કોઈપણ સંકટ સમય હોય ત્યારે માણસે સામા પાણીએ જતા કોઈ જોખમ ના ખેડવું જોઈએ આવી જ એક ઘટના બાયડના અલાણા ગામે બનવા પામી છે.
હાલ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થવા પામી છે. વાત્રક નદીમાં પણ ભારે પાણીની આવક થઈ છે. જેના કારણે નદી નાળા કોઝવે છલકાયા છે. ત્યારે બાયડના અલાણા પાસે વાત્રક નદીના કોઝવે પર પુરની સ્થિતિ હતી. એવામાં એક નશામાં ધૂત યુવક પાણીના સામા પ્રવાહે આવતા તણાવા લાગ્યો હતો.
જો કે બાજુના એક ગામમાં એક યુવક પાણીમાં ડૂબ્યો હોવાથી એનડીઆરએફ અને મોડાસા ફાયરની ટિમ પણ ત્યાં ઉપસ્થિત હતી. જેથી પાણીના પ્રવાહમાં જેવો યુવક તાણાયો કે તરત જ રેસ્ક્યૂ ટિમ સાધનથી સજ્જ થઈ પાણીમાં ડૂબતા યુવકને બચાવ્યો હતો. આમ બીજા ગામના ડૂબેલા યુવકને શોધવા આવેલી ટિમ અલાણાના ડૂબેલા યુવાનના કામમાં આવી અને યુવક બચી જવા પામ્યો હતો.