અમેરિકાના ઓર્લાન્ડોની ફ્લાઇટમાં સવાર થયેલા મુસાફરોને પ્લેનમાં ખૂબ જ ખરાબ ગંધ આવ્યા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ફોક્સ બિઝનેસ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટ 1759 બુધવારે રાત્રે શાર્લોટ ડગ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થવાની હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં ચાર્લોટ ડગ્લાસ એરપોર્ટ પર ઇમરજન્સી સ્લાઇડ્સથી મુસાફરો પ્લેનમાંથી કૂદકો મારે છે. ફ્લાઇટમાં 226 મુસાફરો હતા અને તેઓ જેટ બ્રિજ અને ઇવેક્યુએશન સ્લાઇડ્સનો ઉપયોગ કરીને પ્લેનમાંથી બહાર નીકળ્યા હતા.
સ્લાઇડ નીચે જતી વખતે એક મુસાફર ઘાયલ થયો હતો, અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ફ્રન્ટિયર એરલાઈન્સે ગુરુવારે ફોક્સ બિઝનેસને જણાવ્યું હતું કે, ‘ગઈકાલે (બુધવાર) સાંજે ચાર્લોટ ડગ્લાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ 1759 બોર્ડિંગ પ્રક્રિયામાં હતી, ત્યારે સમગ્ર વિમાનમાં તીવ્ર ગંધ આવવા લાગી હતી. સાવચેતીના ભાગ રૂપે, કેપ્ટને ખાલી કરાવવાની સૂચના જારી કરી.’
એરલાઇન્સે વધુમાં જણાવ્યું કે, ‘મુસાફરો જેટ બ્રિજ અને ઇવેક્યુએશન સ્લાઇડ્સ બંનેથી એરક્રાફ્ટમાંથી બહાર નીકળ્યા હતા. રિપોર્ટ્સ સૂચવે છે કે આમાં કોઈપણ પ્રકારનો ધુમાડો અથવા આગ જોવા મળી નથી. તમામ મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બેસાડવામાં આવશે.’
એક મુસાફરે ક્વીન સિટી ન્યૂઝને જણાવ્યું હતું કે લાઇટ બંધ થતાં પહેલાં તેઓને પ્લેનમાં પ્રથમ ગંધ આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ફોક્સ બિઝનેસને જણાવ્યું હતું કે ક્રૂએ કેબિનમાં ધુમાડાની ગંધની જાણ કરી હતી અને તે ઘટનાની તપાસ થશે.