આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે (17 જુલાઈ) શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,656 અને નિફ્ટી 19,731ના સ્તરને સ્પર્શ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13માં ઘટાડો થયો. SBIના શેરમાં આજે 3%થી વધુનો વધારો જોવા મળ્યો હતો.
જોકે, આ પછી શેરબજારમાં થોડો ઘટાડો આવ્યો હતો. સેન્સેક્સ 529 પોઈન્ટના ઉછાળા સાથે 66,589 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 146 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. 19,711ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે બેન્કિંગ, ફાઈનાન્સિયલ, ફાર્મા અને આઈટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ડૉલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 82.05 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો છે.
આજે રોકાણકારોએ રૂ. 5.1 લાખ કરોડની કમાણી કરી
BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 298.5 લાખ કરોડથી વધીને રૂ. 303.6 લાખ કરોડ થયું છે. તેના કારણે રોકાણકારોએ આજે 5.1 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
આજથી Netweb Tech ના IPO માં રોકાણ કરવાની તક
Netweb Technologies India Limited ની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે સોમવાર એટલે કે 17મી જુલાઈથી ખુલી રહી છે. રોકાણકારો આ IPOમાં 19મી જુલાઈ એટલે કે બુધવાર સુધી રોકાણ કરી શકે છે.
હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાતા નેટવેબના IPOમાં ઇક્વિટી શેર દીઠ 475 થી 500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે. કંપનીના શેરની ફાળવણી 24 જુલાઈના રોજ થશે. કંપનીના શેર 26 જુલાઈના રોજ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા થશે. તેના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર 27 જુલાઈના રોજ લિસ્ટ થશે.
શુક્રવારે પણ માર્કેટ ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું
અગાઉ, શુક્રવારે (14 જુલાઈ) શેરબજારે તેની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. સેન્સેક્સ 502 પોઈન્ટ વધીને 66,060 પર બંધ થયો હતો, જે તેની નવી બંધ સપાટી છે. વેપાર દરમિયાન સેન્સેક્સે તેની નવી ઓલ-ટાઇમ હાઈ 66,159 બનાવી છે. નિફ્ટીએ પણ 19,564ની નવી બંધ સપાટી બનાવી છે. તે જ સમયે, નિફ્ટીએ પણ કારોબાર દરમિયાન તેની નવી ઓલ ટાઈમ હાઈ 19,595.35 બનાવી હતી.