ગુજરાતના નવ આઇએએસ અધિકારીઓને પેટાચૂંટણી પછી પ્રમોશન અપાશે

0
77
  • સુરત અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર, વડોદરા અને મહેસાણાના કલેક્ટરનો સમાવેશ, નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સામૂહિક ફેરફારો થાય તેવી પણ સંભાવના


ગુજરાત સરકારના નવા આઇએએસ ઓફિસરોને પ્રમોશન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઓફિસરોને પ્રમોશન આપવાના ઓર્ડર વિધાનસભાની ચૂંટણી પછી એટલે કે નવેમ્બર મહિનામાં થાય તેવી સંભાવના છે.


રાજ્યમાં ચૂંટણીની આચાર સંહિતા ચાલતી હોવાથી અત્યારે પ્રમોશનના ઓર્ડર થાય તેમ નથી પરંતુ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડીપીસી) તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના આઇએએસ છે. આ નવ ઓફિસરો પૈકી બે ઓફિસરો ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે.


રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે જે ઓફિસરોને પ્રમોશન આપવાના થાય છે તેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અને રાહત કમિશનર હર્ષદ પટેલ, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી ભારતીનો સમાવેશ થાય છે.


એ ઉપરાંત વડોદરાના કલેક્ટર શાલીની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજીત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના અડિશનલ સેક્રેટરી કેકે નિરાલા, મહેસાણાના જિલ્લા કલેક્ટર એચકે પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલનો સમાવેશ થાય છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે ડીપીસી દ્વારા 2005ની બેચના આ ઓફિસરોને પ્રમોશન આપ્યાં પછી કેટલાક ઓફિસરોને યથાવત રાખવામાં આવી શકે છે પરંતુ વડોદરાના કલેક્ટર શાલીની અગ્રવાલ તેમજ મહેસાણાના કલેક્ટર એચકે પટેલની બદલી થાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારમાં સામાન્ય બદલીઓની રાહ જોવાઇ રહી છે ત્યારે નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં સિનિયર અને જૂનિયર મળીને કુલ 50થી વધુ આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલીઓ થાય તેવી પણ સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here