હોંગકોંગે MDH પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રાની હાજરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉત્પાદનોમાં આ જંતુનાશકની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે. હોંગકોંગ પહેલા સિંગાપોરના સત્તાવાળાઓએ પણ એવરેસ્ટના ફિશ કરી મસાલાને આ જ કારણસર બજારમાંથી પરત મંગાવવાનો આદેશ જાહેર કર્યો હતો.
હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાનું જણાયું હતું. રૂટીન સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ આ જંતુનાશક મળી આવ્યું છે.
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ ઇથિલિન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કર્યું છે. ખાદ્ય નિયમો અનુસાર, જંતુનાશકો ધરાવતો ખોરાક માનવ વપરાશ માટે ત્યારે જ વેચી શકાય છે જો ખોરાક જોખમી અથવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય.
વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે CFS એ વિક્રેતાઓને અનિયમિતતાઓ વિશે જાણ કરી છે અને તેમને વેચાણ બંધ કરવા અને આ ઉત્પાદનોને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. CFSની સૂચના મુજબ, વિતરકો અને આયાતકારોએ અસરગ્રસ્ત ઉત્પાદનોને પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે.