આજે દેશભરમાં રામનવમીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર ધર્મસભા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નાણાવટી ચોક ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રૈયા ચોકડી ખાતે ભાજપનાં લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક ભાજપનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જય શ્રીરામનાં નારા લગાવ્યા હતા.
રાજકોટની રૈયા ચોકડી ખાતે ભાજપનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જય શ્રીરામનાં નારા સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રૂપાલાએ ભગવાન રામની પ્રતિમાને તિલક અને ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. આ તકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને સાંસદ મોહન કુંડારીયા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. શોભાયાત્રામાં વાનરસેના સહિતના વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઠેર-ઠેર જય શ્રીરામનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
આ તકે ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ આજે દેશમાં પ્રથમ રામનવમી ઉજવવામાં આવી રહી છે. જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમારા લોકપ્રિય ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સહિતના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ફુલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું છે.
રાજકોટનાં સાંસદ મોહન કુંડારીયાનાં જણાવ્યા મુજબ આજે દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ આજે પ્રથમ રામનવમી હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પરશોત્તમ રૂપાલાની આગેવાનીમાં ભાજપ નેતાઓ અને કાર્યકરો દ્વારા જય શ્રીરામનાં નારા સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આ ભવ્ય શોભાયાત્રા પહેલા શહેરના નાણાવટી ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તો શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરશે અને ઠેર-ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.