કોરોના મહામારીના કારણે 31 મેના રોજ યોજાનારી પ્રીલિમનરીની પરીક્ષા 4 ઓક્ટોબરે યોજાઈ હતી. (ફાઈલ ફોટો)
- મેઇન્સ પરીક્ષા માટે ડિટેઇલ્સ એપ્લિકેશન ફોર્મ-1, 28 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી ભરી શકાશે
- લગભગ 6 લાખ ઉમેદવારે પ્રી-એક્ઝામ આપી હતી, મુખ્ય પરીક્ષા આવતા વર્ષે 8 જાન્યુઆરીથી યોજાશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ 20 દિવસમાં પ્રીલિમ્સનાં રિઝલ્ટ જાહેર કરી દીધાં છે. કોરોના મહામારીને કારણે 31 મેના રોજ યોજાનારી પ્રીલિમ્સની પરીક્ષા 4 ઓક્ટોબરે લેવાઈ હતી. પરિણામો યુપીએસસીની વેબસાઈટ www.upsc.gov.in પર જોઈ શકાશે. આ વર્ષે લગભગ 6 લાખ ઉમેદવારોએ પ્રીલિમ્સ પરીક્ષા આપી હતી.
સિવિલ સર્વિસની પરીક્ષામાં ત્રણ સ્ટેજ- પ્રીલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુ હોય છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ), ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ), ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અને અન્ય ભારતીય સેવાઓ માટે પસંદ કરવામાં આવે છે.
યુપીએસસીએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તમામ સફળ ઉમેદવારોને ડિટેઇલ્સ એપ્લિકેશન ફોર્મ-1 (ડીએએફ-1) ભરવા માટે કહેવામાં આવ્યું છે. ફોર્મ વેબસાઈટ https://upsconline.nic દ્વારા 28 ઓક્ટોબરથી 11 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા સુધી ભરી શકાશે. મેઈન્સ પરીક્ષા 8 જાન્યુઆરીથી શરૂ થશે.
યુપીએસસીએ કહ્યું, પરીક્ષાનું ટાઈમટેબલ ઈ-એડમિટ કાર્ડની સાથે પરીક્ષા શરૂ થવાનાં ત્રણ-ચાર સપ્તાહ પહેલાં કમિશનની વેબસાઈટ પર અપલોડ કરી દેવાશે. ડીએએફ-1 ભર્યા પછી કોઈપણ પ્રકારના ફેરફાર માટે પોસ્ટલ એડ્રેસ, ઇ-મેલ કે ફોનથી સંપર્ક કરી શકાશે.
માર્ક્સ અને કટ-ઓફ ફાઈનલ રિઝલ્ટ પછી જાહેર થશે
નિવેદનમાં જણાવાયું છે કે પરીક્ષાના માર્ક્સ, કટ-ઓફ માર્ક્સ અને આન્સર કી ફાઈનલ રિઝલ્ટ પછી કમિશનની વેબસાઈટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવાર શાહજહાં રોડ સ્થિત ધૌલપુર હાઉસમાં બનેલા સુવિધા કેન્દ્ર પર 10.00 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન પોતાના રિઝલ્ટ વિશે વ્યક્તિગત રીતે કે 011-23385271, 011-23098543 કે 011-23381125 નંબર પર ફોન કરીને જાણકારી લઈ શકે છે.