર્ક બન્યાં છે. વાવાઝોડાને લઈ ટ્રેન તેમજ એસટી બસના સૌરાષ્ટ્ર તરફના તમામ રૂટ રદ કરવામાં આવ્યા છે. જામનગર, દ્વારકા, પોરબંદર તરફ જતી એસટી બસોના રૂટ રદ કરાયા છે. આ ઉપરાંત ગાંધીધામની બે ટ્રેન તેમજ લોકલ જોધપુર-સાબરમતી ટ્રેન રદ કરાઈ છે તેમજ ભારે પવનના કારણે ટ્રેનના કેટલાક રૂટોને ટૂંકાવી દેવાયા છે.

ઊંચા કોટડામાં દરિયામાંથી ડોલ્ફિન બહાર આવી

ભાવનગર જિલ્લાના મહુવાના ઊંચા કોટડાના દરિયામાંથી ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે, જેને લઈને એક માછલી દરિયામાંથી બહાર આવી ગઈ હતી. આ માછલી ડોલ્ફિન હોવાનું સામે આવ્યું હતું. દરિયા બહાર માછલી આવી જતાં ગામના લોકોએ ડબમાં પાણી ભરી એનો જીવ બચાવ્યો હતો, હાલ, દરિયા કિનારે કરંટ વધારે હોવાથી મોજાં ઊછળી રહ્યાં છે, જેને લઈ આ માછલી બહાર આવી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં શાળાઓમાં બે દિવસની રજા

વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે, તારીખ 14 અને 15 બે દિવસ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. જોકે શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જાફરાબાદના દરિયાકિનારે ફાયર જવાનોની ટીમ તહેનાત કરવામાં આવી છે. દરિયાકિનારે આ ટીમ સતત ખેડેપગે રહેશે તેમજ લોકોને મદદની જરૂર પડશે ત્યાં આ ટીમ મદદ કરશે. અમરેલી જિલ્લામાં વાવાઝોડાની શક્યતામો પગલે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

વલસાડ જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. વલસાડના રોલા અને ડુંગરી ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નેશનલ હાઇવે પર ભારે પવન સાથે વરસાદ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ એમ એની અસર હવે તમામ જગ્યાઓ પર દેખાઈ રહી છે.

બધાને હાઇજેનિક ફૂડ મળે એવી વ્યવસ્થા કરાઈઃ સીઆર પાટીલ

સીઆર પાટીલે જણાવ્યું હતું કે કાંઠા વિસ્તારના સિવાયના જિલ્લામાં પણ રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જરૂર પડશે ત્યાં આ સામગ્રી મોકલવામાં આવશે. તમામ જિલ્લામાં ભાજપના જિલ્લાપ્રમુખો, ધારાસભ્ય, સાંસદોએ તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. સરકારી તંત્રની સાથે મળીને લોકોની મદદ કરવામાં આવશે. ફૂડ પેકટની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ પેકેટમાં એક સૂકો નાસ્તો છે, જે બે દિવસ સુધી ખરાબ નહીં થાય. ફૂડ પેકેટમાં ગરમ ગરમ વસ્તુ ભરવાથી એ ખરાબ થઈ જાય છે, જેને લઈ હાઈજેનિક ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે લોકોને મોકલવામાં આવશે.

અંદાજિત બે લાખ પશુ માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 8 હજાર લોકોનું સ્થાળાંતર કરી દેવામાં આવ્યું છે. આજનો દિવસ સ્થાળાંતર માટે મહત્ત્વનો બની રહેશે. અંદાજિત બે લાખ પશુ માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારમાં લોકો સાથે પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની ઝીરો કેજ્યુલ્ટીની નીતિ હવે ના કહી શકાય, કારણ કે ગઈકાલે ભુજમાં બે મોત થઈ ચૂક્યાં છે. એટલે બને એટલું ઓછું નુકસાન થાય એવા પ્રયાસો રહેશે.

સલામત સ્થળે નાગરિકોનું સ્થળાંતર

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી કચ્છના ભુજમાં સ્ટેન્ડબાય રહેશે. આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. NDRF-SDRF આર્મી નેવી અને કોસગાર્ડના જવાનો પણ કચ્છ-ભુજમાં તહેનાત છે. ત્યારે વધુ એક NDRFની ટીમની માગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 4509 અગરિયા તથા 2221 નાગરિકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારનાં 120 ગામના કુલ 9579 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છના સર્વા લેબર કેમ્પમાં ચેકિંગ દરમિયાન સ્થળાંતર નહીં થયેલાં 102 વર્ષનાં વૃદ્ધા તેમજ તેમના 65 વર્ષીય દીકરાને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યાં છે. તો બીજી તરફ લખપત તાલુકાના ક્રિક વિસ્તારમાં ચાર બોટ ફસાઈ હતી, જેને વહીવટી તંત્રએ સવારે ચાર વાગ્યે ક્રેનની મદદથી બહાર કાઢી હતી.

નખત્રાણાના નાયબ કલેક્ટર મેહુલ કુમાર બરાસરાના અધ્યક્ષ સ્થાને બિપરજોય વાવઝોડા સામે સતર્ક રહેવા અંગેની બેઠક યોજાઇ હતી, જેમાં તમામ વહીવટી તંત્રના તમામ વિભાગને એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી. જ્યારે લોકોને અફવા તેમજ ખોટા જૂના વાઇરલ થતા વીડિયો શેર ના કરવા તથા ભયનું વાતાવરણ ઊભું ના કરવા અનુરોધ કર્યો હતો, સાથે જ તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી.

NDRFની વધુ 5 ટીમ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાઈ

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠે બચાવ કામગીરી માટે વધુ ને વધુ ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. વડોદરાના જરોદ સ્થિત NDRFની બટાલિટન 6ની 2 ટીમને આજે વડોદરાથી રાજકોટ મોકલવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી 3 ટીમને મોકલવામાં આવી છે, જે પૈકી 1 ટીમને દેવભૂમિ દ્વારકા, 1 ટીમને ગાંધીધામ અને 1 ભુજ રવાના કરવામાં આવી છે.

જામનગરના દરિયાકાંઠાનાં ગામોની 73 પ્રસૂતાને સ્થળાંતરિત કરાઈ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે દરિયાકાંઠા નજીકના જોખમી અને ભયજનક વિસ્તારોમાંથી 73 પ્રસૂતાને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવી હતી. આ 73 પૈકીના 9 સગર્ભાની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ કરાવી સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવ્યું હતું. દ્વારકાના ઓખામાં કોસ્ટ ગાર્ડ દ્વારા ઓઇલ જેટી પર કામ કરતા 50 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તો બીજી તરફ ઓખામાં પ્રથમ વખત 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જામનગર 78 વિધાનસભાનાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા 10,000થી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટનું વિતરણ કરાશે.

હોસ્પિટલ તંત્ર સજ્જ, રાજકોટની સિવિલમાં ડોક્ટરોની રજાઓ રદ

‘બિપરજોય’ નામનું વાવાઝોડું પૂરઝડપે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર પણ સજ્જ બની ગયું છે. ખાસ કરીને દર્દીઓની સારવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય એ માટે રાજકોટની સિવિલને એલર્ટમોડ પર મૂકવામાં આવી છે. સિવિલ અધીક્ષક ત્રિવેદી દ્વારા વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ તબીબોની રજા રદ કરી નાખવામાં આવી છે. તો ઈમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે 30 બેડનો વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, દવાઓનો પૂરતો સ્ટોક કરી જનરેટર પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.

15 જૂનની સાંજે વાવાઝોડું જખૌ પાસેથી પસાર થશે

‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 340 કિમી દૂર છે. આગામી તારીખ 15 જૂનની સાંજના જખૌ પાસેથી વાવાઝોડું પસાર થાય એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. વાવઝોડાની શક્યતાને પગલે કચ્છનું વહીવટી તંત્ર ખડેપગે છે. ભુજમાં પણ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થતાં માર્ગો ભીના થયા હતા. જ્યારે દયાપર સહિત લખપત તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છ જિલ્લાની મુલાકાત લેવાના છે.

વન વિભાગનો સ્ટાફ એલર્ટ મોડમાં

સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને લઇ વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. 21 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગની નજર છે. પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ શરૂ છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.

બિપરજોયનું અત્યંત ગંભીરરૂપ

25 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારે જૂનમાં ચક્રવાતનું સંકટ આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ બિપરજોય ગંભીર અથવા ઉચ્ચ શ્રેણીનું માત્ર પાંચમું ચક્રવાત છે. ડેટા સૂચવે છે કે 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત છે.

આઇએમડી મુજબ,1891થી ગંભીર કેટેગરીના માત્ર પાંચ ચક્રવાત (પવનની ગતિ 89 – 117 કિલોમીટર /કલાક) જૂનમાં ગુજરાતમાં લેન્ડફોલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 1900 પછીના છે. આ ગંભીર અથવા વધુ તીવ્રતાવાળા ચક્રવાત 1920, 1961, 1964, 1996 અને 1998 દરમિયાન આવ્યાં હતા. આઇએમડીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 132 વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલા 16 ડિપ્રેશન અને ચક્રવાતો ગુજરાતમાં પહોંચ્યા છે.

આઇએમડીના જણાવ્યાં અનુસાર ડિપ્રેશન જૂનમાં ગંભીર ચક્રવાત અથવા તેનાથી વધુ તીવ્ર બનવાની સંભાવના લગભગ 35 ટકા છે. તે પણ સમગ્ર દેશમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રને એકસાથે મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, અગાઉ માત્ર બે જ ચક્રવાતો આવ્યા હતા – 1977 અને 1998માં. જે અત્યંત ગંભીર શ્રેણીમાં તીવ્ર બન્યા હતા અને બિપરજોય આ યાદીમાં સામેલ છે.

નવસારીમાં 16 ગામોને એલર્ટ કરાયા

નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયાઈ પટ્ટી પર આવેલા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે સાથે સહેલાણીઓ પણ દરિયા કાંઠે ન આવી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દરિયાઈ પટ્ટી પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કાંઠા વિસ્તારની મુલાકાત લઈને વિવિધ અધિકારી તેમજ સંગઠનને સૂચનાઓ આપી હતી. અસરગ્રસ્ત થઈ શકે એવા ગામોને સતત તંત્ર સંપર્ક કરીને સાવચેત રેહવાની અપીલ કરી રહ્યું છે. નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં સંભવીત બીપરજોય વાવાઝોડાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં સરકારી મશીનરી કામ કરી રહી છે તેની ચકાસણી કરી હતી તેમજ ભાજપ સંગઠનના કાર્યકરો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોની મદદ કરે તે માટે આહવાહન કર્યું હતું.

ભુજમાં ભારે પવનના કારણે દીવાલ પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત

ગત સાંજે ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં વંટોળિયા ના કારણે પસાર થતાં બે પિતરાઈ ભાઈ બહેનના ઈંટોની દીવાલ તળે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા હતા. હતભાગી ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભાર દસ ફૂટ દૂર રહેલા ઘર તરફ જતા હતા ત્યારે ખાલી પ્લોટની બાઉન્ડ્રી વોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પવન સાથે વંટોળિયો સર્જાતાં દીવાલ પાસે ઊભા રહી ગયા હતા તે જ વેળાએ દીવાલ ધરાશાઈ થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોષનબેન કુંભાર ઈંટની દીવાલ તળે દબાઈ ગયા હતા , જેમને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને બાળકોનાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યા હતા જ્યારે મહિલાને ઇજા પહોંચતા હાલ સારવાર હેઠળ દાખલ છે. આકસ્મિક બનાવથી વિસ્તારમાં ગમગીની પ્રસરી જવા પામી હતી એવું લખુરાઇ વિસ્તાર ના પ્રમુખ ઈશા જૂમાં કુંભારે જણાવ્યું હતું.

માંગરોળમાં મકાન ધરાશાયી થતા બાળકી સહિત ત્રણ ઘાયલ
‘બિપરજોય’ વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠામાં પવનની ગતિમાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે પણ માંગરોળમાં ભારે પવન અને વરસાદના કારણે એક મકાન ધરાશાયી થતા એક બાળકી સહિત ત્રણ લોકો દટાયા હતા. સ્થાનિકો દ્વારા ત્રણેયને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સૂમસામ બન્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. બીજી તરફ દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. કચ્છમાં વાવાઝોડાની આગાહીના પગલે પોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે પોર્ટ પર માલ ભરવા અને ઉતારવા માટે આવેલા ટ્રકચાલકો ફસાયા છે. હાલ ગાંધીધામમાં મોટી સંખ્યામાં ટ્રકોનાં પૈડાં થંભી ગયાં છે.

સલામતીને ધ્યાને રાખી પોર્ટ બંધ કરવાનો નિર્ણય

દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સૂમસામ બન્યું છે. કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તમામ એક્ટિવિટી બંધ કરી કાર્ગો હેન્ડલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. શિપની મૂવમેન્ટ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જહાજ બધાં ખાલી કરી દેવાયાં છે. અંદાજે કંડલા પોર્ટ પરથી રોજ 30થી વધુ શિપની અવરજવર થતી, જે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે આ તરફ અમરેલીના પીપાવાવ પોર્ટમાં પણ સલામતીને ધ્યાનમાં રાખી પોર્ટ બંધ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સેફટી પ્રિકોશનના કારણે જેટી પણ બાંધી દેવા તેમજ પૂરતા સ્ટાફને સલામત રીતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

જામનગરમાં ત્રણ દિવસ શાળા-કોલેજમાં રજા

વાવાઝોડાને કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર શહેર જિલ્લામાં આગામી તારીખ 13,14, 15 એમ ત્રણ દિવસ સુધી તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. વાવાઝોડાની શક્યતાને પગલે જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં હળવો વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

તિથલ બીચને ખાલી કરાયો

વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે. ત્યારે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને હાલ ખાલી કરાવાયો છે. જિલ્લા પોલીસવડાએ આજે તિથલ બીચ પર કરેલા નિરીક્ષણ બાદ ગ્રામજનોને પોતાની લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે આદેશ કરતાં જ ગામ લોકો તિથલ કિનારા પર આવી બીચ પર બાંધેલા પોતાના સ્ટોલ તેમજ લારીઓ હટાવ્યાં હતાં.

કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ

સંભવિત વાવાઝોડાંને લઈ કચ્છના કોટેશ્વર- નારાયણ સરોવર મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોની સલામતી માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તા.13 થી 15 સુધી મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયાઈ વિસ્તાર નજીક હોય નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કચ્છનું સ્મૃતિવન ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. આગામી તારીખ 13 જૂનથી 15 જૂન સુધી સ્મૃતિવન બંધ રાખવામાં આવ્યું છે.

પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો

પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. દરિયાકિનારે આવેલી રેતીનો કાચો પાળો તૂટ્યો હતો. વધુ પવન સાથે દરિયાઇ મોજાં આવે તો ગામને ખતરો છે તેમજ ગામમાં દરિયાનું પાણી ઘૂસી શકે છે. દરિયામાં હાલપૂરતો પવન ઓછો થયો છે. વાવઝોડું હાલ પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે.

પોરબંદરની શાળામાં ત્રણ દિવસની રજા જાહેર

પોરબંદર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાવાઝોડાંની આગાહી સંદર્ભે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ તકેદારી અને જાનહાની ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 13,14 અને 15 જૂનના રોજ શાળાઓમાં રજા જાહેર કરાય છે, પરંતુ શાળાના શિક્ષકો આચાર્ય એ શાળામાં ફરજ બજાવવાની રહેશે.

સોલાર પેનલને લઈ લોકોમાં ચિંતા

કચ્છના શહેરી વિસ્તારોમાં ઘરોમાં લાગેલી સોલાર પેનલને લઈ લોકોમાં ચિંતા સતાવી રહી છે. ભગવાન ભરોસે પેનલ યથાવત્ રાખવા લોકો હાલ મજબૂર બન્યા છે. સોલાર પેનલ ઉતારવા લોકો માંગ્યા ભાવ આપવા તૈયાર છે, પરંતુ કારીગરોના અભાવથી વપરાશકર્તાઓ ચિંતામાં મુકાયા છે. એક કારીગર પાસે અત્યારે 6 થી 7 ઓર્ડર છે. જે મોડી રાત સુધી કામગીરી ચલાવી રહ્યા છે.

16 જૂન સુધી યાત્રાળુઓ દ્વારકાનો પ્રવાસ ન કરેઃ હર્ષ સંઘવી

દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા અપીલ કરી હતી. તેમજ તેઓએ જણાવ્યું કે, હાલ દરિયા કિનારાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલાં 38 ગામડાઓ અને દરિયા કિનારાથી 10 કિલોમીટરના અંતરે આવેલાં 44 ગામડાઓમાં રૂબરૂ જઇ રાત સુધીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયા કિનારે ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભાવનગરના દરિયા પર 5 થી 6 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. વાવાઝોડાની અસરથી 30 થી 35ની ગતિથી પવન ફુકાવાની શરૂઆત થઈ ચૂકી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગરના દરિયાકાંઠે આવેલાં ઘોઘા અને કોળિયાક ગામોમાં સરકારી શાળાઓમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવાઈ
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. SDRFની એક અને NDRFની એક ટીમ નલિયા ખાતે તહેનાત કરાઈ છે, જ્યારે NDRFની એક ટીમ માંડવી ખાતે તહેનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.

કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ
નલિયાના પિંગ્લેશ્વર દરિયાકિનારે સમુદ્રી પાણી મર્યાદા ઓળંગી બહાર ધકેલાયું હતું. નલિયા મરીન કમાન્ડો ટાસ્કફોર્સ આસપાસના કાંઠાળપટ્ટીના લોકોની મદદ માટે સાધનસામગ્રી સાથે સજ્જ બની છે. નલિયાના જખૌ બંદર પર SDRFની ટીમે સમીક્ષા કરી હતી તેમજ નલિયા ખાતે લાગેલાં મોટા ભાગનાં બોર્ડ દૂર કરાયાં છે. કચ્છના મુન્દ્રા, કંડલા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ કચ્છના કાંઠાળ વિસ્તારમાં 40થી 50ની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

જામનગરના દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ

જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદી ચક્રવાત, હાઈટાઈડ ભરતીના મોજાથી જાન- માલને નુકસાન થતું અટકાવવા, આગમચેતીના પગલાંરૂપે જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓએ અવર- જવર કરવા પર અને ત્યાં પશુઓને લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 16 જૂનના સવારના 06:00 કલાક સુધી આ હુકમ અમલમાં રહેશે. વાવાઝોડાંના સંભવિત ખતરાને પગલે આજે જામનગરમાં NDRFની એક ટીમ આવી પહોંચી છે. ત્યારે હજુ વધુ એક એનડીઆરએફની ટીમ જામનગર આવશે તેમજ SDRFની બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાંને પગલે જામનગરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે અતિભયાનક વાવાઝોડાંની ચેતવણી આપે છે. તો બીજી તરફ પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તૈયારીઓ તેમજ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. જિલ્લામાં જાન માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ મોરચે વ્યાપક પગલાઓ લેવાઈ રહ્યા છે. સાવચેતી અને સલામતીના ભાગરૂપે તાલુકાવાર લાયઝન ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.

પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ

પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી નજીક દરિયામાં ઉંચા મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

વિવિધ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મૂળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ જિલ્લામાં પુરુષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાંને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ મંત્રીને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવા આદેશ આપ્યો હતો. જેને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને કનુ દેસાઇ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા હાઇલેવલ બેઠક કરવામાં આવી છે.

માંગરોળના દરિયાકાંઠે પથ્થરો ઉછળીને બહાર આવ્યા
સંભવિત વાવાઝોડા પહેલા રવિવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા દેખાયા હતા. દરિયામાં તોફાની મોજાના કારણે કાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા. કિનારા પર માછીમારોના દંગાઓમાં પાણી ફરી વળ્યા હતા. માંગરોળના શેરીયાજ બારા ગામમાં પણ દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયાકાંઠે રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જો કે, આ રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.

ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125 થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

દ્વારકાની શાળાઓમાં બે દિવસની રજા જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાંના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાંની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને સોમવાર તારીખ 12 તથા મંગળવાર તારીખ 13 સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવાનું જણાવાયું છે. દ્વારકાની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ છે.


Spread the love

Related posts

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની જીભ બહાર રહેલો ફોટો ખૂબ જ પ્રખ્યાત છે, તેની પાછળની શું છે સ્ટોરી?

Team News Updates

3.4 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો લખપતના દયાપરમાં, 25 કિમી દૂર પાકિસ્તાનમાં નોંધાયું કેન્દ્રબિંદુ લખપતથી 

Team News Updates

ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર:ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર, વિનોદ ખીમસુરીયા બન્યા જામનગરના નવા મેયર

Team News Updates