સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને સોમવારે X તરીકે રિબ્રાન્ડ કરવામાં આવ્યું છે. તેના વેબ વર્ઝન પર લોગો પહેલાથી જ બદલાઈ ગયો હતો, હવે કંપનીએ તેની એન્ડ્રોઈડ એપને નવા લોગો અને નામ સાથે અપડેટ કરી છે. જો કે, કંપનીએ હજુ સુધી જાહેર કર્યું નથી કે, તે તેની iOS એપ્લિકેશન ક્યારે અપડેટ કરશે. અત્યાર સુધી બ્લૂ ચકલી જ ટ્વિટરની ઓળખ હતી.
ત્રણ દિવસમાં બીજી વખત લોગો બદલાયો
24 જુલાઈએ લોગોને Xમાં બદલ્યા પછી ઇલોન મસ્કે 26 જુલાઈએ મોડી રાતે લોગોની ડિઝાઇનમાં નાનો ફેરફાર કર્યો હતો. મસ્કએ X લોગોને વધુ બોલ્ડ અને શાર્પ બનાવ્યો છે. મસ્કએ કહ્યું હતું કે, લોગોમાં સમય સાથે ફેરફાર થશે. તે જ સમયે, મસ્કે ટ્વિટરને ‘X’ નામ આપવા પર કહ્યું છે, ટ્વિટર આવનારા મહિનાઓમાં તમામ પ્રકારની નાણાકીય સેવાઓ પ્રદાન કરશે. આ સ્થિતિમાં ટ્વિટર નામનો કોઈ અર્થ નથી.
મસ્કે એમ પણ કહ્યું કે જ્યાં સુધી પ્લેટફોર્મ પર માત્ર 140 અક્ષરો જ પોસ્ટ કરી શકાય ત્યાં સુધી Twitter નામ સારું હતું. પરંતુ હવે તમે લગભગ કંઈપણ પોસ્ટ કરી શકો છો. તેમાં કેટલાક કલાકોના વીડિયોનો પણ સમાવેશ થાય છે. મસ્કએ તાજેતરમાં પોસ્ટની અક્ષર મર્યાદા વધારીને 25,000 કરી છે. બીજી તરફ, ઈલોન મસ્કે ટ્વિટરના ઓફિશિયલ હેન્ડલ @twitterને બદલીને @x કરી દીધું છે.
આ માત્ર પરિવર્તનની શરૂઆત છે
‘X’ના CEO લિન્ડા યાકારિનોના જણાવ્યા અનુસાર, AI સંચાલિત ‘X’ આપણને એવી રીતે જોડશે જે આપણે કલ્પના કરવાનું શરૂ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું, અમે છેલ્લા 8 મહિનામાં અમારા ઝડપી ફીચર લોન્ચ દ્વારા Xને આકાર લેતા જોવાનું શરૂ કર્યું છે, પરંતુ આ માત્ર શરૂઆત છે. મસ્કે ઓક્ટોબર 2022માં ટ્વિટર ખરીદ્યું હતું.
1999થી લેટર X સાથે મસ્કનો સીધો સંબંધ
X અક્ષર સાથે ઇલોન મસ્કનું જોડાણ 1999નું છે. ત્યારબાદ તેમણે X.com નામની ઓનલાઈન બેંકિંગ કંપની બનાવી હતી. તે પછીથી પેપાલ બનવા માટે બીજી કંપની સાથે મર્જ થઈ હતી. 2017માં મસ્કે પેપાલ પાસેથી URL “X.com” પુનઃખરીદ્યું.
તેમણે કહ્યું છે કે ડોમેન તેમના માટે “મહાન ભાવનાત્મક મૂલ્ય” ધરાવે છે. X તેમની બીજી કંપની spacex માં પણ દેખાય છે. તેમની નવી AI કંપનીનું નામ પણ XAI છે. 2020માં મસ્કે તેમના એક પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું. Æ નો ઉચ્ચાર “એશ” થાય છે.
Twitter CEO બન્યા પછી મસ્કના 4 મોટા નિર્ણયો:
ઇલોન મસ્કે ગયા વર્ષે 27 ઓક્ટોબર, 2022ના રોજ 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી મસ્ક ઘણા મોટા નિર્ણયોને લઈને ચર્ચામાં રહ્યા.
1. અડધાથી વધુ કર્મચારીઓને દૂર કર્યા
ટ્વિટર ખરીદ્યા પછી મસ્કે સૌથી પહેલા કંપનીના ચાર ટોચના અધિકારીઓને બરતરફ કર્યા. તેમાં સીઈઓ પરાગ અગ્રવાલ, ફાઈનાન્સ ચીફ નેડ સેગલ, લીગલ એક્ઝિક્યુટિવ વિજયા ગડ્ડે અને સીન એજેટનો સમાવેશ થાય છે. જ્યારે મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળ્યો ત્યારે તેની પાસે લગભગ 7500 કર્મચારીઓ હતા, પરંતુ હવે માત્ર 2500 જ બાકી છે.
2. ઘણા બ્લોક એકાઉન્ટને અનબ્લોક કર્યા
નવેમ્બર 2022માં મસ્કે ભૂતપૂર્વ યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા બ્લોક એકાઉન્ટ્સ અનબ્લોક કર્યા. તેમણે ટ્રમ્પની વાપસી અંગે ટ્વિટર પર એક પોલ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ખાતું રિકવર કરવું જોઈએ. હા કે ના 15 મિલિયનથી વધુ યુઝર્સે પોલમાં ભાગ લીધો અને 52% લોકોએ ‘હા’માં જવાબ આપ્યો.
3. બ્લૂ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી
ઈલોન મસ્કે વિશ્વભરમાં બ્લૂ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. ભારતમાં વેબ યુઝર્સ માટે બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત રૂ. 650 છે. અને તેનું વાર્ષિક સબસ્ક્રિપ્શન 6,800 રૂપિયા છે. મોબાઈલ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ 900 રૂપિયા પ્રતિ માસ છે.
4. અક્ષર મર્યાદા વધી, વાંચન પછી મર્યાદા
મસ્કએ પોસ્ટની અક્ષર મર્યાદા 280 થી વધારીને 25,000 કરી છે. પોસ્ટ વાચનમર્યાદા પણ લાગુ કરવામાં આવી છે. વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર દસ હજાર પોસ્ટ જ વાંચી શકે છે. અનવેરિફાઇડ યુઝર્સ એક હજાર પોસ્ટ વાંચી શકે છે, જ્યારે નવા અનવેરિફાઇડ યુઝર્સ દરરોજ માત્ર 500 પોસ્ટ જ વાંચી શકે છે.