News Updates
INTERNATIONALNATIONAL

ગુજરાત છોડીને કેનેડા ગયા હવે બન્યા સેવક/કેનેડામાં મુશ્કેલી આવે તો ‘લતાબહેનને મળી લ્યો..’

Spread the love

19 વર્ષની ઉંમરે દેશ છોડ્યો, ઉછીના પૈસા લઈને ઘર ચલાવ્યું, ગુજરાતની દીકરી કેવી રીતે સફળ બિઝનેસ વુમન બની?

કેનેડામાં હોવ અને કોઈ ભારતીયને મુશ્કેલી પડે એટલે ઘણા લોકોના મનમાં એક ગુજરાતી મહિલાનું નામ આવે. આ નામ એટલે લતા મોતીભાઈ ચાંપશી. જેમણે વિદેશીની ધરતી પર રહીને કરોડો રૂપિયાની કમાણી તો કરી, પરંતુ દાન આપવામાં પણ ક્યારેય પાછું વળીને જોયું નથી. ઘણા એવા કિસ્સા છે કે કોઈ એક ફોન આવે, કોઈની સાથે નાનીઅમથી મુલાકાત થઈ હોય અને લાગે કે આ સંસ્થા કે વ્યક્તિને આર્થિક રીતે મુશ્કેલી છે, તો લાખો ડોલરનો ચેક પહોંચી જ જાય. ત્યારે આજે વાત લતા ચાંપશીના જીવન સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોની.

20 વર્ષની ઉંમરે દેશ છોડનારી મહિલાને આવી સિદ્ધિ કેવી રીતે મળી? 54 વર્ષ પહેલાં કેનેડાની ધરતી પર પગ મૂક્યો ત્યારે ત્યાં ગુજરાતીઓની સ્થિતિ કેવી હતી? કેવા પ્રકારના બિઝનેસથી આવી ઝળહળતી સફળતા મળી? કયા આધારે તેઓ લોકોને લાખો-કરોડો રૂપિયાની મદદ એક ઝાટકે કરી દે છે? લતા ચાંપશીનું ગુજરાત કનેક્શન શું છે? આ તમામ મુદ્દે દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાતચીત કરી હતી.

લતાબેનનું ગુજરાત કનેક્શન
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં લતા ચાંપશીએ જણાવ્યું હતું કે ‘હું કચ્છમાં આવેલા રતાડિયા ગામની છું. જોકે મારો જન્મ કોલકાતામાં થયો હતો. રતાડિયા ગામમાં મારાં દાદીમા રહેતાં હતાં, પરંતુ પિતાના વેપાર-ધંધાને કારણે અમારે કોલકાતામાં જ રહેવાનું થતું હતું. અમે ઉનાળુ વેકેશનમાં કચ્છ જતાં હતાં. બાજુના ગામમાં નાની રહેતાં. લગ્ન બાદ સાસુ પણ કચ્છમાં જ રહેતાં હતાં, એટલે કચ્છના ઘણા વિસ્તારોમાં હું રહી ચૂકી છું.’

ગુજરાતથી લગભગ અઢી હજાર કિલોમીટર દૂર રહેવા છતાં લતાબેને શરૂઆતનું શિક્ષણ કોલકાતાની ગુજરાતી શાળામાં લીધું હતું, પરંતુ ગ્રેજ્યુએશનનાં છેલ્લા વર્ષમાં હતા ત્યારે એક સામાન્ય વેપારીની દીકરીના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું.

લતા ચાંપશીએ તેના લગ્નજીવન અંગેનો એક રસપ્રદ કિસ્સો દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવતાં જણાવ્યું હતું કે ‘મારા અરેન્જ મેરેજ છે. મારા પતિ મોતીભાઈ ચાંપશી લગ્ન પહેલાં મ્યાનમારમાં રહેતા હતા અને ત્યાર બાદ વર્ષ 1965થી કેનેડામાં રહેવા લાગ્યા હતા. સંભવિત રીતે મારા પતિ એ સમયે કેનેડામાં સ્થાયી થયેલા પહેલા જૈન હતા. વર્ષ 1969માં મારા પતિ અને તેમનાં માતા-પિતા કોઈકના થકી લગ્ન બાબતે અમારા ઘરે આવ્યાં હતા. અમારે બન્નેની વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જ મને ક્યાંકથી જાણ થઈ કે કોલેજમાં ગોઠવેલા કાર્યક્રમમાં કોઈ ગરબડ થઈ છે. એટલે મોતીને કહ્યું કે સોરી મારે જવું પડશે, એમ કહીને નીકળી ગઈ. એ લોકો તો જતા રહ્યા, પરંતુ અડધો કલાકની મિટિંગના થોડા દિવસો પછી કાગળ આવ્યો, જેમાં લગ્ન બાબતે હકારમાં જવાબ લખ્યો હતો. એ રીતે વર્ષ 1969માં હું લગ્ન કરીને કેનેડા આવી ગઈ.’

કેનેડા આવ્યા બાદ કેવા પડકારોનો સામનો થયો?
લતાબેનના મતે કેનેડામાં આવ્યા બાદ પણ જીવન સરળ ન હતું, વિદેશની ધરતી પર એક નવા જ પ્રકારના પડકારોનો સામનો થયો. તેમણે કહ્યું, ‘અમે જ્યારે કેનેડા ગયાં એ સમયગાળામાં તો ત્યાં ભારતીયો સાવ ઓછા હતા. એમાં પણ ગુજરાતીઓ તો આખા કેનેડામાં કદાચ 25 જ હશે. ત્યાં જઈને આખો દિવસ શું કરવું એ ખબર ન પડે, પણ મોતી સાથે તેમના એક મિત્ર પણ કેનેડા ગયા હતા. તેઓ પણ પરિણીત હતા, એટલે અમે 4 લોકો મળીએ. તે ભાઈનાં પત્નીએ મને શિખવાડ્યું રસોઈ કેવી રીતે બનાવવી, ગ્રોસરી કેવી રીતે ખરીદવી. એ જમાનામાં કેનેડામાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર પણ નહોતા. અમે મેંદો અને થૂલો ભેગો કરીને રોટલીઓ કરતા. એ વખતે સંઘર્ષ ઘણો હતો. લગ્ન પહેલાં મારા પતિ મોતી મ્યાનમારમાં હતા. ત્યાં સત્તાપરિવર્તન થતાં તેમનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાં હતાં. એટલે રૂપિયા પણ નહોતા. એક સમય એવો આવ્યો કે મોતીને ઘર ચલાવવા માટે બધા પાસેથી રૂપિયા ઉછીના લેવા પડતા હતા. આવું ઘણા સમય સુધી ચાલ્યું.’ પરંતુ આવી આર્થિક પરિસ્થિતિ પછી કંઈક એવું થયું કે લતાબેને પોતાની સફળતાનો ઝંડો ગાઢી દીધો. આજે પણ કેનેડામાં તેમની ગણના એક સફળ ભારતીય બિઝનેસ વુમન તરીકે થાય છે.

લતાબેને એક પ્રસંગને યાદ કરતાં કહ્યું, ‘મારા પતિએ મને એક વખત પૂછ્યું કે તું કામ કરીશ? મેં કહ્યું હા, કેમ નહીં. બીજે દિવસે ટેમ્પરરી એજન્સીમાં લઈ ગયા. ત્યાં ઈન્ટરવ્યૂ થયો. એજન્સીમાંથી 2-3 જગ્યાએ નોકરી મળી. પછી કેનેડા લાઈફ નામની ઈન્શ્યોરન્સ કંપનીમાં ફાઈલિંગ ક્લાર્ક તરીકે ટેમ્પરરી જોબ માટે ગઈ. ત્યાં 3 મહિના બાદ તેમણે મને કાયમી નોકરી આપી દીધી. પછી મેડિકલ ક્લેઇમ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં હતી. ત્યાં અમે 70થી 80 છોકરીઓ કામ કરતી. ક્લાસરૂમમાં હોઈએ એમ ડેસ્ક પર બેસીને કામ કરતાં. બાકીની છોકરીઓ રોજના 150-200 ક્લેઇમ પ્રોસેસ કરતી, જ્યારે હું 400 -450 ક્લેઇમ પ્રોસેસ કરતી, કારણ કે હું આખી સિસ્ટમ સમજી ગઈ હતી. ત્યાં 3 વર્ષ કામ કર્યું.’

જ્યારે પતિએ કહ્યું, હું નોકરી કરવા નથી માગતો
લતાબેન અને મોતાભાઈના જીવનમાં સૌથી મોટું બીજું પરિવર્તન વર્ષ 1972માં આવ્યું. લતાબેને જણાવ્યું, ‘એ સમયે મોતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા, પરંતુ તેમણે કહ્યું હતું, મારે તો એકાઉન્ટિંગ કરવું જ નથી. મારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરવું છે. એ જમાનામાં બધાને થયું કે આ ગાંડો થઈ ગયો છે, કેમ કે સારોએવો પગાર મૂકી દીધો હતો. રિયલ એસ્ટેટ એ વખતે સારો ઓપ્શન નહોતો, પણ તેમણે સ્ટાર્ટ કર્યું. પછી મને કહ્યું, તું પણ જોબ છોડી દે. મારી સાથે કામ કર. હું જોબ છોડીને મારા પતિને કામકાજમાં મદદ કરવા માંડી. હું બેકગ્રાઉન્ડમાં કામ કરતી. ટોરન્ટો રિયલ એસ્ટેટ બોર્ડમાં જેટલાં ઘર વેચવા લિસ્ટિંગ થયાં હોય એમના ફોટાની પાછળ બધી જ વિગતો અમે લાવતા. ટેક્સથી લઈને ઘરના રૂમ સુધી. એ વિગતો રોજેરોજ છાપાંની જેમ એજન્ટની ઓફિસે આવે. એજન્ટો એને જોઈને ઘર વેચે. એ બધું કામ હું કરતી. અમે સેલ્સ એજન્ટ હતા. મોતી ટોરન્ટોમાં પહેલા ભારતીય રિયલ્ટર હતા. અત્યારે તો 10-15 હજાર રિયલ્ટર હશે.’

ઝેરોક્સ કરાવવા આવેલી એક મહિલા સાથે મુલાકાત થઈ અને એક નવો અધ્યાય શરૂ થયો
અમારો બિઝનેસ વ્યવસ્થિત રીતે ચાલતો હતો. વર્ષ 1978માં મારી મુલાકાત ઝેરોક્સ કરાવવા આવેલી એક મહિલા સાથે થઈ, તેઓ “એસોસિયેશન ઓફ વુમન ઇન્ડિયા ઇન કેનેડા” એટલે કે એવિકનાં પ્રેસિડેન્ટ હતાં. તેમણે એવિકમાં જોઇન્ટ સેક્રેટરી બનવાની ઓફર કરી. મને એ સમયે એવિક શું છે,એની ખબર ન હતી. તેમનું ધ્યેય હતું કે ઇન્ડિયાથી મહિલાઓ આવે તેમને કેનેડિયન લાઈફ સ્ટાઈલ શીખવાડે. મને એક વસ્તુ ગમી કે મારે એ બહાને ઘણી મહિલાઓ સાથે ઓળખાણ થતી. એવિકમાં જોડાયા બાદ હું વાઇસ-પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ બની. એ પછી મેં પહેલી સિનિયર સિટિઝન ક્લબ શરૂ કરી. કેનેડામાં લોકોનાં માતા-પિતા આવે તો કોઈને ઓળખે નહીં એટલે એકલા ઘરમાં બેસી રહે. હું તેમને બધાને ભેગા કરી એક્ટિવિટી કરાવતી. ત્યારે સરકારે મને આઉટ સ્ટેન્ડિંગ અવોર્ડ ઇન વૉલન્ટરી સર્વિસનો એવોર્ડ આપ્યો. સિનિયર ક્લબમાં હું 12 વર્ષ સુધી રહી.’

કેનેડામાં મંદિર બનાવવા માટે કેવી રીતે કામ કર્યું?
આ વાત આમ તો 54 વર્ષ પહેલાંની છે, એ સમયે વિદેશમાં જઈને સ્થાયી થવાનો ક્રેઝ એટલો ન હતો જેટલો અત્યારે છે. આ જ અનુભવ અંગે લતાબેને જણાવ્યું કે ‘હું 1969માં કેનેડા આવી ત્યારે અહીં એક પણ જૈન દેરાસર નહોતું. અત્યારે જેટલાં છે એ બધાં જ બનાવવામાં મેં મદદ કરી હતી. હું લિબરલ પાર્ટીની મેમ્બર છું. પાર્ટી માટે ફંડ રેઇઝિંગ કરવાનું હોય, જસ્ટિન ટ્રૂડોને પણ મળી છું. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલિનોર કાપલાન પહેલાં અમારા લોકલ કાઉન્સિલર હતા. એ રાજકીય રીતે આગળ વધીને ફેડરલ લેવલ પર ગયા. તેમની સાથે મારે સારી ઓળખાણ હતી.’

‘મારા પતિએ કેનેડામાં પહેલું જૈન દેરાસર લીધું હતું. એમાં મેં ફંડ રેઇઝિંગમાં મદદ કરી હતી. 1997માં એ દેરાસરમાં JAINAનું કન્વેન્શન થયું હતું. JAINAએ ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઈન નોર્થ અમેરિકા છે. એમ પણ હું એક્ટિવ હતી. ત્યાં કામ કરતાં-કરતાં હું JAINAના મેગેઝિનમાં એડિટર બની. જૈનાની હું પહેલી મહિલા સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ છું.’

ભારતમાં લાખો રૂપિયાનું દાન ક્યાં-ક્યાં કર્યું?
સાડાપાંચ દસકાથી વિદેશમાં રહ્યાં બાદ પણ આ મહિલા વતનનું ઋણ અદા કરવાનું ચૂક્યાં નથી. લતાબેને જણાવ્યું કે ‘અત્યારે હું ઘણી સંસ્થાઓને ભારતમાં નાણાકીય મદદ કરું છું.

  • બંગાળમાં કોલકાતા ટોરન્ટો ફાઉન્ડેશન કોચિંગ ક્લાસ ચલાવે છે. જ્યાં આવતા 250 વિદ્યાર્થીઓને હું મદદ કરું છું.
  • શારદા મિશનમાં નર્સિંગ કોલેજની દર વર્ષે 10થી 15 છોકરીઓને ભણવાનો ખર્ચો હું આપું છું. તેમને મેં કહ્યું, હું જગ્યાનું ભાડું, શિક્ષકનો પગાર બધું જ આપીશ. આ બધી એક્ટિવિટી વધારો.
  • રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલાં ગામમાં એક બેન 200 છોકરીઓને ભરતકામ તથા સીવણ શીખવાડે છે. તેમને 50 લાખની જમીન લઈ આપી છે જ્યાં સેન્ટર બનવાનું છે.
  • બિહારમાં રાજગીરી નજીક એક સ્કૂલ બનાવવા માટે 3 મિલિયન ડોલરની જરૂર હતી, મેં કહ્યું, 1 મિલિયન ડોલર હું આપીશ. બાકીના રૂપિયા ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઈન નોર્થ અમેરિકા(JAINA) ભેગા કરશે. JAINAમાં હું ઘણા સમય સુધી સક્રિય હતી.
  • ગુજરાતમાં ધરમપુરમાં રાકેશભાઈ ઝવેરીના આશ્રમમાં મહિલા સશક્તીકરણ કેન્દ્ર બનાવવા માગે છે. ત્યાં બહેનો ગૃહઉદ્યોગ ચલાવે છે. એ જોવા ગઈ તો રસોડામાં 2 મિનિટ ઊભા ન રહી શકાય એટલી ગરમી હતી. ત્યાં બહેનો 8 કલાક કામ કરે છે. મેં કહ્યું કે 1 મિલિયન ડોલર હું આપીશ. થોડા દિવસમાં ત્યાં પણ કામ શરૂ થઈ જશે.

કેનેડામાં મારાથી થઈ શકે એટલી સેવા કરી છે. ઘણા સિનિયરોને ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઈ જઉ. એવું ઘણું કરતી. હવે ફિઝિકલી નથી કરી શકતી. કેનેડામાં આવેલા કોઈ વિદ્યાર્થીને રહેવા માટે ઘર ન મળે તો તેમને મારા ઘરે રાખું છું. એમાંથી ઘણાને મેન્ટરિંગ કરું. કોઈને ફી ન હોય તો આપું. આ બધા જ રૂપિયા જે લોકોને મદદ કરવામાં વાપરું છું એ મારા પોતાના હોય છે.’

કેનેડામાં સૌથી મોટું જૈન મંદિરની ટૂંક સમયમાં પ્રાણપ્રતિષ્ઠા
‘કેનેડાના ટોરેન્ટોમાં એક જૈન સેન્ટર રિનોવેટ કરવાનું હતું, પરંતુ પૈસા ન હતા એટલે 2016 સુધી પડ્યું રહ્યું. પછી બધાએ વિચાર્યું કે જૈન સેન્ટર જ વેચી નાખીએ. એ વર્ષે મારા પતિ મોતીનો 75નો જન્મદિવસ હતો. મને થયું કે 7.5 લાખ ડોલર જૈન સેન્ટર માટે દાનમાં આપું. બીજા દિવસે જૈન સેન્ટર સાથે જોડાયેલા એક ભાઈને કોઈ કારણસર મળવાનું હતું. ત્યારે પહેલા માળે ચઢતા તેઓ બોલ્યા, તમે બહુ સારું કર્યું કે 7.50 લાખ ડોલર આપ્યા, પરંતુ આ રકમ વધારીને 10 લાખ ડોલર કરી દો એટલે તમારું નામ બિલ્ડિંગ પર આવે. મેં લગભગ 30 સેકન્ડ વિચાર્યું, ત્રીજા માળે પહોંચ્યાં ત્યારે મેં કહ્યું ડન. એ સેન્ટર આખું મારા હાથે રિનોવેટ થયું. ત્યાં એક જૈન મંદિર અને એક કલ્ચરલ સેન્ટર બન્યું છે. સેન્ટરમાં ક્લાસરૂમ, ડાઈનિંગ, કિચન, ભક્તિ ગૃહ, ઉપાશ્રય, ઓડિટોરિયમ એમ ઘણુંબધું જ આ સેન્ટર પર છે. લગભગ 45 હજાર સ્ક્વેર ફૂટની જગ્યા છે. એનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે, પણ આ કામ માટે મારા એક મિલિયનની મદદથી કંઈ થવાનું નહોતું, તેમને 3-4 મિલિયન ડોલરની જરૂર હતી. પછી તો ઘણા લોકોએ લોન આપી. એ લોન પણ અમે પૂરી કરી. આવતા જૂન મહિનાની 23 તારીખે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. જૈન મંદિર 12 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં છે. આ મંદિર કેનેડાનું સૌથી મોટું જૈન મંદિર હશે. કદાચ અમેરિકામાં પણ પહેલા કે બીજા નંબરનું હશે.’

હજારો લોકો પ્રાણપ્રતિષ્ઠામાં થશે સામેલ
પ્રાણપ્રતિષ્ઠામાં 5 હજાર લોકો અમેરિકા તથા ઇન્ડિયાથી આવવાના છે. ઘણા છોકરાઓ પેરન્ટ્સને બોલવવાના છે એટલે 1000 લોકો ઇન્ડિયાથી આવશે. નોર્થ અમેરિકાથી ઘણાં સેન્ટરના પ્રેસિડેન્ટ્સ પણ આવવાના છે. એ સિવાય યુકે અને આફ્રિકાથી 100 લોકો આવશે. આ પ્રાણપ્રતિષ્ઠામાં જૈન સિવાયના લોકો પણ આવવાના છે.

કેનેડામાં જૈનોની સંખ્યા હમણાં ઘણી જ વધી છે. ઑન્ટારિયોમાં 2012 સુધી 850 પરિવાર હતા. મોન્ટ્રિયલમાં 50 પરિવાર, બીજા 40 પરિવાર, એબડન્ટનમાં 100 પરિવાર, વાનકુંવરમાં 50 પરિવાર, નાયગ્રા ફોલમાં 20 પરિવાર હતા. એ બધામાં જ વધારો થયો છે. મારા ખ્યાલ પ્રમાણે કેનેડામાં અત્યારે 5000 જૈન લોકો હશે. કેનેડામાં જૈન લોકો ફૂડ, રિટેલિંગ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, ઇન્વેસ્ટ જેવાં ક્ષેત્રે સફળ રહ્યાં છે. જ્યારે નવા આવેલા લોકો IT, ફાઇનાન્સ અને બિઝનેસમાં જોબ કરે છે, જેમને સારો પગાર મળી રહે છે.

અત્યારે લતાબેન શું કામ કરે છે?
રિયલ એસ્ટેટમાં અમે વર્ષોથી છીએ. ‘હું પ્રોપર્ટી મેનેજ કરવાનું કામ કરું છું. 10-10 માળની બિલ્ડિંગ્સ હું રિનોવેટ કરવાનું કામ કરું છું. અત્યારસુધીમાં દસેક બિલ્ડિંગો રિનોવેટ કરી હશે. બિલ્ડિંગમાં નવા કિચન બાથરૂમ ફ્લોરિંગ વગેરે કરવાનું હોય. એ અનુભવ હમણાં બની રહેલા જૈન સેન્ટરમાં કામ લાગે છે. ઉપરાંત મારું પેસિવ ઇન્વેસ્ટમેન્ટ છે. એમાંથી આવક થતી રહે છે. એના માટે મારે બહુ કામકાજ કરવાની જરૂર નથી પડતી. અત્યારે ઓફિસ, સુપરવાઈઝિંગ અને અન્ય કામમાં 4-5 લોકોનો સ્ટાફ છે. એક સમયે 40 થી 45 લોકો કામ કરતા. મેં હાલ તો ઘણું વાઈન્ડ અપ કર્યું છે.’


Spread the love

Related posts

કાવેરી જળ વિવાદ : આજે કર્ણાટક બંધનું એલાન, જનજીવન થશે પ્રભાવિત

Team News Updates

7નાં મોત:લોકોને ઊંઘમાં ગોળી ધરબી દીધી,પીએમ શાહબાઝે કહ્યું- અમે આતંકવાદને ખતમ કરીશું,પાકિસ્તાનમાં આતંકી હુમલો

Team News Updates

ચીનની બીમારીથી ભારતમાં એલર્ટ:બાળકો પર સૌથી વધારે અસર; ફેફસાં ફૂલી જાય છે, ગુજરાત સહિત 6 રાજ્યોમાં એડવાઈઝરી જાહેર

Team News Updates